એફ. બી. આઇ. (Federal Bureau of Investigation) (1908)

January, 2004

એફ. બી. આઇ. (Federal Bureau of Investigation) (1908) : અમેરિકાની સમવાયતંત્રી સરકારની મુખ્ય તપાસસંસ્થા. સરકારે પસાર કરેલા મોટાભાગના ગુનાવિરોધી કાયદા તથા અમેરિકાની સરકારનું હિત જેમાં સંડોવાયેલું હોય તેવી બધી જ બાબતો તેના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી છે. તાજેતરનાં વર્ષો દરમિયાન દીવાની કાયદાને લગતા કિસ્સામાં તપાસ હાથ ધરવાનું કાર્ય પણ તેને સોંપવામાં આવ્યું છે અને તેથી કાયદાનો અમલ કરાવતી વિશ્વની વધુમાં વધુ શક્તિશાળી તથા વગ ધરાવતી સંસ્થાઓમાં તેની ગણના થાય છે. તેનું મુખ્ય કાર્યાલય વૉશિંગ્ટન ડી. સી. ખાતે છે. વિશિષ્ટ વ્યાવસાયિક તાલીમ પામેલા ગુપ્તચરો અનેક દેશનાં મહાનગરો તથા નગરોમાં ગોઠવાયેલા છે. ઉપરાંત ગુનાઓ તથા ગુનેગારો અંગે માહિતીની લેવડદેવડ કરવા માટે વિશ્વના ઘણા દેશોમાં તેનાં સંપર્કમથકો (liaison posts) ઊભાં કરવામાં આવ્યાં છે. અમેરિકાના ન્યાયખાતાના એક ગુપ્ત વિભાગ તરીકે કામ કરતા આ સંગઠનના ડિરેક્ટરની નિમણૂક હવે રાષ્ટ્રપ્રમુખ દ્વારા, દેશની સંસદના ઉપલા ગૃહ(સેનેટ)ની સલાહ તથા સંમતિથી કરવામાં આવે છે. તેનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હોય છે : ગુનાઓની તપાસ, જાસૂસીની કામગીરી અને અન્ય સેવાઓ. અન્ય સેવાઓમાં વ્યક્તિ-પરિચય (Identification), પ્રયોગશાળાઓ, ગુનાઓનું માહિતીકેન્દ્ર વગેરેનો સમાવેશ થાય છે.

196168નાં વર્ષો દરમિયાન અમેરિકાની આંતરિક સલામતીને લગતા જે કાયદા પસાર કરવામાં આવ્યા તેને લીધે આ સંસ્થાનું કાર્યક્ષેત્ર ઘણું વિસ્તૃત બન્યું છે. જાસૂસી, પ્રતિગુપ્તચર પ્રવૃત્તિઓ (counter espionage), દેશદ્રોહ અને રાજદ્રોહની પ્રવૃત્તિઓ, ભાંગફોડ, અમેરિકાની આંતરિક સલામતી માટે જોખમ ઊભાં કરે તેવી પ્રવૃત્તિઓ, અપહરણ, લૂંટફાટ, દગાખોરી, ભાગેડુ અપરાધીઓ વગેરે પર તે ચાંપતી નજર રાખે છે. તેના હસ્તક 1924માં શરૂ કરવામાં આવેલા એક ખાસ પેટાવિભાગ FBI Identification Divisionમાં 17 કરોડ ઉપરાંત આંગળાંનાં નિશાનનો વિશ્વમાં મોટામાં મોટો સંગ્રહ છે; તેને આધારે ગુનેગારોને ઓળખી કાઢવાનું કાર્ય સુગમ અને ઝડપી બને છે. દર વર્ષે તે આશરે છ લાખ જેટલા નમૂનાઓની તપાસ કરે છે. વર્જિનિયા રાજ્યના ક્વૉન્ટિકોમાં તે અદ્યતન તાલીમકેન્દ્ર ધરાવે છે. 1932માં આ સંસ્થામાં એક અલાયદી વિજ્ઞાન-પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે; ત્યાં અદાલતોને ઉપયોગી બને તેવી ગુનાવિષયક ચકાસણી તથા તપાસ કરવામાં આવે છે. અન્ય દેશો ઇચ્છે તો આ સંસ્થાની સેવા પ્રાપ્ત કરી શકે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે.

દેશની સલામતી અંગે રાષ્ટ્રપ્રમુખને સલાહ આપતી નૅશનલ સિક્યુરિટી કાઉન્સિલે (NSC) ઊભા કરેલા ઇન્ટેલિજન્સ બૉર્ડ પર એફ.બી.આઈ.ને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

સંસ્થાની પ્રવૃત્તિઓનું નિયમન કરી શકે તેવો કાયદો ઘડવાના અત્યાર સુધીના પ્રયાસોને સફળતા મળી નથી અને તેથી પોતાની કાર્યવિધિ તથા સંચાલન-વ્યવસ્થા કરવામાં તે સ્વાયત્ત છે. સંસ્થાએ હાથ ધરેલી ગુપ્ત તપાસ કે ચકાસણીનો અહેવાલ સંસ્થા દ્વારા દેશના ઍટર્ની જનરલ, વૉશિંગ્ટન ખાતેના તેમના મદદનીશો તથા દેશના તે કાર્યક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં ઊભાં કરવામાં આવેલાં ઍટર્ની જનરલનાં કાર્યાલયોને સોંપવાનો હોય છે.

સંસ્થાના વિકાસમાં તથા તેનાં ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો નિર્ધારિત કરવામાં તેના પૂર્વ નિયામક એડગર હૂવર(18951972)નો ફાળો નોંધપાત્ર રહ્યો છે.

‘વૉટરગેટ કૌભાંડ’માં રાષ્ટ્રપ્રમુખ નિક્સન(196974)ને બચાવવાનો આ સંસ્થાએ પ્રયાસ કર્યો હતો. આ આરોપસર આ સંસ્થાની સખત ટીકા થઈ હતી. તેના તપાસનીશો ‘સ્પેસ એજન્ટ્સ’ તરીકે પણ ઓળખાતા હોય છે, જેમની સંખ્યા આશરે 9,500 છે. અમેરિકા પ્યુરેટોરિકોમાં મળીને તેનાં 60 શાખા-કાર્યાલયો છે અને અન્ય દેશોમાં 15 શાખા-કાર્યાલયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે