એમાકુલમ્ (એર્નાકુલમ્)

January, 2024

એમાકુલમ્ (એર્નાકુલમ્) : ભારતની નૈર્ઋત્ય દિશામાં આવેલા દરિયાકાંઠાના કેરળ રાજ્યનો એક જિલ્લો અને શહેર.

ભૌગોલિક માહિતી : આ જિલ્લો 9o 47′ ઉ.અ.થી 10o 17′ ઉ. અ. અને 76o 9′ પૂ. રે.થી 76o 47′ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ત્રિચુર, પૂર્વે ઇડૂકી, દક્ષિણે કોટ્ટાયમ્ તેમજ અલાપૂઝાહ જિલ્લો અને પશ્ચિમે લક્ષદ્વીપનો સમુદ્ર આવેલા છે. આ જિલ્લાનો વિસ્તાર 2,407 ચોકિમી. છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : ભૌગોલિક ર્દષ્ટિએ આ જિલ્લાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે : (1) નીચાં સમતલ મેદાનો (સમુદ્રની સપાટીથી 25 મીટર જેટલાં નીચાં); (2) મધ્યભૂમિ (25થી 250 મીટર ઊંચાઈ ધરાવતી) અને (3) ઉચ્ચભૂમિ (250 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી). કન્યાનૂર, પરુર અને કોચીન તાલુકાના નીચા ભૂમિ-ભાગોમાં અનેક જળધોધ આવેલા છે. મધ્યના ભૂમિભાગમાં અલ્વાયે (Alwaye), કુન્નાથુન્ડ, કોથમંગલમ્ મુવાટુપુઝાહા અને કન્યાનૂર તાલુકાઓનો સમાવેશ થાય છે; જ્યારે ઉચ્ચભૂમિ એટલે કે ટેકરીઓના પ્રદેશમાં અલ્વાયે, કુન્નાથુન્ડ અને કોથમંગલમ્ તાલુકાનો સમાવેશ થાય છે. આ તાલુકો પશ્ચિમઘાટ સાથે સીમા રચે છે. અલ્વાયે તાલુકામાં નીચી ટેકરીઓ આવેલી છે, જેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 200 મીટર જેટલી છે. પરુર અને કન્યાનૂર તાલુકાઓમાં પણ થોડી ટેકરીઓ આવેલી છે. અમ્બાલુર, કઇપટ્ટુર, કેચેરી, કન્યાપુર વગેરે તાલુકાઓ તળેટી વિસ્તારમાં આવેલા છે. આ પ્રદેશની ઊંચાઈ 30થી 100 મીટર જેટલી છે. આ જિલ્લાના કુલ વિસ્તારના 3.53 % ભૂમિ પર જંગલો આવેલાં છે. અન્ય જિલ્લાઓ કરતાં જંગલોનું પ્રમાણ ઓછું છે.

આ જિલ્લાની મુખ્ય નદીઓ તરીકે પેરિયાર અને મુવાટ્ટુપુઝાહ છે. આ જિલ્લાની ઉત્તરે વહેતી ચલાકુડી નદી છે, જે ત્રિચુર જિલ્લા સાથે 3 કિમી. જેટલી સીમા બનાવીને પેરિયારમાં ભળી જાય છે. આ જિલ્લાની પશ્ચિમે લક્ષદ્વીપ સમુદ્ર આવેલો છે. જિલ્લાના કિનારાની લંબાઈ 46 કિમી. છે.

નીચા ભૂમિભાગોના પ્રદેશોમાં નહેરો અને બૅકવૉટર્સનું જટિલ જાળું પથરાયેલું છે. બૅકવૉટર્સથી વેમબાન્ડ અને કોડુન્ગાલ્લુર કયાલ (સરોવરો) રચાયેલાં છે. વેમબાન્ડ કયાલની લંબાઈ 82 કિમી., જ્યારે પહોળાઈ 14 કિમી. જેટલી છે અને તેનો વિસ્તાર 205 ચોકિમી. જેટલો છે. તે રાજ્યનું સૌથી મોટું સરોવર ગણાય છે. આ સરોવરમાં મુવાટ્ટુપુઝાહ, મીનાચીલ, પમ્બા, મનીમાલા અને અચાનકોળીલ નદીઓનાં જળ ઠલવાય છે. આંતરિક જળવ્યવહાર તરીકે આ સરોવર ખૂબ ઉપયોગી છે. પેરિયાર અને ચલાકુડી નદીઓના જળનિક્ષેપથી કોડુન્ગલ્લુર સરોવર રચાયું છે, જે જળવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે. ચેરાન્નલુર અને એડાપ્પલી ગામને સાંકળતી નહેર અને એલામકુલમ્ અને એમાકુલમ્ (એર્નાકુલમ્) ગામને સાંકળતી નહેરો અનુક્રમે 11 કિમી. અને 8 કિમી. લંબાઈ ધરાવે છે.

ખેતી અને સિંચાઈ : આ જિલ્લાના નીચા મેદાની પ્રદેશોમાં નાળિયેરીની ખેતી વર્ષમાં ત્રણ વખત લેવાય છે; જ્યારે સામાન્ય ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં ડાંગર, નાળિયેરી, ટેપિયોકા (કાંજીધારક કંદ), કેળાં, રબર, સોપારી, મરી, આદું અને હળદરની ખેતી થાય છે. ખેતભૂમિના 40 % ભાગમાં ડાંગર અને 25 % ભાગમાં નાળિયેરીની ખેતી થાય છે; જ્યારે ત્રીજા ક્રમે રબર આવે છે જેની 15 % ભૂમિમાં ખેતી થાય છે, જ્યારે 5 % ભૂમિમાં ટેપિયોકાની ખેતી થાય છે.

આ જિલ્લામાં મહત્વની ત્રણ સિંચાઈ યોજનાઓ આવેલી છે : (1) પેરિયાર ખીણ સિંચાઈયોજના, (2) મુવાટ્ટુપુઝાહ નદી ખીણ યોજના, (3) એડામલાયર યોજના. પેરિયાર ખીણ સિંચાઈયોજના દ્વારા 85,600 હેક્ટર ભૂમિને સિંચાઈનો લાભ મળે છે. મુવાટ્ટુપુઝાહ નદી ખીણ યોજના અને એડામલાયર યોજના દ્વારા સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પન્ન કરવાની યોજના છે.

પશુપાલનપ્રવૃત્તિ : અલ્વાયે ખાતે પશુવિકાસ યોજના સાકાર પામી છે. અહીં પશુઓ માટે કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્ર, દૂધવિતરણ-કેન્દ્ર અને પશુ-ચિકિત્સાલયો સ્થાપવામાં આવ્યાં છે. કુવાપ્પેડી ખાતે પ્રાદેશિક મરઘાં-બતકાં-ઉછેરકેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મુવાટ્ટુપુઝાહ ખાતે સ્થપાયેલું મરઘાં-બતકાં-ઉછેરકેન્દ્ર જિલ્લાનું સૌથી ઉત્તમ કેન્દ્ર ગણાય છે.

આ જિલ્લાને 46 કિમી. લાંબો સમુદ્રકિનારો છે. પરિણામે જિલ્લાની કુલ વસ્તીના 3 % લોકો મત્સ્યપ્રવૃત્તિ દ્વારા રોજી-રોટી મેળવે છે. કેન્દ્રીય સામુદ્રિક મત્સ્યસંશોધન સંસ્થા નજરાકલ (Njarackal) ખાતે સ્થપાયેલી છે. આ સમુદ્રકિનારે દેશી અને યાંત્રિક વહાણો દ્વારા જૂની પદ્ધતિથી મત્સ્ય પકડવામાં આવે છે. મલ્લીપુરમ્ ખાતે ચીની પદ્ધતિથી મત્સ્ય પકડાય છે. આ જિલ્લામાં મહત્વનાં મત્સ્યકેન્દ્રોમાં ચેલાનમ્, કોચીનનો કિલ્લો, કન્નામલી, મુલાવઉકાડ, મલ્લીપુરમ્, નજરાકલ, નારમવાલમ્, પલ્લીપુરમ્ અને મુનામબમનો સમાવેશ થાય છે. અહીં કેરાલા ફિશરિઝ કૉર્પોરેશન, મરીન પ્રૉડક્ટ્સ ઍસ્પૉર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી, સેન્ટ્રલ મરીન ફિશરિઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ આવેલી છે; જે મત્સ્ય-ઉદ્યોગના વિકાસ માટે સહાયરૂપ બને છે. મત્સ્યને લાંબા સમય સુધી જાળવી રાખવા શીતાગાર, બરફનાં કારખાનાં અને કૅનિંગ પ્લાન્ટ આવેલાં છે.

ઉદ્યોગો : એર્નાકુલમ્ કેરળ રાજ્યનો એક મહત્વનો ઔદ્યોગિક જિલ્લો છે, જેથી તે ‘રુહર ઑવ્ કેરાલા’ તરીકે ઓળખાય છે. આ જિલ્લામાં વિશાળ અને અનેક મધ્યમ કક્ષાના ચાલીસ એકમો આવેલા છે. આ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો એર્નાકુલમ્, કાલામસેરી, ઇલૂર અને અલ્વાયે ઔદ્યોગિક પટ્ટામાં આવેલા છે. અહીં યંત્રો, રસાયણ, કાપડ, ઍલ્યુમિનિયમ, કાચ, વીજળીના ગોળા, વીજળીનાં દોરડાં બનાવવાના તથા તેલ-શુદ્ધીકરણના એકમો આવેલા છે. વળી લોખંડ-પોલાદ, ચિનાઈ માટી અને ઇજનેરી ઉદ્યોગો પણ આવેલા છે. ગ્રામ વિસ્તારોમાં ખાદી, દીવાસળી, કાગળ વગેરે બનાવવાના કુટીર-ઉદ્યોગો આવેલા છે. તેજાનામાંથી મસાલા બનાવવાની; કોપરેલ, કાજુ અને ખાદ્ય ચીજો બનાવવાની ફૅક્ટરીઓ આવેલી છે.

પરિવહનસંદેશાવ્યવહાર : આ જિલ્લામાંથી એરાનૂર-કોચીન બંદર અને એર્નાકુલમ્-ત્રિવેન્દ્રમને સાંકળતા બે બ્રૉડગેજ રેલમાર્ગો પસાર થાય છે. આ રેલમાર્ગોની લંબાઈ આશરે 60 કિમી. છે. અહીં સડકમાર્ગોનું સુંદર આયોજન કરાયું છે. દર ચોકિમી.દીઠ 313 કિમી.ની લંબાઈના રસ્તા આવેલા છે. રસ્તાઓની કુલ લંબાઈ 7,512 કિમી. જેટલી છે; જેમાં રાષ્ટ્રીય ધોરી માર્ગની લંબાઈ 51 કિમી. છે. કોચીન ખાતે હવાઈ મથક આવેલું છે, જે ભારતનાં અન્ય શહેરો સાથે હવાઈ માર્ગથી સંકળાયેલું છે. આ હવાઈ મથક સંરક્ષણ-વિભાગને હસ્તક છે.

આ જિલ્લાનો આંતરિક જળવ્યવહાર જળપરિવહન-વિભાગને હસ્તક છે. અહીં આવેલા જળમાર્ગોની લંબાઈ 218 કિમી. જેટલી છે. કોચીન બંદર ખાતે કેરાલા સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશને (K.S.R.T.C.) ફેરી-સર્વિસની જવાબદારી સ્વીકારી છે. આ જળમાર્ગો એર્નાકુલમ્-કોચીન, એર્નાકુલમ્-વાયપેન, એર્નાકુલમ્-વલ્લારપદોમ્, એર્નાકુલમ્-કોચીન ફૉર્ટને સાંકળે છે. દરરોજ 40,000 મુસાફરો આ જળમાર્ગનો લાભ લે છે.

કોચીન (બંદર) : કોચીન બંદર ‘અરબ સાગરની રાણી’ તરીકે ઓળખાય છે. ભારતનાં મોટાં બંદરોમાં તેની ગણના થાય છે. ઈ. સ. 1920માં બ્રિટિશ ઇજનેર રૉબર્ટ બ્રિસ્ટૉવની દેખરેખ હેઠળ ઊભું કરાયું હતું. કોચીન રિફાઇનરીને આ બંદરનો વધુ લાભ મળે છે. અહીંથી નિકાસ થતી ચીજવસ્તુઓમાં કાથીની બનાવટો; ચા, રબર, કૉફી, કાજુ, રસાયણો, ડાંગર અને અન્ય ધાન્ય, મરી, આદું, ઇલાયચી, હળદર, કોપરેલ, લોખંડ અને સિમેન્ટ મુખ્ય છે; જ્યારે આયાતી વસ્તુઓમાં કઠોળ, કોલસો, સોપારી, યંત્રો, પરિવહનનાં સાધનો, તેલીબિયાં, કાગળ, દવાઓ, રાસાયણિક ખાતરો, મીઠું, બૉક્સાઇટ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રવાસન : અલ્વાયે : પેરિયાર નદીના ડાબે કાંઠે વસેલું છે; જે મહત્વનું યાત્રાધામ છે. ફેબ્રુઆરી-માર્ચ માસમાં (swarathri) ઉત્સવ ઊજવાય છે, જેની સરખામણી કુંભમેળા સાથે થાય છે. તે મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે.

ચોવારા : અલ્વાયે નદીના જમણા કાંઠે વસેલું શહેર અને ઔદ્યોગિક મથક. તે એક સમયે બ્રિટિશરોના પ્રવાસન-મથક તરીકે જાણીતું બન્યું હતું. અહીં પ્રાચીન મહેલ આવેલો છે.

કોચીન (શહેર) : આ શહેરને દક્ષિણ ભારતના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાનાં ઉત્તમ કુદરતી બંદરોમાંનું તે એક છે. અહીં અનેક લગૂન અને બૅકવૉટર આવેલાં હોવાથી તે વેપારવાણિજ્ય માટે લાભદાયી છે. આ સિવાય કલાડે (Kalady), કલ્લીલ, કોથામંગલમ્, મલાયાટ્ટુર, નેરિયા-મંગલમ્, પેરુમ્બાવુર, નરાકલ, ત્રિપુનીથુરા (Thrippunithura) જેવાં શહેરોમાં દેવળો અને મંદિરો આવેલાં છે. આ પૈકી નરાકલનું વેલિયાત્તન પારાંબિલનું મંદિર જાણીતું છે. તેને નિહાળવા દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. સમુદ્રકિનારે અનેક પ્રવાસન-કેન્દ્રો ઊભાં કરાયાં છે.

વસ્તી : આ જિલ્લામાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ પ્રજા વસે છે. વધુ બોલાતી ભાષાઓમાં મલયાળમ અને તમિળ છે. શિક્ષિત પ્રજા અંગ્રેજી ભાષાનો વધુ ઉપયોગ કરે છે. આ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ અધિક છે; જ્યારે ઉચ્ચ શિક્ષણના સંદર્ભે જોઈએ તો કોચીન યુનિવર્સિટી મુખ્ય છે. તેને હસ્તક વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, આયુર્વેદિક અને કાયદાવિભાગની કૉલેજોનું સંચાલન થાય છે. ગ્રામવિસ્તારોમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રો અને શહેરી વિસ્તારોમાં ચિકિત્સાલયો, ઔષધાલયોની સુવિધા રહેલી છે. 2018 મુજબ તેની વસ્તી 34,27,659 જેટલી છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં ટૉલેમી, માર્કોપૉલો, ઇબ્નબતૂતા, પ્લિની, પેરિપ્લસ જેવા પ્રવાસીઓએ કોચીનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. ઈ. સ. 52માં સેંટ ટૉમસે આ સ્થળની  મુલાકાત લીધી હતી તેની નોંધ મળે છે. ઈ. સ. 1341માં કોચીન એક બંદર તરીકે જાણીતું બન્યું હતું. બ્રિટિશરોના સમયમાં કોચીન ચેન્નાઈ રાજ્યમાં સમાવાયું હતું. પહેલી એપ્રિલ 1958થી ત્રિચુરમાંથી આ પ્રદેશ જુદો પાડવામાં આવ્યો. ઈ. સ. 1972 પછી આ જિલ્લાની  હદમાં કોઈ ફેરફાર થયો નથી.

નીતિન કોઠારી