એપેલિઝ (ઈ. પૂ. ચોથી સદી) : મહાન ગ્રીક ચિત્રકાર. કૉલોફૉન (આયોનિયા) ખાતે જન્મ. કૉરિંથ નજીકના સિસિયોન ખાતે શિક્ષણ લીધું. ગ્રીક ચિત્રકાર પૅમ્ફિલસની દેખરેખ હેઠળ ચિત્રકાર તરીકે કામ કર્યું. માત્ર ચાર રંગદ્રવ્યો(સફેદ, પીળો, લાલ તથા કાળો)નો ઉપયોગ કરીને સૌંદર્યસભર ચિત્રકામ કરનાર કલાકાર તરીકે તેમની ખ્યાતિ હતી. મેસિડોનિયાના રાજા ફિલિપ બીજાના રાજદરબારમાં રાજચિત્રકાર તરીકે તેમને માન્યતા આપવામાં આવી હતી. મહાન સિકંદરે પણ રાજદરબારના ચિત્રકાર તરીકે તેમની નિમણૂક કરી હતી. તેમની ચિત્રકલાના નમૂના ઉપલભ્ય નથી, છતાં પ્રાચીન કાળના એક મહાન ચિત્રકાર તરીકે તેમની ખ્યાતિ અદ્યાપિપર્યન્ત વિસ્તરેલી છે. રૂપાંકનની સરળતા, રેખાંકનનું અભિજાત સૌંદર્ય તથા અભિવ્યક્તિની રમ્યતા તેમની ચિત્રકલાનાં મુખ્ય લક્ષણો ગણાય છે. ચિત્રકાર તરીકેના તેમના કૌશલ્યના વર્ણનમાત્રથી તેમના પછીના કલાકારોએ, અને ખાસ કરીને ઇટાલીના પુનર્જાગૃતિ કાળ દરમિયાનના ચિત્રકારોએ પ્રેરણા પ્રાપ્ત કરી હતી. ગર્જના સાથે હુમલો કરતા શસ્ત્રધારી સિકંદરનું તેમણે દોરેલું ચિત્ર એપેલિઝની ચિત્રકલાના ઉત્તમ નમૂનામાંનું એક ગણાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે