એમેરિગો, વેસપુસ્સી

January, 2004

એમેરિગો, વેસપુસ્સી (જ. 18 માર્ચ 1454, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 ફેબ્રુઆરી 1512, સેવિલ સ્પેન) : અમેરિકા શોધનાર ઇટાલિયન સાહસવીર. આ સાહસવીર 1478-80 દરમિયાન પૅરિસમાંના ફલોરેન્સના એલચીપદે રહેલા તેના કાકાના સેક્રેટરી તરીકે કામ કર્યા પછી સ્પેનના સેવિલ શહેરમાં મેદિચી નામની પ્રખ્યાત વેપારી પેઢીનો પ્રતિનિધિ રહ્યો હતો.

કોલંબસે જે પ્રદેશ શોધ્યો હતો તે હિંદ નહિ પરંતુ બીજો જ પ્રદેશ હતો તેવી માહિતી સૌપ્રથમ તેણે જ જગતને આપી. ‘નવા ખંડ’ની સફરો ખેડી ‘નવી દુનિયા’ની માહિતી યુરોપને પૂરી પાડી. 1497થી 1504 દરમિયાન તેણે ચાર પ્રવાસો કર્યા હતા – પ્રથમ સ્પેન વતી પછી પૉર્ટુગલ વતી. આ પ્રવાસો દરમિયાન આટલાંટિક મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલા વિશાળ પ્રદેશના છ હજાર માઈલના દરિયાકિનારાની તથા ઍમેઝોન નદીના મુખની શોધ કરી હતી.

1507માં માર્ટિન વાલ્ડેસિમુલર નામના ભૂગોળશાસ્ત્રીએ ‘અમેરિકાના ચાર પ્રવાસ’ ગ્રંથમાં સૂચવેલું કે ‘નવી દુનિયા’નું નામ તેના સંશોધક અમેરિગોના નામ ઉપરથી ‘અમેરિકા’ પાડવું. આમ તેના નામ ઉપરથી તે પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો.

મૃત્યુપર્યંત તે સ્પેનનો નાગરિક અને મુખ્ય વહાણવટી રહ્યો હતો.

શશિકાન્ત વિશ્વનાથ જાની