એમિનેશન : એમાઇન્સ બનાવવાની એકમ પ્રવિધિ. એમાઇન્સને એમોનિયા(NH3)નાં વ્યુત્પન્નો ગણી શકાય; જેમાં NH3ના એક, બે અથવા ત્રણ હાઇડ્રોજન પરમાણુઓનું આલ્કાઇલ, એરાઇલ, સાઇક્લોઆલ્કાઇલ કે વિષમ ચક્રીય સમૂહ વડે વિસ્થાપન થયેલું હોય. આ સંયોજનો રંગકો, વર્ણકો, ઔષધો, પ્રક્ષાલકો, પ્લાસ્ટિક અને રૉકેટ-ઇંધનો તરીકે તેમજ ઘણાં અગત્યનાં રસાયણોના મધ્યસ્થી તરીકે ઉપયોગી છે.
C−N બંધયુક્ત કાર્બનિક સંયોજનો[જેવાં કે નાઇટ્રો −NO2, નાઇટ્રોસો −NO, એઝૉક્સિ અથવા એઝો (−N = N−) સંયોજનો]ના અપચયનથી એમાઇન્સ મળે છે. આ પ્રક્રિયા અપચાયક (reductive) એમિનેશન તરીકે ઓળખાય છે. એમોનિયા કે વિસ્થાપિત એમોનિયાને પ્રક્રિયક તરીકે વાપરીને એમાઇન્સ મેળવવાની પ્રક્રિયાને એમોનોલિસિસ કહે છે. −C1, −OH, − SO3H જેવા સમૂહોના વિસ્થાપનથી, કાર્બોનિલ સમૂહ સાથેની પ્રક્રિયાથી અથવા ઇથિલીન ઑક્સાઇડ જેવા સક્રિય પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી એમાઇન્સ મળે છે.
અપચાયક એમિનેશન : નાઇટ્રોબેન્ઝિનના અપચયનથી એનિલીનનું નિર્માણ આ વર્ગનું લાક્ષણિક ઉદાહરણ ગણી શકાય. તે બેસેમ્પ પ્રક્રિયા તરીકે ઓળખાય છે.
આ પ્રક્રિયામાં HCl થોડા પ્રમાણમાં જ જરૂરી છે. અપચયન માટેનો હાઇડ્રોજન મુખ્યત્વે વરાળ અને Fe વચ્ચેની પ્રક્રિયાથી મળે છે. ઍસિડ તરીકે સલ્ફ્યુરિક અથવા એસેટિક પણ વપરાય છે, જ્યારે ઝિંક અને ટિન ધાતુઓ અને ટિન (II) ક્લોરાઇડ અપચાયક તરીકે વપરાય છે.
હાલમાં નાઇટ્રો સમૂહનું હાઇડ્રોજન વડે ઉદ્દીપક(Ni, Cu, Pt મોલિબ્ડેનમ સલ્ફાઇડ વગેરે)ની હાજરીમાં મોટા પ્રમાણમાં અપચયન કરવામાં આવે છે. સતત પ્રક્રિયા રૂપે કરવામાં આ પદ્ધતિ વધુ અનુકૂળ છે. પ્રાથમિક એમાઇન મળે છે. ધાતુ-આલ્કલીના ઉપયોગથી અને પ્રક્રિયાની પરિસ્થિતિના નિયંત્રણથી એઝૉક્સિ, એઝો અથવા હાઇડ્રેઝો, સંયોજનો બનાવી શકાય છે.
એમોનિયમ સલ્ફાઇડના ઉપયોગથી પૉલિનાઇટ્રો સંયોજનોનું આંશિક અપચયન શક્ય છે; દા. ત.,
અપચયન-પદ્ધતિથી ઍનિલીન α-એમિનૉએન્થ્રાક્વિનોન, p-એમિનોફિનૉલ, ડાયએમિનોસ્ટિલ્બીનડાયસલ્ફોનિક ઍસિડ, ડાયએમિનો એન્થ્રાક્વિનોન, બેન્ઝિડાઇન, મેટાનિલિક ઍસિડ, α-નેપ્થિલ એમાઇન, m-ફિનાઇલીન ડાયએમાઇન વગેરે જેવાં મધ્યસ્થ સંયોજનો મોટા પ્રમાણમાં બનાવાય છે.
એમોનોલિસિસથી એમિનેશન : આ પ્રક્રિયા β-નેપ્થૉલમાંથી સલ્ફાઇટની હાજરીમાં β-નેપ્થિલ એમાઇન મેળવવા માટે લાંબો સમય વપરાશમાં હતી (બુખેરર પ્રક્રિયા). હાલમાં આ પ્રક્રિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરાય છે. પ્રવાહી સ્થિતિમાં એમોનોલિસિસથી એમિનેશન કરવા માટે 20 %થી 60 % NH3ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્રિયા NH3 સાથે અને નહિ કે NH4OH સાથે થાય છે. આ પ્રક્રિયાનાં કેટલાંક ઉદાહરણો નીચે આપ્યાં છે :
(1) હેલોજન વિસ્થાપન : ક્લૉરોબેન્ઝિનમાંથી ઍનિલીન
(3) આલ્કોહૉલમાંથી એમાઇન ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટ (AlPO4) ઉદ્દીપકની હાજરીમાં ઇથેનૉલ અને એમોનિયાની પ્રક્રિયાથી પ્રક્રિયકોના પ્રમાણ અનુસાર, ઇથાઇલ, ડાયઇથાઇલ અને ટ્રાયઇથાઇલ એમાઇન્સ મળે છે.
(5) યોગશીલ પ્રક્રિયાઓ : ઇથિલીન ઑક્સાઇડ જેવા સક્રિય પ્રક્રિયક સાથે એમોનિયા અથવા એમાઇનની પ્રક્રિયા શક્ય છે. એમોનિયા સાથે મોનો, ડાઇ અને ટ્રાઇઇથેનૉલ એમાઇન મળે છે.
ઉદ્દીપકો : હેલાઇડ સંયોજનોમાંથી એમીનો સંયોજનો બનાવવા Cu અથવા Ag ઉદ્દીપકોનો ઉપયોગ વધુ અનુકૂળ છે. આલ્કોહૉલમાંથી એમાઇન બનાવવા નિર્જલ ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટ અથવા સિલિકેટ જેવા ઉદ્દીપકો અસરકારક છે. કાર્બોનિલ સંયોજનોનું બાષ્પસ્વરૂપમાં હાઇડ્રૉએમોનોલિસિસ કરવા કૉપર અને કોબાલ્ટનાં સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે એમિનેશન પ્રક્રિયામાં એમોનિયાનું પ્રમાણ વધુ લેવામાં આવતું હોવાથી અને પ્રક્રિયાના અંતે એમોનિયાના પ્રમાણમાં ખાસ ફેરફાર થતો ન હોવાથી આ પ્રક્રિયાઓ છદ્મ પ્રથમકોટી (pseudo first order) પ્રક્રિયાઓ ગણાય છે. મોટાભાગની એમિનેશન પ્રક્રિયાઓની મુક્ત ઊર્જાનો ફેરફાર સાધારણ તાપમાને શક્ય છે. એમોનોલિસિસથી એમિનેશન સામાન્ય રીતે ઊંચા તાપમાને અને દબાણે કરવામાં આવે છે.
ઘાણ (batch) અને સતત (continuous) પ્રક્રિયાઓ જેમાં 49 – 70 કિગ્રા./ચોસેમી. દબાણ જરૂરી છે. ત્યાં ઑટોક્લેવ કે નલિકા રિઍક્ટર(tube reactor)નો ઉપયોગ કરવામાં આવે છે. ઊંચું તાપમાન મેળવવા માટે ઉચ્ચ દબાણવાળી વરાળ (high pressure steam) અથવા ગરમ તેલનો ઉપયોગ કરાય છે. β-ઍમિનો એન્થ્રાક્વિનોન, ઍનિલીન, β-નેપ્થિલએમાઇન, ટોબિયાસ ઍસિડ, ઍમિનો-G ઍસિડ, થેલિમાઇડ, ઇથાઇલ એમાઇન્સ, ઇથેનૉલ એમાઇન્સ વગેરે ઔદ્યોગિક મધ્યસ્થીઓ આ પદ્ધતિથી મેળવાય છે.
પ્રવીણસાગર સત્યપંથી