એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ

January, 2004

એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ (જ. 19 એપ્રિલ 1795, ડેલિસ્કસેક્સ; અ. 27 જૂન 1876, બર્લિન) : સુપ્રસિદ્ધ જર્મન જીવવિજ્ઞાની. તેમણે સૂક્ષ્મજીવો અને અન્ય અશ્મીભૂતોના અવશેષોની જાણકારી મેળવી હતી. રાતા સમુદ્રનો પ્રવાસ કરી તેમણે 34,000 પ્રાણીઓના અને 46,000 વનસ્પતિઓના અવશેષોનો સંગ્રહ કર્યો હતો. ઍલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટ નામના વિજ્ઞાની સાથે તેમણે મધ્ય એશિયાથી સાઇબીરિયા સુધીનો સાહસપૂર્ણ પ્રવાસ કર્યો હતો. પ્રવાસ માટેની મંજૂરી આપીને રશિયાના ઝાર નિકોલસ પહેલાએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ફૂગનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને પ્રથમ વાર સૂચવ્યું કે મોલ્ડ્ઝ અને બિલાડીના ટોપ (mushrooms) જેવી ફૂગ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી છે. તેમણે પરવાળાના જીવનચક્રનાં વિવિધ પાસાં પ્રથમ વાર તારવી બતાવ્યાં અને ખડકોમાં રહેલા એકકોષી સજીવના અવશેષોની સમજૂતી આપી. એકકોષીથી આરંભીને વિશાળકાય વનસ્પતિ કે પ્રાણી સુધીનાં સર્વ સજીવો સંપૂર્ણ છે, પરંતુ ઉત્ક્રાંતિ-પથ સરળતામાંથી જટિલતા તરફ પ્રયાણ કરી રહ્યો છે તેવો તેમણે સિદ્ધાંત તારવ્યો છે.

તેમનાં પ્રકાશનોમાં ‘Rascn in Aegyptn, Libyen, Nubien and Dangola’ અને ‘Die Infusions thierchen als valkommene organismen’ અનુક્રમે પ્રવાસગાથા અને જીવાણુઓનો અભ્યાસ રજૂ કરે છે. સૌથી પ્રથમ ‘bacterium’ શબ્દ તેમણે જીવાણુઓ માટે પ્રયોજ્યો હતો.

સરોજા કોલાપ્પન