એલ્ફૉન્સો, એ. (જ. 1940, બેંગાલુરુ, કર્ણાટક; અ. 23 એપ્રિલ 2021) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નઈની ગવર્ન્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ કરીને 1962માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1962થી 1977 લગી અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ, બેંગાલુરૂ, હોલૅન્ડ, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં પોતાની કલાનાં અનેક વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. વળી ક્યૂબા, મૅક્સિકો, બ્રિટન અને બાંગ્લાદેશમાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો હતો. તેમને 1963થી 1965ના સમયગાળા માટે ભારત સરકારની સાંસ્કૃતિક શિષ્યવૃત્તિ પણ મળી હતી.
પ્રાચીન ભારતીય શિલ્પ અને ચિત્રોની આકૃતિઓને તેઓ આધુનિક સંદર્ભમાં કૅન્વાસ પર ચીતરવા માટે જાણીતા હતા. તેઓ ચેન્નઈમાં રહીને કલાસર્જનમાં વ્યસ્ત રહતા હતા.
અમિતાભ મડિયા