એમાલ્ગમ (સંરસ) : એક અથવા વધુ ધાતુઓ સાથેની પારાની મિશ્ર ધાતુ. પ્રવાહી એમોનિયા સાથે પણ પારો સંરસ આપે છે. પ્લિનીએ પ્રથમ સૈકામાં તેનો ઉલ્લેખ કરેલો છે.

સિલ્વર, ગોલ્ડ અને પેલેડિયમના સંરસ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવે છે. સિલ્વરની સંરસ મોસ્કેલૅન્ડસબર્ગાઇટ જર્મની (મોસ્કેલેન્ડબર્ગ), સ્વીડન (સાલા) અને ફ્રાન્સ(ઇસેર)માં; ગોલ્ડની સંરસ કૅલિફૉર્નિયા, કોલંબિયા અને બોર્નિયોમાં; તથા પેલેડિયમ સંરસ પોટેરાઇટ પોટેરો નદીમાં (ગિયાના) હીરાના ધોવાણમાં મળી આવે છે. આયર્ન અને કેટલાંક સંક્રાંતિ તત્વો સંરસ બનાવતાં નથી, જ્યારે કેટલાંક તત્વો મુશ્કેલીથી સંરસ બનાવે છે; પરંતુ સોડિયમ કે પોટૅશિયમ બહુ જ સરળતાથી સંરસ બનાવે છે. સામાન્ય રીતે સંરસ સ્ફટિકમય હોય છે; પણ પારાનું પ્રમાણ વધારતાં પ્રવાહી સંરસ પણ મળે છે. સંરસ સમાંગ (homogeneous) દ્રાવણ છે કે અતિ સૂક્ષ્મ ધાતુકણોનું અવલંબન છે તે જાણવું મુશ્કેલ હોઈ તેમાં રહેલ ધાતુનું પ્રમાણ માપવામાં મુશ્કેલી રહે છે. આ માટે સંરસ રૂપમિશ્રણ અને શુદ્ધ પારા વચ્ચેનો વિદ્યુતવિભવ માપવામાં આવે છે.

નીચેના કોઠામાં 20o સે. તાપમાને કેટલીક ધાતુઓનું તેમના સંરસમાં રહેલ પ્રમાણ દર્શાવ્યું છે :

Li 0.09 Mg 0.24 A1 0.003 Pb 1.3
K 0.80 Ca 0.3 La 0.009 Bi 1.4
Cu 0.0032 Ba 0.33 In 0.0073 Pt 0.02
Ag 0.04 Zn 2.15 Ti 42.8 Th 0.0154
Au 0.13 Cd 4.92 Sn 0.62 Fe 1.0 ´ 10-7

કેટલાંક ધાતુતત્વો ચોક્કસ પ્રમાણમાં સંરસ બનાવે છે. તેથી આવા સંરસને આંતરધાતુ (intermetallic) સંયોજન ગણવામાં આવે છે; દા. ત., Hg2Na

વિવિધ સાંદ્રતા ધરાવતા સંરસ વડે સાંદ્રતા કોષ (concentration cell) રચી શકાય છે :

Zn (Hg) 0.1 % / (ZnSO4(aq)) / Zn (Hg) 0.2 %

સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા ઘણી ઉગ્ર હોય છે. પણ સોડિયમ સંરસમાંનું સોડિયમ પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન મુક્ત થાય છે. ધાતુઓ તેમના ગલનબિંદુથી વધુ તાપમાને જ પ્રવાહી સ્વરૂપમાં મેળવી શકાય છે, જ્યારે સંરસ રૂપમાં તેમને પ્રવાહી સ્વરૂપે નીચા તાપમાને પણ મેળવી શકાય છે. ઘન કે પ્રવાહી ધાતુમાંના પરમાણુઓની ગોઠવણી સંરસમાં રહેલા ધાતુમાંના પરમાણુઓની ગોઠવણી કરતાં ભિન્ન હોવી જોઈએ. પારાનાં કેટલાંક ધાત્વિક સંયોજનો બહુપરમાણ્વીય અણુઓ ધરાવતાં હોવાની શક્યતા છે. કારણ કે તેમનાં ગલનબિંદુઓ તેમના ઘટકોની સરખામણીમાં ઘણાં ઊંચાં હોય છે. દા.ત.,

Hg Na Hg2Na K Hg2K
ગ.બિં. -39o 98o 346o 64o 270o

દાંતની બખોલ (cavity) પૂરવા (સિલ્વર 65 % ઓછામાં ઓછું; કૉપર વધુમાં વધુ 6 %, જસત વધુમાં વધુ 2 % અને ટિન 25 % ઓછામાં ઓછું), ગોલ્ડ અને સિલ્વરના નિષ્કર્ષણમાં, કૉસ્ટિક સોડા બનાવવા માટેના એક પ્રકારના વિદ્યુતકોષમાં, ટેટ્રાઇથાઇલ લેડના સંશ્લેષણમાં સંરસનો ઉપયોગ થાય છે. સોડિયમ એમાલ્ગમ કાર્બનિક સંશ્લેષણમાં અપચયક (reducing agent) તરીકે તે ઉપયોગી છે. મર્ક્યુરી-થેલિયમ એમાલ્ગમ -60o સે. સુધીનું નીચું તાપમાન માપતા થરમૉમિટરમાં વપરાય છે. સોનાની વીંટી કે દાગીનાને પારાનો સ્પર્શ થતાં સંરસ બને છે અને વીંટી કે દાગીનો તૂટી જાય છે. તેમાંથી પારાને ગરમ કરીને દૂર કરી શકાય છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ