એસ્ટન, ફ્રાંસિસ વિલિયમ (જ. 1 સપ્ટેમ્બર 1877, હાર્બોન, ઇંગ્લૅન્ડ; અ. 20 નવેમ્બર 1945, કેમ્બ્રિજ) : દળ-સ્પેક્ટ્રોગ્રાફના શોધક અને 1922ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1901માં બર્મિંગહામ યુનિવર્સિટીમાંથી ટાર્ટરિક ઍસિડ અને તેના વ્યુત્પન્નોની પ્રકાશ-ક્રિયાશીલતા(optical activity)ના અભ્યાસ ઉપર એક સંશોધનલેખ પ્રસિદ્ધ કરીને રસાયણજ્ઞ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. 1895માં ઍક્સ-કિરણો તથા 1896માં વિકિરણધર્મિતાની શોધ પછી ભૌતિકશાસ્ત્રમાં નવી ચેતના આવતાં તેમણે 1903માં વાયુ ભરેલ કાચની નળીમાં વિદ્યુતવિભાર કરવાથી ઉત્પન્ન થતાં ઍક્સ-કિરણોનો અભ્યાસ શરૂ થયો. 1910માં તે કૅવેન્ડિશ પ્રયોગશાળામાં સર જે. જે. થૉમસનના મદદનીશ તરીકે જોડાયા. આ સમયે સર થૉમસન વાયુમાં વિદ્યુતવિભાર કરવાથી મળતાં ધનભારવાહી કિરણોના અભ્યાસમાં વ્યસ્ત હતા. એસ્ટન મદદનીશ હતા. તે ગાળા દરમિયાન નિયૉન ઉપરના પ્રયોગોથી સ્થાયી (અવિકિરણધર્મી – non-radioactive) તત્ત્વોમાં સમસ્થાનિકો-(isotopes)ની હાજરીની પ્રથમ સાબિતી થૉમસને મેળવી. આ કાર્યમાં ઉપયોગમાં લેવાયેલા સિદ્ધાંત – ધનભારવાહી કણોનું તેમના દ્રવ્યમાન પ્રમાણે પૃથક્કરણનો વ્યાપક ઉપયોગ એ એસ્ટનનું જીવનકાર્ય બની ગયું.
તેમણે વિકસાવેલું ઉપકરણ દ્રવ્યમાન (mass) સ્પેક્ટ્રોગ્રાફ તરીકે ઓળખાય છે. તે ઉપકરણ દ્વારા પરમાણુઓ, અણુઓ તથા અણુઓના ટુકડાઓને ધનભારિત કરીને તેમને તેમના દ્રવ્યમાન પ્રમાણે અલગ કરીને નોંધપાત્ર ચોકસાઈથી દ્રવ્યમાન માપી શકાય છે. બર્મિંગહામ અને ડબ્લિન યુનિવર્સિટીઓ તરફથી તેમને માનાર્હ ડૉક્ટરેટ આપવામાં આવી હતી. 1920માં તે ટ્રિનિટી કૉલેજના ફેલો અને 1921માં રૉયલ સોસાયટીના ફેલો ચૂંટાયા હતા. આ સાધન ભૂસ્તરશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર તથા ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રમાં વ્યાપકપણે વપરાય છે; કારણકે જે પૃથક્કરણ કરતાં મહિનાઓ થાય તે પૃથક્કરણ સાધનથી થોડા કલાકમાં જ શક્ય બને છે. કુદરતમાં મળતા 287 ન્યૂક્લાઇડમાંથી 212 તેમણે શોધેલાં તે પરથી એસ્ટનની સિદ્ધિનો ખ્યાલ આવી શકશે.
તે પર્વતારોહણ, બરફ પરની રમતો, ટેનિસ અને તરણના શોખીન તથા સંગીતના સારા જાણકાર હતા. તેમણે અવિવાહિત જીવન વિતાવ્યું હતું.
ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ