એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ (1956)

January, 2004

એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેઝ (1956) : જાણીતા ફ્રેન્ચ લેખક જુલે વર્નની પ્રખ્યાત કાલ્પનિક કથા પર રચાયેલી એટલી જ પ્રખ્યાત અંગ્રેજી ફિલ્મ. હોલીવુડમાં સર્જાયેલી આ લોકપ્રિય ફિલ્મના નિર્માતા છે માઇક ટોડ અને દિગ્દર્શક છે માઇકલ ઍન્ડરસન. એમાં અભિનય પણ સમર્થ કલાકારોએ આપ્યો છે. બ્રિટિશ અભિનેતા ડૅવિડ નિવેનની સાથે કેન્ટિન ક્લાસ, રૉબર્ટ ન્યૂટન તથા શર્લી મૅક્લાઇન ઉપરાંત મહેમાન કલાકારો તરીકે નોએલ કાવર્ડ, માર્લીન ડીટ્રિચ, ફ્રેન્ડેલ, જ્હૉન ગિલ્ગુડ, બસ્ટર કીટન. જ્યૉર્જ રાફટ, ફ્રેન્ક સિનાત્રા અને આવા ગાર્ડનર જેવાં નીવડેલા અદાકારો હતાં. એક શ્રીમંત બ્રિટિશ યુવાન પોતાના ધનિક મિત્ર સાથેની શરત જીતવા માત્ર 80 દિવસમાં આખી દુનિયાની મુસાફરી પૂરી કરે છે અને અશક્ય લાગતી શરત જીતી જાય છે એ કથાતંતુનું આ ચલચિત્રમાં રોમાંચક નિરૂપણ કરાયું છે. આ ઘટનાઓના ફિલ્મીકરણ માટે અન્ય સ્થળોની સાથોસાથ ભારતનાં પણ કેટલાંક સ્થળો ચિત્રપટમાં રજૂ થયેલાં છે. ભારતની કોઈ ક્ષત્રિય રાજકુમારી ઔદા(શર્લી મૅક્લાઇન)ને તત્કાલીન સતી પ્રથા અનુસાર સતી થવા માટે ચિતા પર ચઢાવાતી હોય છે ત્યારે નાયક ફિલિયાસ ફોગ (ડૅવિડ નિવેન) તથા તેનો નોકર કેન્ટીન ફલાસ (પસેપર્તાઉ) એ રાજકન્યાને જીવતી બળી મરવામાંથી ઉગારી લઈને, યુરોપમાં પહોંચાડી તેને નવું જીવન બક્ષે છે. ભારતીય સમાજજીવનને સ્પર્શતો આ કથાપ્રસંગ ભારતીય પ્રેક્ષક માટે વિશેષ મહત્વ અને આકર્ષણ ધરાવે છે. સમગ્ર રીતે જોતાં ચિત્રનિર્માતા માઇક ટોડની લાક્ષણિક ચપળતા તથા સ્ફૂર્તિ અને દિગ્દર્શક માઇકલ ઍન્ડરસનની રસપ્રદ માવજતને પરિણામે આ ચલચિત્ર પ્રેક્ષણીય બન્યું છે.

ઉષાકાન્ત મહેતા