એરાઉન્ડ ધ વર્લ્ડ (1967) : 70 મિમી.માં નિર્માણ પામેલી સર્વપ્રથમ હિંદી ફિલ્મ. ભારત સરકારની વિદેશી હૂંડિયામણ અંગેની અવાસ્તવિક નીતિનો ખ્યાલ આપવા તૈયાર કરાયેલી આ ફિલ્મના નિર્માણની વિગત આ પ્રમાણે છે : નિર્માતા – પી. સી. પિક્ચર્સ; દિગ્દર્શક – એમ. એલ. પાછી; સંગીતનિર્દેશન – શંકર જયકિશન; અભિનયવૃંદ – રાજકપૂર, રાજશ્રી, પ્રાણ, રાજ મેહરા, મહેમુદ, ઓમપ્રકાશ, અચલા સચદેવ, પાછી અને વિદ્યા મેહરા. નાયકના વિશ્ર્વપ્રવાસ નિમિત્તે હોંગકોંગ, ટોકિયો, સિંગાપુર, સ્વિટ્ઝર્લૅન્ડ તથા હવાઈ ટાપુઓ જેવા રમણીય દેશોમાં ફિલ્મના પ્રસંગો કેમેરામાં ઝડપવામાં આવ્યા છે; પરંતુ વિદેશમાં ચિત્ર ઉતારવા જવાથી તથા 70 મિમી.માં ચિત્રનિર્માણ કરવા માટે ખર્ચાળ ફિલ્મ સાધનસામગ્રીની જરૂર પડવાથી એમાં ખાસ્સું ખર્ચ થયું અને તેનું નિર્માણ ખૂબ મોંઘું બન્યું. ભારતની રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાએ વિદેશપ્રવાસ માટે કેવળ 8 ડૉલરના વિદેશી હૂંડિયામણની છૂટ આપી હતી તે પરત્વે કટાક્ષલક્ષી ટીકા કરવા તથા તેની અવાસ્તવિકતા દર્શાવવાના મૂળ કથાબીજના આધારે હિંદી ચિત્રોની લાક્ષણિક ‘ફૉર્મ્યુલાશૈલી’થી તૈયાર કરાયેલું આ ચલચિત્ર કરુણ તથા રમૂજી પ્રસંગોથી ઘટનાપ્રચુર બન્યું છે. ‘એરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઇટ ડૉલર’ના શીર્ષકગીત ઉપરાંત ‘દુનિયા કા મેલા, મૈં હૂં અકેલા’ જેવા મુકેશના કંઠે ગવાયેલાં ગીતો લોકપ્રિય નીવડ્યાં હતાં.
ઉષાકાન્ત મહેતા