એસ. અબ્દુલ રહમાન (જ. 9 નવેમ્બર 1937, મદુરા, તમિલનાડુ; અ. 2 જૂન 2017 ચેન્નાઇ, તમિલનાડુ) : તમિલનાડુના જાણીતા કવિ, અનુવાદક અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આલાપનૈ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેમણે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનક્ષેત્રમાં ઝુકાવ્યું. 30 વર્ષ સુધી સેવા આપ્યા પછી તમિળ વિભાગના રીડર તેમજ અધ્યક્ષપદેથી સેવા-નિવૃત્ત થયા. તમિળ ભાષા ઉપરાંત તેઓ અંગ્રેજી, હિંદી, ઉર્દૂ અને અરબી ભાષા પણ જાણે છે. તેઓ સંગીત તથા તત્વજ્ઞાનમાં રુચિ ધરાવે છે.
આજ સુધીમાં તેમનાં કુલ 22 પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં કાવ્યસંગ્રહો, કાવ્યોના અનુવાદ તથા વિવેચનાત્મક નિબંધોના સંગ્રહનો સમાવેશ થાય છે. તેઓ દૈનિક ‘મક્કાલ નેસાન’ના સંપાદક અને દૈનિક ‘તમિળન’ના કૉપી-સંપાદક રહી ચૂક્યા છે. હાલ તેઓ ‘કવિક્કો’ નામના ત્રૈમાસિકનું સંપાદન સંભાળે છે. તેમણે શ્રીલંકા, સિંગાપુર, હૉંગકૉંગ, મલેશિયા, થાઇલૅન્ડ, સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરેબિયા, બ્રિટન, અમેરિકા અને કૅનેડા વગેરે દેશોના પ્રવાસ ખેડ્યા છે.
તેમનું ભારતીદાસન્ પુરસ્કાર અને તમિલનાડુ સરકારના કલૈમામની પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે.
તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘આલાપનૈ’માં કવિ અને ક્રાંતિકારી બંનેનું સંગઠિત રૂપ નજરે ચઢે છે. ઉપનિષદની વાર્તાનાં લોકપ્રસિદ્ધ પક્ષીઓની જેમ કવિ ક્રાંતિકારીને નિહાળતા રહ્યા છે અને તેના ફળસ્વરૂપ છે સૌંદર્યલક્ષી આનંદ. તેમનાં પ્રકૃતિવિષયક કાવ્યો મનુષ્ય સાથે સંબંધ ધરાવતાં હોઈ તેમને સામાજિક રીતે પ્રતિબદ્ધ બનાવે છે. તેથી આ કૃતિ તમિળમાં લખાયેલ ભારતીય કાવ્યનું એક મહત્વનું પ્રદાન લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા