એલચી : અન્ય રાજ્યમાં સ્થાયી પ્રતિનિધિ તરીકે રહેતો રાજદૂત. દુનિયાનાં રાજ્યો પોતાનું હિત જાળવવા, પારસ્પરિક સંબંધો ગાઢ બનાવવા, અન્ય રાજ્યો સાથે સંપર્કમાં રહે છે અને તે માટે અરસપરસ પ્રતિનિધિઓની આપલે કરે છે. અન્ય રાજ્યમાં નિમાયેલ આવો પ્રતિનિધિ એલચી અથવા તો રાજદૂત કહેવાય છે. એલચી સંબંધી વ્યવસ્થા સંભાળવા માટેનો વિભાગ તે એલચી ખાતું. ભારતમાં એલચી સંબંધી સર્વ પ્રકારની કામગીરી વિદેશખાતાને હસ્તક છે. આંતરરાષ્ટ્રિય રાજકારણમાં એલચીની કામગીરી ઘણી જ મહત્વની હોય છે. સ્થાયી સ્વરૂપે રાજદૂતો મોકલવાની પ્રણાલી ચૌદમી સદીમાં ઇટાલીથી શરૂ થઈ હતી. તે અગાઉ કોઈ ખાસ કાર્ય માટે દૂત મોકલાતો અને તે કાર્ય પૂરું થઈ જતાં દૂતને પાછો બોલાવી લેવાતો. આજે તો લગભગ બધાં રાજ્યોમાં સ્થાયી રાજદૂતની પ્રથા સ્વીકારાઈ છે. આજે તો કોઈ રાજ્ય દુનિયાનાં અન્ય રાજ્યોથી સંબંધ તોડીને રહી શકતું નથી. તેને વિશ્વસમાજમાં સહકારથી રહેવું પડે છે અને પોતાનાં હિતોની દેખભાળ રાખવી પડે છે. પ્રત્યેક માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાજ્ય બીજાં રાજ્યોમાં પોતાનાં હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ ને કોઈ પ્રકારના દૂતને મોકલે છે અને અન્ય રાજ્યોના દૂતને આવકારે છે. પોતાના રાજ્યનાં હિતો જાળવવાની તેમજ તેને વિકસાવવાની તેની મુખ્ય જવાબદારી હોય છે. તે પોતાના રાજ્યનાં આંખ અને કાન છે. વિદેશોમાં મોકલાતા આ પ્રતિનિધિઓ પરસ્પર આદાન-પ્રદાનની કક્ષા પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખાય છે, જેમકે એલચી, રાજદૂત, કૉન્સલ, એટેચી, હાઇકમિશનર, એન્વૉઇ વગેરે. આ રાજદૂતો જે રાજ્યમાં નિમાયા હોય ત્યાં પોતાની જવાબદારી સારી રીતે બજાવી શકે તે માટે તેમને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવે છે. તેમના રક્ષણ માટે ખાસ સુવિધા રાખવામાં આવે છે. રાજ્યના કાનૂની ક્ષેત્રાધિકારથી તેમને મુક્ત રાખવામાં આવે છે. તેમની ધરપકડ થઈ શકતી નથી. તેમની સામે કોઈ ફોજદારી કે દીવાની કાર્યવાહી થઈ શકતી નથી. પ્રત્યેક રાજદૂત જે તે રાજ્યના કાનૂનોનું સ્વેચ્છાપૂર્વક પાલન કરે તેવી અપેક્ષા રખાય છે. જો તે તેમ ન કરે તો તેમને મોકલનાર રાજ્યને તે રાજદૂતને પાછા બોલાવી લેવાનું કહેવામાં આવે છે. મોટેભાગે રાજ્ય વિરુદ્ધના ષડયંત્રમાં સામેલ થનાર રાજદૂતને તેના રાજ્યમાં પાછો મોકલી દેવામાં આવે છે. રાષ્ટ્રકુટુંબ(commonwealth)ના સભ્યદેશો અરસ-પરસ જે દૂતો મોકલે છે તેને ઉચ્ચાયુક્ત (હાઇકમિશનર) તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વાણિજ્ય દૂતોના ઉપરાંત રાજદૂત, હાઇકમિશનર વગેરે પ્રકારના દૂતોની શ્રેણી છે. તેમની નિમણૂક રાજ્યના વડા દ્વારા થાય છે. રાજદૂતના હાથ નીચે એક રાજનૈતિક મિશન હોય છે; એમાં લશ્કરી, વાણિજ્ય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, માહિતીવિષયક જેવા જુદા જુદા વિભાગો વગેરે રાખવામાં આવે છે. રાજદૂતની નિમણૂક વખતે તેમને ઓળખપત્ર (letter of credence) આપવામાં આવે છે. તેમાં એ સૂચના હોય છે કે અમુક વ્યક્તિને અમુક રાજ્યમાં રાજદૂત તરીકે મોકલાવામાં આવે છે. આ ઓળખપત્ર એક સીલબંધ કવરમાં હોય છે. રાજદૂત જે તે રાજ્યમાં પહોંચીને એ વિધિપૂર્વકના સમારોહમાં તે રાજ્યના વડા સમક્ષ પોતાનાં ઓળખપત્ર રજૂ કરે છે. કેટલીક વખત એક જ રાજદૂતને એક કરતાં વધુ રાજ્યોમાં દૂત તરીકેની કામગીરી સોંપવામાં આવે છે.
પ્રાચીન ભારતીય રાજકીય ચિંતનમાં રાજદૂતની કામગીરીનું સૂક્ષ્મ વિવરણ છે. ઋગ્વેદમાં અગ્નિને દૂત તરીકે ઓળખાવી તેના આઠ ગુણો વર્ણવવામાં આવ્યા છે. તે અનુસાર દૂત સ્તબ્ધ ન હોય, કાયર ન હોય, મંદ ન હોય તેમજ દયાળુ અને સુશીલ હોય, પક્ષપલટો ન કરે તેવો હોય તથા રોગરહિત અને મધુરભાષી હોય. મહાભારતના શાંતિપર્વમાં દૂતના શરીરને પવિત્ર ગણાવી તેને સન્માનનીય અધિકારી તરીકે ઓળખાવવામાં આવ્યો છે.
કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ‘રાજદૂત’ વિશે એક પૂરો અધ્યાય છે, જેમાં તેમણે દૂત અને ગુપ્તચર વચ્ચે તફાવત બતાવ્યો છે. દૂત દિવસે અને ખુલ્લામાં (openly) પ્રવૃત્તિ કરે છે, જ્યારે ગુપ્તચર રાત્રે અને ગુપ્ત પ્રવૃત્તિ કરે છે તેવો સ્પષ્ટ તફાવત દર્શાવવા સાથે બંનેનાં વિવિધ પાસાંની ચર્ચા કરી છે. કૌટિલ્ય રાજદૂતના ત્રણ પ્રકાર દર્શાવે છે : 1. નિસૃષ્ટાર્થ, 2. પરિમિતાર્થ અને 3. શાસનહુર.
નિસૃષ્ટાર્થ રાજદૂત એ છે જેને ઇચ્છે તે કહેવાની પૂર્ણ સ્વતંત્રતા હોય છે. વર્તમાન એલચી(ambassader)ને મળતો આવતો આ પ્રકાર છે. આવો નિસૃષ્ટાર્થ રાજદૂત રાજાના અમાત્ય જેવા ગુણો ધરાવતો હોય અને અમાત્ય જેવાં કાર્યો કરવા શક્તિમાન હોય તેને તેઓ ઉચિત લેખે છે. આ સંદર્ભમાં કરેલા અન્ય વિવરણને તપાસતાં જણાય છે કે તેઓ રાજદૂત અને અમાત્યને લગભગ સમકક્ષ હોદ્દેદાર ગણે છે.
પરિમિતાર્થ રાજદૂત એ છે જેને નિશ્ચિત કાર્ય માટે મોકલવામાં આવે છે. આ પ્રકાર વર્તમાન સહાયક રાજદૂત(envoy)ને મળતો આવે છે. કૌટિલ્યના મતે પરિમિતાર્થ રાજદૂત અમાત્યના ત્રણ ચતુર્થાંશ ગુણો ધરાવતો હોય તે ઇચ્છનીય છે. આવો રાજદૂત તેને સોંપવામાં આવેલ નિશ્ચિત કાર્ય પરિપૂર્ણ થાય યા તે અંગે નિર્ણય લેવાય ત્યારે સ્વદેશ પરત આવે છે.
શાસનહુર રાજદૂત એ છે, જે મુખ્યત્વે રાજકીય પત્ર કે સંદેશો લઈ જાય છે. આવો રાજદૂત અમાત્યના ગુણોથી અડધા ગુણો ધરાવે તે અપેક્ષિત છે. વર્તમાન સંદર્ભમાં શાસનહુર રાજદૂતનું કાર્ય સંદેશવાહક તરીકેનું ગણી શકાય.
આ પ્રકારભેદ સાથે કૌટિલ્યે રાજદૂતની કામગીરીનું વિગતવાર વર્ણન કર્યું છે : સૌપ્રથમ રાજદૂતે અન્ય રાજાની અનુમતિ લઈને જ તે રાજ્યની હદમાં પ્રવેશ કરવો જોઈએ. તેણે અન્ય રાજ્યના દૂત, વનપાલ, સીમાપાલ, મુખી અને રાષ્ટ્રપ્રમુખ સાથે મિત્રતા સ્થાપવા પ્રયાસ કરવા, શત્રુના કિલ્લા અને નગરવિસ્તારોની પૂરેપૂરી માહિતી રાખવી. રાજદૂત જે દેશમાં પહોંચે તે દેશના રાજાની રક્ષણવ્યવસ્થા, લોકોના કામ-ધંધા તથા રાજા અને રાજ્યની ઊણપોનો જાણકાર હોય કે જાણકારી મેળવે તે ઇચ્છનીય છે.
બીજું, રાજદૂત પોતાના શાસકના વિચારો યોગ્ય ઢબે પ્રસ્તુત કરે, જીવના જોખમે પણ શાસકના હિતકારી સંદેશા પહોંચાડે તે આવશ્યક છે. રાજદૂતનું પ્રસન્નકર સ્વાગત સારી એંધાણી સૂચવે છે તો એથી વિરુદ્ધની ચેષ્ટા દેખાય ત્યારે સાવધ બનવાનું પણ કૌટિલ્ય સૂચવે છે.
ત્રીજું, વિદેશી રાજા વિદાય ન કરે ત્યાં સુધી ત્યાં રોકાવું, રાત્રે એકલા જ શયન કરવું; જેથી ઊંઘમાં બડબડાટ થાય તોપણ એથી રાજ્યનું કોઈ અહિત ન થાય. રાજદૂતે વિદેશમાં પોતાને બળવાન ન સમજવા. મહિલાઓ સાથેના સંપર્કો અને મદ્યપાનથી દૂર રહેવું તથા રાજવિરોધી પ્રજાજનોને ફોડવા તેમજ રાજભક્ત પ્રજાજનો પર ધ્યાન રાખવા ગુપ્તચરો નીમવા અને તે રાજ્યની પરિસ્થિતિનો વાસ્તવિક ક્યાસ કાઢવો. ત્યાંના વસવાટ દરમિયાન વિવિધ માહિતી પ્રાપ્ત કરવી તેમજ પોતાના રાજા કે અમાત્ય વિશે માહિતી પૂરી પાડવાથી દૂર રહેવું.
આ ઉપરાંત અન્ય કાર્યોમાં કૌટિલ્યે બીજી કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે; જેમાં પોતાના માલિકનો સંદેશો અન્ય રાજાને પહોંચાડવો તેમજ તેના પ્રત્યુત્તરની પોતાના રાજાને જાણ કરવી, પૂર્વે રચાયેલી સંધિઓનું પાલન કરવું, અવસર મળ્યે પોતાના રાજાનો પ્રતાપ પ્રદર્શિત કરવો, અધિકાધિક મિત્રો બનાવવા, શત્રુના મિત્રોમાં ભેદભાવ રચવો, શત્રુની કમજોરીનો પાકો અંદાજ લેવો તેમજ સંધિ મુજબ કેદીઓને છોડાવવા ઇત્યાદિ બાબતોનો સમાવેશ થયો છે.
કૂટનીતિનાં આ કાર્યો દ્વારા રાજા અન્ય દેશના રાજા સાથે આવશ્યક સંબંધોનું ઘડતર કરવા સમર્થ બને છે. આવા રાજદૂત કૌટિલ્યના મતે અને પ્રાચીન ભારતીય રાજકીય પરંપરા મુજબ હરહંમેશ અવધ્ય હોય છે. આ બાબત પર અત્યંત ભાર મૂકતાં કૌટિલ્ય જણાવે છે કે રાજદૂત ચાંડાલ હોય તોપણ તે અવધ્ય છે.
અંતે તેઓ જણાવે છે કે રાજદૂતનો મુખ્ય ધર્મ અન્ય દેશ અંગેની સાચેસાચી માહિતી ધરાવવી અને તમામ બાબતોથી પોતાના રાજાને માહિતગાર રાખવો એ છે.
રાજેશ ધીરજભાઈ બ્રહ્મભટ્ટ
રક્ષા મ. વ્યાસ