એલુઆર, પાલ (જ. 14 ડિસેમ્બર 1895, સેં દેની; અ. 18 નવેમ્બર 1952, પૅરિસ) : ફ્રેંચ કવિ. અસલ નામ યુઝેન ગ્રેંદેલ. પૅરિસની સીમા પર મજૂર વિસ્તારમાં નીચલા મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. આરંભમાં ગરીબાઈ અને ગરીબોનાં દુ:ખો વિશેની કવિતા રચી. ઔપચારિક શિક્ષણ પૅરિસમાં એકોલ કાલ્બેરમાં. 1912-14માં ક્ષયરોગને કારણે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરવોમાં આરોગ્યગૃહમાં. અહીં ભાવિ પત્ની ગાલાનો પરિચય. આ સમયમાં સ્વપ્રયત્નથી વૈવિધ્યપૂર્ણ વાચન; પણ કવિતાની પ્રેરણા આ વાચનમાંથી નહિ પણ આ પ્રદેશની પ્રકૃતિની એટલે કે પર્વતો, આકાશ અને બરફની પવિત્રતામાંથી અને પ્રિયતમા ગાલાના પ્રેમમાંથી. પ્રથમ વિશ્વયુદ્ધમાં યુદ્ધસેવા.

પાલ એલુઆર

1917માં ગાલા સાથે લગ્ન. આ સમયમાં બે કાવ્યસંગ્રહો  ‘લ દવ્વાર એ લેંકિએત્યુદ’ (1917) અને ‘પોએમ પુર લા પે’(1918)નું પ્રકાશન. આ કાવ્યસંગ્રહોથી કવિઓના પુરસ્કર્તા ઝાં પોલ્હાં પ્રસન્ન. આ સમયમાં આંદ્રે બ્રેતોં, ફિલિપ સુપો અને લૂઇ આરાગોંનો પરિચય. દાદાવાદ અને પરાવાસ્તવવાદનાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. આ આંદોલનના મુખપત્ર ‘લિતેરાત્યુર’માં કાવ્યોનું પ્રકાશન. 1924માં લગ્નજીવનમાં કટોકટીને કારણે દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને દૂર પૂર્વનો સાત માસનો રહસ્યમય પ્રવાસ. પછી લગ્નવિચ્છેદ. આ સમયમાં ‘કાપિતાલ દ લા દુલર’ (1926), ‘લા મુર લા પોએસી’ (1929) આદિ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. 1934માં બીજું લગ્ન. 1935માં સ્પેનમાં આંતરવિગ્રહમાં પ્રજાવાદના પક્ષે સક્રિય સહાય. 1938માં પરાવાસ્તવવાદના આંદોલનમાંથી અલિપ્ત. દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધસેવા. પછી જર્મન-વર્ચસ્ના સમયમાં ચારે વર્ષ પૅરિસમાં પ્રતિકાર આંદોલનમાં ઝાં દયુ હોના ઉપનામથી અત્યંત સક્રિય અગ્રેસર. આ સમયમાં ‘પોએસી એ વેરિતે’ (1942), ‘ઓ રાંદે-વુ આલમાં’ (1944), તથા વિશ્વયુદ્ધ પછીના સમયમાં ‘પોએસી એંનેંતરોમ્પ્યુ’ (1946) આદિ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. 1942માં સામ્યવાદી પક્ષના સભ્ય. 1946માં દ્વિતીય પત્નીનું અવસાન. 1951માં ત્રીજું લગ્ન. હૃદયરોગથી અવસાન.

કવિજીવનનાં પાંત્રીસેક વર્ષમાં ચાલીસેક કાવ્યસંગ્રહોનું પ્રકાશન. પૂર્વાર્ધમાં, પરાવાસ્તવવાદના સમયમાં સ્ત્રી અને પ્રેમ  સ્ત્રીની વિશ્વમયતા અને પ્રેમની રહસ્યમયતા – વિશેનાં, વ્યક્તિપ્રેમ વિશેનાં કાવ્યો. ઉત્તરાર્ધમાં, પ્રતિકારના સમયમાં રાષ્ટ્રપ્રેમ અને સામ્યવાદના સમયમાં સમષ્ટિપ્રેમ વિશેનાં કાવ્યો. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની કવિતામાં સાતત્ય. રાષ્ટ્રપ્રેમ અને સમષ્ટિપ્રેમ વિશેનાં કાવ્યોમાં વ્યક્તિપ્રેમ વિશેનાં કાવ્યોનું અનુસંધાન. પ્રતિકારના સમયમાં કેટલાંક કાવ્યો લાખો લોકોને કંઠસ્થ હતાં. ફ્રેન્ચ પ્રજાના હૃદયમાં કવિનું રાષ્ટ્રવીર તરીકેનું સ્થાન હતું, છતાં પૂર્વાર્ધની કવિતા એ ઉત્તમ કવિતા હતી. એમાં પરાવાસ્તવવાદી ઓછામાં ઓછી લાક્ષણિકતાઓ, છતાં પરાવાસ્તવવાદની અનુપસ્થિતિમાં એનું સર્જન અશક્ય બન્યું. આજે પરાવાસ્તવવાદ, પ્રતિકાર અને સામ્યવાદના એક ઉત્તમ કવિ તરીકે તેમની ગણના છે. ભવિષ્યમાં પરાવાસ્તવવાદ, પ્રતિકાર અને સામ્યવાદ ‘ઇતિહાસ’ બની જશે છતાં ફ્રેન્ચ કવિતાના ઇતિહાસમાં પ્રેમના એક ઉત્તમ કવિ તરીકે તેમનું પ્રદાન યાદગાર રહેશે.

નિરંજન ભગત