એસ્ચ્યુઅરી (estuary) : સમુદ્રને મળતી નદીના મુખનો પ્રદેશ. તેને ‘નદીનાળ’નો પ્રદેશ પણ કહે છે. નદીનાં પાણી અને સમુદ્રમાં ભરતી આવતાં પાણી નદીમાં જ્યાં સુધી મિશ્ર થતાં રહે ત્યાં સુધીનો પ્રદેશ નદીનાળ કહેવાય છે. સમુદ્રજળની સપાટી વધતાં અથવા ભૂમિભાગ નીચે બેસી જવાથી આ પ્રદેશની રચના થાય છે. ઍટલાંટિકની પશ્ચિમે યુ.એસ.માં આવેલો ચેસાપીકનો અખાત સૌથી મોટો છે. ભૂમિવિસ્તાર સરેરાશ 4 મીટર ઊંડો છે. મધ્યમાં ઊંડાઈ વધુ છે. આ નદીનાળથી બંદરો વધુ સુરક્ષિત રહી શકે છે. જમીન અને જળવિસ્તારને સાંકળતી આ ભૂમિ પાસે દુનિયાનાં અનેક મહત્વનાં બંદરો આવેલાં છે. દરિયાઈ ખોરાકનો સૌથી વધુ પુરવઠો અહીં મળી રહેતો હોવાથી સીલ માછલી આ ખારા પાણીમાં વધુ જોવા મળે છે. નદીનાળના અંદરના પ્રદેશમાં નદીના મીઠા જળવિસ્તાર ઉપર સમુદ્રનાં ખારાં પાણી ફરી વળે છે. ઊર્ધ્વ દિશાએ મિશ્ર થતા જળમાં સમુદ્રનું જળ નદીના જળને ઊંચે ધકેલે છે. આ વિભાગમાં નભતું જીવન ઉપરવાસના મીઠા પાણી અને સમુદ્રના ખારા પાણી કરતાં તદ્દન જુદું પડે છે.
નદીનાળના વિસ્તારમાં ભરતી સમયે થોડું વધારે નદીનું પાણી સમુદ્ર તરફ વહે છે. મોટી નદીઓ ભરતી સમયે અને ઓટના સમયે નદીનાળ દ્વારા સમુદ્રમાં વધુ પાણી ઠાલવે છે. નદીનાળના વિસ્તારમાં રેતીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. નદીનાળના મુખવિસ્તાર ખૂબ વિશાળ અને પહોળા હોય છે. મોટી ભરતી સમયે નદીનાળના અંદરના ભાગમાં રેતીની ટેકરીઓ રચાય છે.
ફ્રાન્સમાં આવેલી ગીરોન્ડ નદીમાં રેતીની ટેકરીઓ જમીનકાંઠાના પાછળના ભાગ અને પૂરના પાણીના નાળાના માર્ગને જુદા પાડે છે.
નદી અને સમુદ્ર બંને નદીનાળાના વિસ્તારમાં નિક્ષેપનું કાર્ય કરે છે. ભરતી દ્વારા રેતી નદીનાળના અંદરના વિસ્તારમાં તેમજ ક્ષારીય તત્વો સતત નિક્ષેપિત થતાં રહે છે. ફિનર નદી નદીનાળના ઉપરવાસના વિસ્તારમાં વધુ નિક્ષેપ કરે છે. દુનિયાની મોટાભાગની નદીઓ નદીનાળાના વિસ્તારમાં નિક્ષેપનું કાર્ય કરે છે.
નીતિન કોઠારી