એસ.ડી.ઈ.સી.ઈ. : ફ્રાન્સની સરકારહસ્તકની ગુપ્તચર સંસ્થા. આંતરિક સલામતી તથા વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિઓ એ બંને વિભાગો તેના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછીના ગાળામાં ફ્રાન્સમાં જે જુદી જુદી ગુપ્તચર સંસ્થાઓ ઊભી કરવામાં આવી તે બધીને એક કેન્દ્રીય સંગઠન હેઠળ મૂકવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થપાઈ છે. ફ્રાન્સના યુદ્ધોત્તર રાષ્ટ્રપ્રમુખ ચાર્લ્સ દ ગૉલે દેશની ગુપ્તચર સંસ્થાઓના કેન્દ્રીકરણનો વિરોધ કર્યો હતો, પરંતુ તેમના અનુગામી વૅલેરી ઇસ્ટાંગના કાર્યકાળ દરમિયાન તે અમલમાં મૂકવામાં આવી. દેશનું આ ઉચ્ચતમ ગુપ્તચર સંગઠન અન્ય ગુપ્તચર સંસ્થાઓનાં કાર્યોનું સંકલન કરે છે તથા તેમની કામગીરી પર દેખરેખ રાખે છે. તેનું સંગઠનમાળખું, તેની કાર્યવિધિ તથા તેની પ્રવૃત્તિઓ અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવે છે. દેશના આંતરિક બાબતોના મંત્ર્યાલય(Interior Ministry)ના સીધા અંકુશ હેઠળ તે કાર્ય કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે