એપેન્ડિસાઇટિસ (આંત્રપુચ્છશોથ) : એપેન્ડિક્સના ચેપજન્ય શોથ-(inflammation)થી થતો સોજો. નાના આંતરડાના મોટા આંતરડા સાથેના જોડાણ પાસે આવેલા પાતળા, 3થી 5 સેમી. લાંબા પૂંછડી જેવા અવયવને એપેન્ડિક્સ કે આંત્રપુચ્છ કહે છે. પેટમાં આંત્રપુચ્છનું સ્થાન નાભિની જમણી તથા નીચેની બાજુએ હોય છે.

ઐતિહાસિક નોંધ : ઇંગ્લૅન્ડની જાણીતી વેસ્ટમિન્સ્ટર અને સેંટ જ્યૉર્જ હૉસ્પિટલના સાર્જન્ટ સર્જન એમિયાન્ડે 1736માં 11 વર્ષના બાળકની સારણગાંઠ માટેની શસ્ત્રક્રિયા કરીને ગાંઠ બહાર કાઢી હતી. પછી ફીટ્ઝે 1886માં આ રોગનું પ્રથમ નિદાન કર્યું અને તેનાં ચિહનોનો અભ્યાસપૂર્ણ લેખ લખ્યો અને શસ્ત્રક્રિયાથી તે મટાડી શકાય છે તેમ પ્રસિદ્ધ કર્યું. 1889માં મેકબર્નીએ આંત્રપુચ્છશોથના નિદાન માટે જાણીતા મેકબર્ની બિન્દુનો ઉલ્લેખ કર્યો હતો.

 

આકૃતિ 1 : (અ) એપેન્ડિક્સનું શરીરમાં સ્થાન : (1) સ્થિરાંત્ર (મોટું આંતરડું), (2) અંધાંત્ર (caecum), (3) એપેન્ડિક્સ (આંતરપુચ્છ), (4) અંતાંત્ર (ileum), (5) રુધિરવાહિનીઓ, (6) આંત્રપટ (mesentry), (7) આંત્રપુચ્છપટ (meso-appendix), (8) ટ્રેવેસ(Treves)નો રુધિરવાહિની વગરનો પટલ, (9) લસિકાગ્રંથિઓ (lymphnodes) (આ) એેપેન્ડિક્સના સ્થાનની વિવિધતાઓ : (10) શ્રોણીય (pelvic, 25 %), (11) પરા-અંતાંત્રીય (panaileal, 2 %), (12) પશ્ચ-અંધાંત્રીય (retro caecal, 70 %), (13) પરા-સ્થિરાંગીય (paracolic, 3 %)

આંત્રપુચ્છની અંદરનું પોલાણ મોટા આંતરડાના અંધાંત્ર-(caecum)માં ખૂલે છે. આંતરડાના અન્ય ભાગોની જેમ જ આંત્રપુચ્છની દીવાલ સ્નાયુથી બનેલી અને તેનું પોલાણ લસિકાભ પેશી(lymphoid tissue)થી ઘેરાયેલું હોય છે. (આકૃતિ 1). તેમાં ચેપ લાગવાથી આંત્રપુચ્છમાં સોજો આવે છે. આંતરડામાં રહેતાં અને ખોરાક મળ સાથે આવતાં વિવિધ જીવાણુઓના કારણે તેમાં ચેપ લાગે છે. આ ઉપરાંત મળની નાની ગાંગડી તેમાં ભરાઈ જવાથી તેમજ લસિકાભ પેશીના સોજાથી પણ પરુનો ભરાવો થાય છે અને તે વધતો જાય છે. તેને કારણે રુધિરવાહિનીઓ દબાતાં તેમાં લોહી જામી જાય છે. (રુધિરગઠન, thrombosis). આથી આંત્રપુચ્છ કાળું પડી જાય છે અને તેને આંત્રપુચ્છનો પેશીનાશ (gangrene) કહે છે. પેશીનાશ થયેલું આંત્રપુચ્છ ફાટે છે અને તેમાંનું પરુ પરિતનગુહામાં ફેલાય છે, અને તે પરિતનશોથ (peritonitis) કરે છે તેમજ પરુનો લોહીમાં ફેલાવો થાય છે. આ સ્થિતિને અપૂયરુધિરતા (septicaemia) કહે છે. યોગ્ય અને સમયસર સારવાર ન મળે અને શસ્ત્રક્રિયા ન કરવામાં આવે તો આ પરુ યકૃત તેમજ આખા શરીરમાં પ્રસરે છે અને જીવલેણ નીવડે છે. કેટલીક વખત મોટા આંતરડાના થતા અવરોધ(intestinal obstruction)ને કારણે આંતરડાનું દબાણ વધતાં આંત્રપુચ્છમાં મળ ધકેલાય છે અને આંત્રપુચ્છનો સોજો આવે છે. (જુઓ : આંત્રરોધ). આને આનુષંગિક આંત્રપુચ્છશોથ કહે છે. આ સ્થિતિમાં કારણભૂત રોગનું નિદાન કરી તેનો ઇલાજ કરવો આવશ્યક બને છે.

લક્ષણો અને ચિહનો : આંત્રપુચ્છનો સોજો સ્ત્રીઓ તેમજ પુરુષો બંને જાતિઓમાં કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આ રોગની શરૂઆત નાભિ અને તેની આસપાસના પેટના દુખાવાથી થાય છે અને તે સમયે ચેપજન્યશોથ આંત્રપુચ્છમાં જ સીમિત હોય છે. વખત જતાં થોડા કલાકોથી એક કે બે દિવસમાં દુખાવો પેટના જમણા અને નીચેના પડખામાં ખસે છે. આવા સમયે ચેપ આંત્રપુચ્છની બહારની દીવાલ તથા આસપાસની પરિતનગુહાને પણ અસર કરે છે. (જુઓ : ઉદરપીડ). આ દુખાવો અસહ્ય બને છે. (આકૃતિ 2) આ સાથે તાવ આવે છે અને ઊબકા કે ઊલટી થાય છે, નાડીના ધબકારા વધી જાય છે તથા લોહીમાં શ્વેતકોષોનું પ્રમાણ પણ વધે છે.

નિદાન : દર્દીને તપાસતાં તેને પેટનો સખત દુખાવો હોય છે અને પેટની જમણી બાજુએ નીચેના ભાગના સ્નાયુઓ દબાવતાં તે સંકોચાઈને સખત બને છે. તેને સ્નાયુનું રક્ષક-આકુંચન (guarding) કહે છે. જો દુખાવો વધારે હોય અને સોજો વધુ હોય તો આ ભાગના સ્નાયુઓ અક્કડ બની જાય છે. તેને સ્નાયુ-અક્કડતા કહે છે. દુખાવો શરૂઆતમાં નાભિની આજુબાજુ અથવા આખા પેટમાં હોય છે. સમય જતાં તે ખસીને પેટના નીચેના જમણી બાજુના ભાગમાં મર્યાદિત થાય છે. આ દુખાવો નાભિ અને નિતંબના જમણી બાજુના હાડકાના અગ્ર-ઊર્ધ્વ નિતંબીય કંટક(anterior-superior iliac spine)ના ઉપરના ભાગને જોડતી રેખાના ઉપરના બે તૃતીયાંશ અને નીચેના એક તૃતીયાંશ ભાગના જોડાણબિંદુએ સૌથી વધુ હોય છે. આને મેકબર્ની(McBurney)નું બિંદુ કહે છે. તે સ્થળે શરૂઆતમાં સ્પર્શ કરવાથી વેદના થાય છે અને પછીથી સ્પર્શ કરીને હાથ ઉપાડી લેવામાં આવે ત્યારે સ્પર્શોત્તર વેદના (reboud tenderness) થાય છે.

જો દર્દી રોગની શરૂઆત પછી એક કે બે દિવસ બાદ આવે તો આજુબાજુના આંતરડા અને ઉદરાગ્રપટલ (omentum) આંત્રપુચ્છ સાથે ચોંટીને તેની સાથે ગંઠન (lump) બનાવે છે. આને આંત્રપુચ્છશોથ ગંઠન કહે છે.

 

આકૃતિ 2 : એપેન્ડિસાઇટિસના દર્દીને થતો દુખાવો અને તેનું પેટની આગળની દીવાલ પરનું સ્થાન : (1) પેટ (ઉદર), (2) ડૂંટી (નાભિ), (3) પરિનાભિ વિસ્તારમાં થતો શરૂઆતનો દુખાવો, (4) પાંસળીના પિંજરની નીચલી કિનારી, (5) છાતી, (6) કટિ-અસ્થિનો અગ્ર-ઊર્ધ્વ કંટક (anterior-superior iliac spino), (7) મેકબર્નીનું બિન્દુ, (8) પેટના જમણા અને નીચલા ભાગમાં પાછળથી ફેલાતો દુખાવો.

આંત્રપુચ્છના સોજામાં શરૂઆતથી જ નાડીના ધબકારા વધારે હોય છે, પરંતુ રોગની તીવ્રતા વધતી જાય તેમ નાડીના ધબકારા પણ વધતા જાય છે. લોહીના શ્વેતકોષોનું પ્રમાણ વધારે હોય છે અને પરુના વધવા સાથે તે પણ વધે છે. પેટનું એક્સ-રે ચિત્ર લેવાથી જમણા મૂત્રપિંડ કે મૂત્રવાહિનીમાં પથરી નથી તેનો ખ્યાલ આવી શકે છે. પેશાબની તપાસમાં પેશાબમાં પરુ તેમજ મળની તપાસમાં મરડાનાં જંતુ તથા કૃમિ નથી તેનો પણ ખ્યાલ આવી શકે છે. આ કસોટીઓ એપેન્ડિસાઇટિસ અને મૂત્રમાર્ગનો ચેપ કે પથરી તથા આંતરડાના અન્ય રોગોથી નિદાનભેદ (differential diagnosis) કરવા માટે ઉપયોગી છે. આંત્રપુચ્છશોથનું નિદાન ખૂબ જ કાળજી અને ચીવટથી કરવું જરૂરી છે. પેટના તેમજ બીજા ઘણા રોગોમાં થતો દુખાવો પેટના આ ભાગમાં જ હોય છે અને નિદાનમાં ભૂલ થવાથી આંત્રપુચ્છશોથનો હુમલો જીવલેણ નીવડી શકે છે અથવા તો સારવાર તેમજ શસ્ત્રક્રિયા કર્યા પછી પણ દુખાવો કાયમ રહી જાય છે. પેટના આ ભાગમાં થતા દુખાવાનાં વિવિધ કારણોમાં આંત્રજ્વર (typhoid), નાનાં બાળકોમાં કાકડાના સોજા બાદ થતો પેટનો દુખાવો કે આંત્રપટીય લસિકાગ્રંથિશોથ (mesenteric lymphadenitis) મુખ્ય ગણી શકાય. આંત્રપુચ્છશોથના ગંઠનને મોટા આંતરડાના શોથ (colitis), ક્ષય કે કૅન્સરથી અલગ તારવવું જરૂરી ગણાય છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં અંડનળી (fallopian tube) તથા અંડગ્રંથિ(ovary)નો સોજો, ચેપ કે ગાંઠ થઈ હોય તોપણ દુખાવો થાય છે. અંડનળીમાં પરુ ભરાવાથી અથવા તેમાં ગર્ભ સ્થાપિત થયો હોય અને તેથી જો ફાટી જાય તો આંત્રપુચ્છશોથ જેવો જ દુખાવો થઈ શકે છે. આ નિદાન નિશ્ચિત કરાવવા માટે અલ્ટ્રાસોનોગ્રાફીની તપાસ જરૂરી બને છે.

સારવાર : આંત્રપુચ્છશોથનું ચોક્કસ નિદાન કર્યા બાદ તેની સારવાર માટે બે વિકલ્પો છે. જો હુમલો નજીવો હોય, દુખાવો ઓછો હોય અને નાડીના ધબકારા મિનિટના 100થી ઓછા હોય તો એકાદ દિવસ ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ સંપૂર્ણ આરામ, પ્રવાહી ખોરાક અને ચેપનાશક દવાઓ લેવાથી આ રોગમાં રાહત થઈ શકે છે. જો હુમલો સઘન હોય, દુખાવો વધારે અથવા વારંવાર થતો હોય, સ્નાયુ અક્કડ બની જાય, નાડીના ધબકારાનો દર વધતો જતો હોય તેમજ એન્ટિબાયોટિક દવાઓ કરવાથી ફાયદો ન થાય તો શસ્ત્રક્રિયા આવશ્યક બને છે. આંત્રપુચ્છશોથમાં શસ્ત્રક્રિયા દ્વારા આંત્રપુચ્છને કાઢી નાંખવામાં આવે છે. તેને આંત્રપુચ્છ-ઉચ્છેદન (appendicectomy) કહે છે. આંત્રપુચ્છ મનુષ્યમાં દેહધર્મી ક્રિયાઓમાં ઉપયોગી અવયવ નથી અને તેને કાઢી લેવાથી કોઈ હાનિ થતી નથી. આ માટેની શસ્ત્રક્રિયા સરળ છે. શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીને બેભાન કરીને (general anaesthesia) અથવા કટિવિસ્તારના કરોડના મણકા વચ્ચેથી ઇન્જેક્શન આપી શરીરનો નીચેનો ભાગ અચેતન કરીને (spinal anaesthesia) જીવાણુરહિત (aseptic) વાતાવરણમાં મેકબર્ની પૉઇન્ટની બંને બાજુએ એક એક ઇંચ જેટલો લાંબો ત્રાંસો કાપો મૂકીને, સ્નાયુઓને પહોળા કરીને, એપેન્ડિક્સ કાઢી લેવામાં આવે છે. જો આંત્રપુચ્છ ફાટી ગયું હોય અથવા પરિતનગુહામાં પરુ ફેલાઈ ગયું હોય તો આ શસ્ત્રક્રિયા અઘરી અને જોખમી બને છે અને તેમાં આંત્રપુચ્છ-ઉચ્છેદન ઉપરાંત પરિતનગુહાને દવાઓ વડે સાફ કરવામાં આવે છે તેમજ શસ્ત્રક્રિયાનો ઘા બંધ કર્યા બાદ પરુને બહાર કાઢી નાંખવા માટે એક રબરની ટોટી મૂકવામાં આવે છે; પરુ નીકળતું બંધ થયા બાદ તે કાઢી લેવામાં આવે છે. પરુ અને આંત્રપુચ્છની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરાવાય છે તથા જીવાણુનો પ્રકાર અને ઔષધની અસરકારકતા જાણવા માટે જીવાણુઓનું સંવર્ધન કરાય છે. તેના પરિણામને આધારે ચેપનાશક દવાઓ આપવામાં આવે છે. રુધિરવાહિની દ્વારા પ્રવાહી દવાઓ તેમજ પોષણ આપવામાં આવે છે. શસ્ત્રક્રિયા પછી 2-3 દિવસે દર્દીનાં આંતરડાં કામ કરતાં થાય છે અને તે પછી જ ધીરે ધીરે પ્રવાહી અને હલકો ખોરાક ચાલુ કરી શકાય છે. આંત્રપુચ્છશોથના દર્દીએ પેટની જમણી બાજુએ દુખાવો થાય ત્યારે આંત્રપુચ્છ ફાટી ન જાય તે માટે કેટલીક બાબતોની કાળજી રાખવી જરૂરી ગણાય છે. તે જુલાબ ન લે, પેટને ન ચોળે તથા પેટ પર ગરમ પાણીથી શેક ન કરે તેવી સલાહ અપાય છે. વળી, તેણે પ્રવાહી અને હલકો ખોરાક લેવો જોઈએ અને જો ઊલટી, ઊબકા થતાં હોય તો કાંઈ જ ખોરાક ન લેતાં તુરત જ તબીબી સારવાર લેવી જોઈએ એવું સૂચન કરવામાં આવે છે.

અમરીશ જ. પરીખ

શિલીન નં. શુક્લ