એરડા, મીરા (જ. 24 ઑક્ટોબર, 2000, વડોદરા) : ભારતની પ્રથમ મહિલા કાર રેસર.
મીરાએ વડોદરાની ઊર્મિ સ્કૂલ અને રોઝરી હાઈસ્ક્લૂમાં અભ્યાસ કર્યો હતો. નવરચના યુનિવર્સિટીના જર્નાલિઝમ ઍન્ડ માસ કૉમ્યુનિકેશનમાં અભ્યાસ કર્યો છે.
તેમણે માત્ર નવ વર્ષની ઉંમરે રેસિંગ શરૂ કર્યું હતું. તેના પિતા કિરીટભાઈ મીરાને પુણેમાં જે કે ટાયર નૅશનલ કાર્ટિંગમાં નૅશનલ રેસિંગ ચૅમ્પિયનશિપ જોવા લઈ ગયા ત્યારે જ તેણે નક્કી કર્યું કે હું પણ કારરેસર બનીશ. તેણે વ્યાવસાયિક રીતે તાલીમ કોલ્હાપુરની રેસિંગ એકૅડેમીમાં મેળવી. તેણે વડોદરામાં તેના ભાઈ સાથે ટ્રૅક પર ગો-કાર્ટિંગ કરવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે કારરેસિંગમાં પુરુષો જ ભાગ લેતા હોય છે. મીરાએ મહિલા તરીકે ભાગ લઈને એ માન્યતા તોડી.
તેણે ઈ. સ. 2010માં જે કે ટાયર નૅશનલ રોટેક્સ મેક્સ કાર્ટિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ તેની કારકિર્દીનો આરંભ કર્યો. આ તેની પ્રથમ રેસ હતી, જેમાં તેણે સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેને 2010ના શ્રેષ્ઠ નવોદિત ડ્રાઇવર તરીકે સન્માનવામાં આવી. પછી તેણે મલેશિયામાં પ્લસ યામાહ એસ એલ ઇન્ટરનેશલન ચૅલેન્જમાં ભાગ લીધો, જે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય રેસ હતી. તેણે સેપાંગ ઇન્ટરનેશનલ કાર્ટિંગ સર્કિટ, મલેશિયા ખાતે વિદેશમાં પ્રથમ ટ્રૉફી જીતી. ઈ. સ. 2014માં રેસિંગ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને સૌથી નાની ઉંમરની ફૉર્મ્યુલા-4 મહિલાડ્રાઇવર બની. 2016માં તેણે ફૉર્મ્યુલા-4 રૂકી ચૅમ્પિયન ઑવ્ ધ યરનો તાજ મેળવ્યો હતો. ભારતમાં મોટર-સ્પૉર્ટ્સ માટેની સંસ્થા ફેડરેશન ઑવ્ મોટર-સ્પૉર્ટ્સ ક્લબ્સ ઑવ્ ઇન્ડિયા–FMSCI દ્વારા આઉટસ્ટૅન્ડિંગ વુમન ઇન મોટર્સ પોર્ટ્સ ઍવૉર્ડથી સન્માનવામાં આવી હતી. 2017માં તે યુરો જેક સિરીઝમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની. તેણે 2019માં ફૉર્મ્યુલા -4 SEA ચૅમ્પિયનશિપમાં મહિલા કૅટેગરીમાં ચાર પોડિયમ પ્રાપ્ત કર્યા. મલેશિયામાં યોજાયેલી દક્ષિણ-પૂર્વ એશિયા ચૅમ્પિયનશિપમાં ફૉર્મ્યુલા-4 જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની. તેણે અત્યાર સુધીમાં 75થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારરેસમાં ભાગ લીધો છે.
અનિલ રાવલ