એરેબિયન નાઇટ્સ (ઈ. દસમી સદી) : અરબી વાર્તાઓનો જગપ્રસિદ્ધ સંગ્રહ. મૂળ નામ ‘અલ્ફ લયલા વ લૈલા’ (એક હજાર ને એક રાત્રી). આ વાર્તાસંગ્રહનો પ્રથમ મુસદ્દો ‘અલ-ઇરાક’ નામના ગ્રંથમાં છે. ‘અલ-ઇરાક’નો કર્તા અબૂ અબ્દુલ્લા મુહંમદ બિન અદ્રુસ અલ્ જહશરી હતો. તેની ભૂમિકા ફારસી વાર્તાસંગ્રહ ‘હઝાર અફસાના’ પર બાંધેલી છે.
આ સંગ્રહમાં ગ્રીસ, અરબસ્તાન, ઈરાન અને મિસર ઉપરાંત હિન્દુસ્તાનમાંની બૌદ્ધ જાતકકથાઓ પણ સામેલ કરવામાં આવી છે. હારૂન અલ રશીદના દરબારમાંથી લીધેલી હાસ્યરસ અને પ્રેમની વાર્તાઓ પણ તેમાં છે. મિસર દેશના મમલૂક વંશના શાસન દરમિયાન આ વાર્તાઓનું ચોક્કસ સ્વરૂપ બંધાયું કહેવાય છે.
આ વાર્તાઓનું કથાવસ્તુ એવું છે કે ઈરાન દેશનો એક બાદશાહ એક સ્ત્રી સાથે લગ્ન કરતો અને બીજે જ દિવસે તેને મારી નાખતો. એનું કારણ એ હતું કે એની પટ્ટરાણીએ તેનો વિશ્વાસઘાત કર્યો હતો. અમુક સમય પછી તેણે પોતાના વજીરની એક અત્યંત ચપળ અને બુદ્ધિશાળી દીકરી સાથે લગ્ન કર્યાં. બેગમે વાર્તા કહેવા માંડી. સવાર થયું તોપણ વાર્તા પૂરી થઈ નહીં. તે સાંભળવાની બાદશાહની જિજ્ઞાસા તીવ્ર થઈ. એમ વાર્તા પછી વાર્તા સાંભળતાં એક હજાર અને એક રાત્રી વીતી ગઈ. વજીરની પુત્રીને ગર્ભ રહ્યો એટલે એનો જીવ બચી ગયો. બાદશાહને ત્યાં પુત્રજન્મ થયો અને તે પુત્ર પાટવીકુંવર બન્યો.
આ વાર્તાઓનું પ્રથમ ભાષાંતર ફ્રેન્ચમાં ગેલાંદે કરેલું છે. પછી એના સંખ્યાબંધ અનુવાદો યુરોપ અને એશિયાની વિભિન્ન ભાષાઓમાં થયેલા છે. અંગ્રેજીમાં વિલિયમ બેઇટ્સ, જૉન પેઇન અને રિચર્ડ બર્ટને તેનાં ભાષાંતર કરેલાં છે. ‘એરેબિયન નાઇટ્સ’ની વાર્તાઓમાં જે બુદ્ધ વિશેની જાતકકથાઓ છે તે, રાણી ઇસ્થરે હારૂન અલ રશીદને કેરો શહેરમાં ચૌદમી સદીમાં સંભળાવી હતી’ એમ એક આધુનિક વિવેચકે આ વાર્તાઓ વિશે કહેલું છે. ગુજરાતીમાં તેના એકથી અધિક અનુવાદો થયેલા છે. તેમાં પ્રથમ અને મુખ્ય અનુવાદ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ બે ભાગમાં ઓગણીસમી સદીમાં અંગ્રેજી ઉપરથી કરેલો છે.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી