એમાઇડ સંયોજનો (amides) : એમોનિયા કે એમાઇનના એક કે વધુ હાઇડ્રોજનનું RCO અથવા RSO2 જેવા એસાઇલ સમૂહો વડે વિસ્થાપન કરવાથી મળતાં કાર્બનિક સંયોજનો. તે પ્રાથમિક RCONH2, દ્વિતીયક (RCO)2NH કે તૃતીયક પ્રકારનો હોઈ શકે. દ્વિતીયક એમાઇડ ઇમાઇડ તરીકે ઓળખાય છે. તૃતીયક એમાઇડ જાણીતાં નથી.
એમાઇડ (1) અનુરૂપ ઍસિડના એમોનિયમ ક્ષારને ગરમ કરવાથી (2) એસ્ટર, ઍસિડ ક્લોરાઇડ કે ઍસિડ એનહાઇડ્રાઇડની ઍમોનિયા સાથેની પ્રક્રિયાથી અને (3) નાઇટ્રાઇલના આંશિક જલવિઘટનથી મેળવી શકાય છે.
RSO2 સમૂહવાળાં સંયોજનો સલ્ફોનએમાઇડ તરીકે ઓળખાય છે. સલ્ફોનાઇલ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી સલ્ફોન એમાઇડ મેળવાય છે.
ફૉર્મેમાઇડ (HCONH2) સિવાયના બધા સાદા એમાઇડ નીચા ગ.બિં.વાળા સ્થાયી, ઘન પદાર્થો છે અને નિર્બળ ઍસિડ ગુણો ધરાવે છે. (દા.ત., RCONHNa બની શકે છે.) હાઇડ્રોજન બંધને કારણે એમાઇડ અણુઓ સંઘનિત હોય છે અને તેથી હાઇડ્રૉક્સિલ સમૂહવાળાં દ્રાવકો(દા. ત., આલ્કોહૉલ)માં દ્રાવ્ય હોય છે. નીચા અણુભારવાળા એમાઇડ જલદ્રાવ્ય હોય છે.
એમાઇડનું જલવિઘટન કરતાં મૂળ ઍસિડ મળે છે. પ્રાથમિક એમાઇડનું નિર્જલીકરણ કરતાં નાઇટ્રાઇલ મળે છે. આલ્કલી અને હેલોજનના ઉપચયનથી એક ઓછા કાર્બનવાળો એમાઇન મળે છે અને અપચયન(reduction)થી એમાઇડ જેટલા જ કાર્બનવાળો એમાઇન મળે છે અને નાઇટ્રસ ઍસિડ સાથે મૂળ ઍસિડ મળે છે. આથી એમાઇડ્ઝ કાર્બનિક સંશ્લેષણમાં અગત્યના મધ્યસ્થી (inter-mediate) છે.
અકાર્બનિક એમાઇડ્ઝમાં આયન હોય છે. સોડિયમને પ્રવાહી ઍમોનિયામાં ઓગાળતાં સોડામાઇડ બને છે.
આલ્કલી એમાઇડ સ્થાયી, સ્ફટિકરૂપ પદાર્થ છે. ભારે ધાતુના એમાઇડ ઘણી વાર વિસ્ફોટક ગુણો ધરાવે છે. ઍમોનિયા પ્રણાલીમાં એમાઇડ્ઝ બેઝ તરીકે વર્તે છે.
ફૉર્મેમાઇડ, ડાયમિથાઇલ ફૉર્મેમાઇડ, એસેટેમાઇડ, ડાયમિથાઇલ એસેટેમાઇડ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો માટે અગત્યનાં દ્રાવકો છે. 12, 14, 16 અને 18 કાર્બન પરમાણુ ધરાવતા એમાઇડ જલરોધકો, ઊંજણ-તેલોમાં ઉમેરવા માટે, પ્રક્ષાલકો, પાયસકારકો (emulsifiers) અને આર્દ્રકો (wetting agents) તરીકે ઉપયોગી છે. યુરિયા સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરાતું ડાયએમાઇડ સંયોજન છે.
નાયલૉન પૉલિયેમાઇડ સંયોજન છે. કુદરતમાં એમાઇડસમૂહ પ્રોટીન, પેપ્ટાઇડ વગેરેમાં હોય છે. પેરાસિટામોલ, નિયાસીન એમાઇડ, પિપેરીન (આલ્કેલૉઇડ), વિટામિન B2, પેનિસિલીન, ડી.એન.એ., આર.એન.એ., પાયરેઝીનએમાઇડ વગેરેમાં એમાઇડસમૂહ હોય છે. સલ્ફા ઔષધોમાં SO2NH2 સમૂહ હોય છે.
જ. પો. ત્રિવેદી