એસુન્સિયૉન (Asuncion) : દક્ષિણ અમેરિકા ખંડના અગ્નિ ખૂણામાં આવેલા પેરુગ્વે દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 250 16’ દ. અ. અને 570 40’ પ. રે.. પેરુગ્વે નદીના પૂર્વ કિનારે વસેલું આ શહેર ગ્રાનચાકોના મેદાની પ્રદેશમાં આર્જેન્ટિના અને પેરુગ્વેની સરહદ ઉપર આવેલું છે અને સેન્ટ્રલ પેરુગ્વે રેલવેનું મથક છે, તેથી રેલમાર્ગે મોન્ટેવીડિયો (ઉરુગ્વે) બૂએનૉસ આઇરિસ (આર્જેન્ટિના), રિયો-ડી-જાનેરો (બ્રાઝિલ) અને સાન જૂઆન (બોલિવિયા) સાથે જોડાયેલું છે.
આ શહેરની આસપાસ ખેતીસમૃદ્ધ પ્રદેશો, ફળોની વાડીઓ તેમજ ડેરી-ઉદ્યોગનાં કેન્દ્રો આવેલાં છે. તેથી તે વેપારી કેન્દ્ર તરીકે વિકસ્યું છે. આ રળિયામણા શહેરમાં સ્પૅનિસ સ્થાપત્યો, વિશાળ બાગબગીચા અને પ્રાચીન ખ્રિસ્તી દેવળો જોવાલાયક છે. સૌથી ઊંચી ટેકરી પર આવેલું ‘લા ઇન્કાર્નશિયોન દેવળ સુંદર અને શ્રેષ્ઠ છે. 1889માં નૅશનલ યુનિવર્સિટી ઑવ્ પેરુગ્વેની સ્થાપના બાદ આ શહેર શિક્ષણકેન્દ્ર બન્યું છે. અહીં બોટનિકલ ગાર્ડન, પ્રમુખનો
મહેલ, ગોડો મ્યુઝિયમ અને પ્રાચીન કચેરીઓની ઇમારતો ખાસ જોવાલાયક છે. લગભગ 1,176 ચોકિમી.માં ફેલાયેલું આ શહેર 5,21,559(2016)ની વસ્તી ધરાવે છે.
મહેશ મ. ત્રિવેદી