એરાક્કલ, યૂસુફ (જ. 1945, ચાવાક્કડ, કેરળ; અ. 4 ઑક્ટોબર 2016, બેંગાલુરુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં બેંગાલુરુ જઇને ફૂટકળ મજૂરી કરી ઘરનો નિભાવ કર્યો. એ સાથે અભ્યાસ પૂરો કરી કર્ણાટક ચિત્રકલા પરિષદમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ચિત્રો સાથે છાપચિત્રો અને શિલ્પોનું પણ સર્જન કર્યું. ઇટાલીનો પ્રતિષ્ઠિત ફ્લોરેન્સ ઇન્ટરનેશનલ બાયેનિયલનો લૉરેન્ઝો દી મેડિચી ગોલ્ડ ઍવૉર્ડ તેમને મળ્યો. તેમના ચિત્રોમાં અદના આદમીની વેદના, પીડા અને વ્યથાને વાચા મળી છે. નફ્ફટ, નઘરોળ અને ક્રૂર શોષકો તથા કંગાળ, નિર્બળ અને અસહાય પીડિતોનું એવું સચોટ આલેખન થયું છે કે દર્શકને ગ્લાની અને સહાનુભૂતિ ઉપજે.
કર્ણાટક ચિત્રકલા પરિષદમાં અભ્યાસ કરીને 1973માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1975થી શરૂ કરીને પોતાનાં શિલ્પ, ચિત્રો અને છાપચિત્રોનાં બૅંગાલુરૂ, દિલ્હી અને ચેન્નઈમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. વળી તેમણે રશિયા, ક્યૂબા, મેક્સિકો, ફ્રાંસ, જાપાન, બાંગ્લાદેશ અને બ્રાઝિલમાં સમૂહપ્રદર્શનોમાં પણ ભાગ લીધો. 1983માં તેમને રાષ્ટ્રીય લલિતકલા અકાદમીનો નૅશનલ ઍવૉર્ડ તથા કર્ણાટક લલિતકલા અકાદમીનો ઍવૉર્ડ મળેલ છે. તેઓ બૅંગાલુરૂમાં રહી કલાસર્જન કરતા હતા.
અમિતાભ મડિયા