એલચો : એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસીના ઉપકુળ ઝિન્જીબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amomum Subulatum Roxb. (બં. બરા-એલાચી, બરો-એલાચ; ગુ. એલચો, મોટી ઇલાયચી; હિં. બરી-એલાચી, બરી-ઇલાયચી, ક. ડોડ્ડા-યાલાક્કી, મલા. ચંદ્રાબાલા; મ. મોટે વેલ્ડોડે; સં. અઇન્દ્રી, બૃહતુપા-કુંચિકા; તા. પેરિયા-ઇલાક્કાઈ; તે. આડવી-ઇલાક્કાઈ, અં. ગ્રેટર કાર્ડેમમ, નેપાલ કાર્ડેમમ) છે.

તે બહુવર્ષાયુ, 2 મી.થી 2.5 મી. ઊંચી, પર્ણમય (leafy) પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે અને પૂર્વ હિમાલયમાં થાય છે અને નેપાલ, ઉત્તર-પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામના પહાડી પ્રદેશોમાં થાય છે. તેની ગાંઠામૂળી ભૂસર્પી (reeping) અને શાખિત હોય છે અને તે કેટલાક ટટ્ટાર પર્ણમય પ્રરોહો અને લઘુપુષ્પગુચ્છ (panicles) ધરાવે છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), 30-60 સેમી. × 72.5 − 10.0 સેમી., અણીદાર અને અરોમિલ હોય છે. પુષ્પવિન્યાસ ટૂંકા પ્રવૃંત (peduncle) અને ગોળ શુકી (spike) ધરાવતો અત્યંત સઘન હોય છે. ફળ પ્રાવર પ્રકારનું આશરે 2.5 સેમી. લાંબું, અનિયમિતપણે પ્રતિહૃદયાકાર (obcordate), કાંટાળું, ત્રિકોટરીય અને ઘેરું લાલ-બદામી હોય છે. તેના પ્રત્યેક કોટરમાં ઘટ્ટ શર્કરાયુક્ત ગરથી ઘેરાયેલાં કેટલાંક સુગંધિત બીજ હોય છે. ફળ અગ્ર-પશ્ચ (anterio-posterior) છેડેથી ચપટું હોય છે અને તેના 2/3 ભાગની લંબાઈએ આગળથી પાછળના છેડા તરફ અનિયમિત, દંતુર અને તરંગી સપક્ષ (winged) રચના ધરાવે છે.

એલચો

એલચાનું ભારત, નેપાલ અને ભુતાનમાં અનુક્રમે 2,600, 200 અને 100 ટન જેટલું પ્રતિવર્ષ ઉત્પાદન થાય છે. એકલા સિક્કિમમાં 1,800 ટન એલચાનું (70 % જેટલું) ઉત્પાદન થાય છે અને ભારતનું સૌથી વધારે નિકાસ કરતું રાજ્ય છે. ભારત એલચાની નિકાસ મુખ્યત્વે યુ. કે. પશ્ચિમ જર્મની, ફિનલૅંડ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, કુવૈત, યુનાઇટેડ આરબ એમાઇરેટ્સ, સાઉદી અરેબિયા અને અન્ય મધ્ય-પૂર્વીય દેશોમાં કરે છે.

સિક્કિમમાં તેની ‘ગોલ્શાઈ’, ‘રામ્શાઈ’ અને ‘સાવનેય’ જાતો ખૂબ જાણીતી છે. તેમનાં લક્ષણો આ પ્રમાણે છે :

‘ગોલ્શાઈ’ વામન જાત છે અને બહુ થોડા પ્રરોહો ધરાવે છે. તે તુલનામાં ટૂંકાં, પહોળાં અને ટટ્ટાર પર્ણો અને મોટાં અને ભરાવદાર ફળ ધરાવે છે.

‘રામ્શાઈ’ 2.5 મી. સુધી ઊંચી વધતી, ઘણા પ્રરોહોવાળી અને પાતળાં અને લાંબાં પર્ણો ધરાવતી જાત છે. ફળ નાનાં અને ગુણવત્તાની ર્દષ્ટિએ હલકી કક્ષાનાં છે. મોટેભાગે તે 1,500 મી. કરતાં વધારે ઊંચાઈએ થાય છે. ઓછી ઊંચાઈએ ‘ફૂર્કી’ વિષાણુનો ગંભીરપણે ચેપ લાગે છે. લણણી માટે ફળ ઑક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થાય છે.

‘સાવનેય’ 2.5 મી. સુધી ઊંચી વધતી જાત છે. તેનાં પર્ણો ‘રામ્શાઈ’ની તુલનામાં વધારે પહોળાં અને ટૂંકાં હોય છે. ફળ કદમાં ભરાવદાર અને બદામી રંગનાં હોય છે. તેની લણણી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં થાય છે. આ જાત 1,500 મી.થી ઓછી ઊંચાઈએ વધારે વવાય છે. તે ‘ફૂર્કી’ રોગની ઓછી સંવેદી હોય છે.

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ‘રામ્ના’, ‘ચિબે’ અને ‘કોપ્રિન્ગે’ જાતો વાવવામાં આવે છે. તેમનાં ફળોની લણણી ઑક્ટોબર-નવેમ્બર માસમાં થાય છે.

તેનું પ્રસર્જન બીજ અથવા ગાંઠામૂળીના ટુકડાઓ દ્વારા થાય છે. પ્રમાણસર છાંયડો, વધારે સાપેક્ષ ભેજ અને ઠંડી આબોહવા તેના વાવેતર માટે અનુકૂળ છે; છતાં જલાક્રાન્ત (water-logged) મૃદા નુકસાનકારક હોય છે. સારા નિતારવાળી અને પુષ્કળ પાંસુક (humus) ધરાવતી જંગલની મૃદામાં તે સૌથી સારી રીતે ઊગે છે. ફળદ્રૂપ મૃદામાં તે વધારે ઉત્પાદન આપે છે અને વધારે સમય (20 વર્ષ સુધી) જીવે છે. તેના રોપાઓ ધરુવાડિયામાં તૈયાર કરી ખેતરમાં તેની ફેરરોપણી કરવામાં આવે છે.

એલચાને ‘ફૂર્કી’ નામનો ગંભીર રોગ વિષાણુ દ્વારા થાય છે, જેથી છોડ વામન બને છે અને વંધ્ય પ્રરોહો ઉત્પન્ન થાય છે. પુષ્પનિર્માણની પ્રક્રિયા ક્રમશ: અવરોધાય છે અને ત્રણ-ચાર વર્ષમાં સંપૂર્ણપણે અટકી જાય છે. રોગનો ફેલાવો રોગગ્રસ્ત ગાંઠામૂળી દ્વારા થાય છે. Micromyzus Kalimpogensis Basu નામનું કીટક આ રોગનું વાહક છે. રોગગ્રસ્ત છોડોનો નાશ 40 % એગ્રોક્ષોન 4ના અંત:ક્ષેપણ દ્વારા અને 0.04 % ફોલીઓડોલ ઇ 605 કે મેટાસિસ્ટોક્ષના ત્રણ અઠવાડિયાના આંતરે છંટકાવ કરવાથી થાય છે. એલચાની ‘કોપ્રિંગે’ જાત ફૂર્કી રોગ માટે અવરોધક છે.

એલચાને બીજા એક વાઇરસ દ્વારા ‘ચિર્કે’ રોગ થાય છે. આ રોગથી શરૂઆતમાં પર્ણો ઉપર ‘મોઝેક’ રેખાઓ ઉત્પન્ન થાય છે, જે જોડાઈ જતાં પર્ણો બદામી રંગનાં બને છે અને સુકાઈ જાય છે. આ રોગનું વહન Rhopalosipham maidis અને Bnachycaudus helichrysi નામના એફિડ દ્વારા થાય છે. મૃદાને થાયોયુરેસિલ (0.1 %) આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. ‘સાવનેય’ અને ‘કોપ્રિંગે’ રોગઅવરોધક જાતિઓ છે.

Pestalotia spp. દ્વારા એલચાને પર્ણનો સુકારો થાય છે. નાનાં રતાશ પડતાં બદામી વધતે ઓછે અંશે ગોળ કે લંબચોરસ ટપકાંઓ પર્ણો ઉપર ઉત્પન્ન થાય છે, જે પાછળથી પિકનીઆ (pycnia) ઉદભવતાં કાળાં બને છે. આ ટપકાંઓ મોટાં બની જોડાઈ જાય છે અને પર્ણ અંતે સુકાઈ જાય છે.

પ્રથમ વર્ષે એલચાનું ઉત્પાદન માત્ર 25 કિગ્રા./હેક્ટર થાય છે, પરંતુ ત્યારપછી પ્રત્યેક લણણીએ ઉત્પાદન ક્રમશ: વધતું જાય છે અને ચોથી કે પાંચમી લણણીએ તે 300 કિગ્રા.થી એક ટન/હેક્ટર સુધી પહોંચે છે. આ ઉત્પાદન એક-બે વર્ષ સુધી જળવાય છે અને પછી ઉત્પાદન ઘટતું જાય છે.

એલચાનું કોથળીઓમાં હવાચુસ્ત રીતે સંવેષ્ટન કરી અંધારાં પાકાં ગોદામોમાં સંગૃહીત કરવામાં આવે છે. આ સંગૃહીત ફળોને Aspergillus candidus Link.; A. nidulans (Eidam.) Wing., A. niger, A. niveus Blochw., Alternaria humicola Oudem. અને Rhizoctonia sp. જેવી ફૂગ ચેપ લગાડે છે. વધારે પડતો ભેજ, અતિ શુષ્કતા, અને અત્યંત ખરાબ વાસવાળા પદાર્થોના સંપર્કથી એલચાની ગુણવત્તા બગડે છે.

બીજના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે પાણી 8.5 %, પ્રોટીન 6.0 %, બાષ્પશીલ તેલ 2.8 %, અશુદ્ધ રેસો 22 %, સ્ટાર્ચ 43.2 %, ઈથર-નિષ્કર્ષ 5.3 %, આલ્કોહૉલીય નિષ્કર્ષ 7.0 %, અને ભસ્મ 4.0 %, કૅલ્શિયમ 666.6 મિગ્રા., મૅગ્નેશિયમ 412.5 મિગ્રા. અને ફૉસ્ફરસ 61.0 મિગ્રા./100 ગ્રા., અને ફ્લૉરાઇડ 14.4 પીપીએમ. ધરાવે છે. બીજમાં પિટુનિડિન 3, 5 ડાઇગ્લુકોસાઇડ (C28H33O17) અને લ્યુકોસાયનિડિન 3-0-β ગ્લુકોપાયરેનોસાઇડ (C21H24O12) અને નવો ઓરોન ગ્લાયકોસાઇડ, અને સબ્યુલિન (C28H32O16) હોય છે. સબ્યુલિનના ઍસિડ-જલાપઘટનથી ઍગ્લાયકોન, સબ્યુલ્યોરોન (C16H12O7) ઉત્પન્ન થાય છે. બીજમાં ચાલ્કોન, કાર્ડેમોનિન (C16H14O4) અને ઍલ્પિનેટિન નામના ફ્લેવેનોનની હાજરી માલૂમ પડી છે.

બીજના બાષ્પ-નિસ્યંદનથી ઘેરું બદામી બાષ્પશીલ તેલ (2.5%) ઉત્પન્ન થાય છે. તેલનું મુખ્ય ઘટક સિનેઓલ (64.94%) છે. બીજ સુગંધિત અને તીખાં હોય છે અને સારો સ્વાદ ધરાવે છે. તેઓ નાની ઇલાયચી (Elettaria cardamomum Maton) જેવા જ ગુણધર્મો ધરાવે છે અને મસાલા તરીકે, ચર્વણી (masticatory) તરીકે અથવા ચર્વણ-ઘટક (chewing-ingradient) તરીકે નાની ઇલાયચીની અવેજીમાં વપરાય છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ છીંકણી અને અગરબત્તીઓ બનાવવામાં થાય છે.

તે ઉત્તેજક, ક્ષુધાપ્રેરક (stomachic), વિષઘ્ન (antidote) અને સંકોચક (astringent) છે અને તે અપચો, ઊલટી, પિત્તદોષ (biliousness), પેટનાં દર્દો અને મળાશયના રોગોમાં ઉપયોગી છે. તેના બીજનો કાઢો દાંત અને પેઢાના દુ:ખાવામાં કોગળા કરવા માટે વપરાય છે. મૂત્રપિંડની પથરીમાં તરબૂચ સાથે તેનો મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે પિત્તરસની બહાર નીકળવાની ક્રિયાને ઉત્તેજે છે અને યકૃતના રક્તાધિક્ય(congestion)માં ઉપયોગી છે. ચેતાના દર્દમાં ક્વિનિન સાથે તે મોટી માત્રામાં (1.9 ગ્રા.) આપવામાં આવે છે. તેનું ફલાવરણ માથાનો દુ:ખાવો મટાડે છે અને મુખપાક(stomatitis)ની રૂઝ લાવે છે.

A. aromaticum Roxb. (બેંગાલ કાર્ડેમોન) અને A. dealbatum Roxb. પણ નાની ઇલાયચીની અવેજીમાં વપરાય છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ