એલ્ડર કુર્ત [જ. 10 જુલાઈ 1902, કોનિગ શૂટે (પ્રુશિયા); અ. 20 જૂન 1958, કોલોન] : પ્રસિદ્ધ જર્મન રસાયણજ્ઞ. શરૂઆતનાં વર્ષો ઔદ્યોગિક વિસ્તારમાં વીતેલાં અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘર છોડવું પડેલું. બર્લિન અને કીલ યુનિવર્સિટીમાં અભ્યાસ.

1926માં ડૉક્ટરેટ મેળવી ક્વિનોન અને ડાયઇન વચ્ચેની પ્રક્રિયા અંગે પ્રથમ સંશોધનપત્ર 1928માં ઑટો ડીલ્સની સાથે પ્રસિદ્ધ કર્યું. કીલમાં 1934થી 1936 સુધી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1936થી 1940 આઈ. જી. ફર્બિન ઇન્ડસ્ટ્રી એજીમાં સંશોધન-નિયામક તરીકે કાર્ય કર્યું; ત્યાં સંશ્લેષિત રબર અને બીજા બહુલકોના વિકાસમાં તેમના પાયાના સંશોધનનો ઉપયોગ કર્યો. 1940માં કોલોન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને રસાયણ સંસ્થાના નિયામક તરીકે તેમની નિમણૂક થઈ હતી.

કુર્ત એલ્ડર

1950માં ઑટો ડીલ્સની સાથે હાલમાં ડીલ્સ-એલ્ડર પ્રક્રિયા તરીકે ઓળખાતી ચક્રીય સંયોજનોના સંશ્લેષણ માટેની વ્યાપક ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાના વિકાસ માટે રસાયણનું નોબેલ પારિતોષિક તેમને એનાયત થયું હતું. આ પ્રક્રિયાથી કેન્થરિડીન (ખડમાંકડીના મૂત્રમાં રહેલ ફોલ્લા પાડી દે તેવો પદાર્થ), અર્ગોસ્ટેરોલ, વિટામિન ડી વગેરેનાં સંશ્લેષણ સરળતાથી શક્ય બન્યાં. અસંતૃપ્ત પ્રણાલીનું અવકાશ-રસાયણ (stereochemistry), વિકૃત (strained) વલયોમાંના દ્વિબંધની વર્તણૂક, આંતર આણ્વિક પુનર્રચના વગેરેમાં તેમણે નોંધપાત્ર સંશોધન કરેલું છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ