એભલ મંડપ : ભાવનગર જિલ્લાના, શેત્રુંજી નદીને કાંઠે આવેલા તળાજા ગામની લગભગ પશ્ચિમ દિશાએ આવેલી 97.53 મીટર ઊંચી ટેકરીની પશ્ચિમોત્તર બાજુની શૈલ-ઉત્કીર્ણ 30 ગુફાઓ પૈકીની એક. લગભગ 30.48 મીટરની ઊંચાઈએ આ ગુફા આવેલી છે. લગભગ 23 મીટર ´ 21 મીટર લંબાઈ-પહોળાઈવાળી આ ગુફા 6 મીટર ઊંચી છે. તેમાં રહેવાની નાની ઓરડીઓ કે વરંડાને મુખ્ય ઓરડાથી જુદી પાડતી પડદી નથી. એના મુખભાગ ઉપર વિશાળ ત્રિદલ – ચૈત્ય-ગવાક્ષ કંડારેલા છે. બાવા-પ્યારા ગુફાઓના અર્ધવૃત્તાકાર ચૈત્ય-ગવાક્ષ આ ગુફાના ત્રિદલના ઉપરના અર્ધવૃત્ત સાથે સામ્ય ધરાવે છે અને તેની નીચે વેદિકાની પહોળી પટ્ટીની ભાત છે. અગ્રભાગે અગાઉ આવેલા ચાર અષ્ટકોણ સ્તંભ નષ્ટ થઈ ચૂક્યા છે. અહીં એક નાની ચૈત્ય-ગુફા પણ છે, જેમાં સ્તૂપનો ટોચભાગ છતને અડકે છે. આવી રચના મહારાષ્ટ્રમાંની કરાડ, કૂડા, મહાડ અને જુન્નરની ગુફાઓમાં પણ નજરે પડે છે. ચૈત્ય-ગવાક્ષો, વેદિકા અને ચૈત્યની શૈલી ઉપરથી આ ગુફાઓ ઈ. સ.ના આરંભમાં કંડારાયેલી હોવાનું અનુમાન છે. પરંપરાગત રીતે આ ગુફાઓને બૌદ્ધ સંપ્રદાયની તરીકે સ્વીકારી લેવામાં આવી છે. વલભી નજીકના એક સંઘારામમાં સ્થિરમતિ અને ગુણમતિ નામે બે બોધિસત્વો પૂર્વકાળમાં રહી ગયાનું ચીની પ્રવાસી યુઅન શ્વાંગ નોંધે છે. વળી એ સંઘારામ બંધાવનાર તરીકે અચલ નામે અર્હંતનો એ ઉલ્લેખ કરે છે. ‘આર્યમંજુશ્રીમૂલકલ્પ’માં ગુણમતિ ઉપરાંત પિંડચારિક નામે વલભીવાસી વિખ્યાત બૌદ્ધ સાધુનો નિર્દેશ છે. આ સંઘારામને ભાવનગર પાસેના ‘તળાજાની ગુફાઓ’ તરીકે ઓળખવામાં આવેલ છે. રાજા એભલ વાળા ત્રીજાના નામ ઉપરથી ‘એભલ વાળાનો મંડપ’ સંજ્ઞા આગળ જતાં મળી હોવાની શક્યતા છે. સંભવ છે કે તે રાજા આ જૂના સુંદર સ્થાનમાં બેસી રાજદરબાર ભરતો હોય.
યતીન્દ્ર દીક્ષિત