એમાઇલ આલ્કોહૉલ : C5H11OH સૂત્ર ધરાવતા આઠ સમઘટકીય આલ્કોહૉલમાંનો ગમે તે એક. ઉદ્યોગનો એમાઇલ આલ્કોહૉલ ફ્યુઝેલ ઑઇલ(સ્ટાર્ચ અને શર્કરાના આથવણની ઉપપેદાશ)ના નિષ્યંદનથી મેળવાય છે. એમાં 13 % – 60 % દ્વિતીયક એમાઇલ આલ્કોહૉલ તથા પ્રકાશક્રિયાશીલ એમાઇલ આલ્કોહૉલ હોય છે. ઉ.બિં. 128o – 132o સે. એમાઇલમ એટલે સ્ટાર્ચ ઉપરથી એમાઇલ નામ યોજાયું છે.

પેટ્રોરસાયણ ઉદ્યોગના વિકાસને કારણે એમાઇલ આલ્કોહૉલ (1) પેન્ટેનના ક્લૉરિનેશન (1926) અને ક્લોરોપેન્ટેનનાં (આલ્કલી વડે) જલવિઘટનથી અને (2) બ્યૂટીનની કાર્બન મૉનૉક્સાઇડ તથા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા (ઑક્સો પ્રવિધિ) વડે મેળવવામાં આવે છે (1953).

નીચે આઠ એમાઇલ આલ્કોહૉલનાં બંધારણીય સૂત્રો તથા ઉ.બિં. આપેલાં છે. ચારમાં હાઇડ્રૉક્સિલ સમૂહ પ્રાથમિક છે, ત્રણમાં દ્વિતીયક છે અને એકનો હાઇડ્રૉક્સિલ સમૂહ તૃતીયક છે.

એક સિવાયના બધા જ સમઘટકો પ્રવાહી છે. તે તીવ્ર વાસ ધરાવે છે, પાણીમાં અલ્પ દ્રાવ્ય છે અને પાણીથી હલકા છે. બધા જ સમઘટકો વિષાળુ (toxic) ગણાય છે.

એમાઇલ એસેટેટ, એમાઇલ નાઇટ્રાઇટ અને એમાઇલીનની બનાવટમાં એમાઇલ આલ્કોહૉલનું મિશ્રણ વપરાય છે. એમાઇલ આલ્કોહૉલ યુરિયા ફૉર્માલ્ડિહાઇડ રેઝિન, સેલ્યુલોઝ એસ્ટર, લાખ, કોપાલ વગેરેના દ્રાવક તરીકે અને એમાઇલ એસેટેટ નાઇટ્રોસેલ્યુલોઝ લેકર્સની બનાવટમાં ઉપયોગી છે.

પ્રવીણસાગર સત્યપંથી