એલ. બી. ડબ્લ્યૂ. : ક્રિકેટની રમતમાં વપરાતું લેગ બીફોર વિકેટનું સંક્ષિપ્તરૂપ. બૅટધરે પગથી વિકેટ સામે અવરોધ ઊભો કરવો તે. બૅટધરને અમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ તેને જો સૌથી વધુ અસંતોષ થતો હોય તો આ ‘એલ. બી. ડબ્લ્યૂ.’ના નિર્ણયથી ! ક્રિકેટની રમતમાં અમ્પાયરો તે કારણે બદનામ પણ થતા હોય છે.
ક્રિકેટના નિયમ નંબર 36 મુજબ બૅટધર જ્યારે સ્ટમ્પ્સ પર સીધા આવતા દડાને રમવા આખું શરીર કે શરીરનો કોઈ પણ ભાગ સ્ટમ્પ્સને અવરોધરૂપ બનાવી દડાને ફટકારવાનો પ્રયત્ન કરે અને તેમ કરતાં દડો શરીરના કોઈ પણ ભાગને વાગે કે અથડાય ત્યારે તે ‘એલ. બી. ડબ્લ્યૂ.’ આઉટ ગણાય છે.
દડો ઑફ સ્ટમ્પની બહારથી ટપ્પા ખાતો આવતો હોય અને બૅટધર એ દડાને બૅટથી ફટકારવાનો પ્રયત્ન કર્યા વિના આખું શરીર કે શરીરનો કોઈ પણ ભાગ વિકેટને અવરોધરૂપ બનાવી દે અને અમ્પાયરને તેમ લાગે તો તે બૅટધરને બૉલર કે ફિલ્ડરોની અપીલ પરથી ‘એલ. બી. ડબ્લ્યૂ.’ જાહેર કરી શકે છે.
‘એલ. બી. ડબ્લ્યૂ.’નો નિયમ સૌપ્રથમ 1774માં ક્રિકેટના નિયમોમાં સમાવિષ્ટ થયો હતો. એ પહેલાં બૅટધરો વિવિધ આકારનું વાંકું-ચૂકું હૉકી આકારનું બૅટ વાપરતા હતા. એ કારણે તેઓ વિકેટની એક બાજુ જ ઊભા રહેતા હતા. સીધા બૅટની પ્રથા અમલી બનતાં બૅટધરો વિકેટની અંદર ઘૂસીને સીધા વિકેટ પર આવતા દડાનો સામનો કરવા લાગ્યા. આ કારણે એલ. બી. ડબ્લ્યૂ.નો નિયમ ઘડાયો અને અમલી બન્યો.
1774માં ઘડાયેલો નિયમ આ મુજબ હતો : ‘જો બૅટધર વિકેટ પર સીધા આવતા દડાને વિકેટ સામે પગ લાવીને અવરોધે તો બૅટધર એલ. બી. ડબ્લ્યૂ થશે.’
1788માં આ નિયમમાં સાધારણ ફેરફાર થયો. 1823માં અને 1839માં તેમાં ઘણા શાબ્દિક સુધારાવધારા કરવામાં આવ્યા,
સમયાંતરે બૅટધરને દડાને ‘પૅડિંગ’ કરતો રોકવા અને બૉલરને પ્રોત્સાહન આપવા આ નિયમમાં ઘણા ફેરફાર થયા. એ કારણે બૅટધરે ‘સંરક્ષણાત્મક’ રમતની પદ્ધતિ અપનાવી.
1947 અને 1974માં વળી આ નિયમમાં થોડા વધુ ફેરફાર કરવામાં આવ્યા.
‘એલ. બી. ડબ્લ્યૂ’ના નિયમમાં ઘણીવાર બૅટધર ખોટી રીતે આઉટ થઈ જતો કેમ કે તેના બૅટને બૉલનો સ્પર્શ થયો હોય તે અમ્પાયરને ખબર પડતી નહિ અને બૅટધર આઉટ જાહેર થઈ જતો.
હવે તો વિડિયોગ્રાફીના કારણે ક્રિકેટ મૅચનું ચાર-પાંચ કેમેરા પર ચિત્રીકરણ થતું હોઈ ટીવી પર લોકો કે કૉમેન્ટેટરો ઘણી જ સૂક્ષ્મ રીતે ‘ઍક્શન રી-પ્લે’માં ‘એલ. બી. ડબ્લ્યૂ.’ની સાચી પરિસ્થિતિ નિહાળી શકતા થયા છે.
જગદીશ બિનીવાલે