એપિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેને ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી-વજ્રપુષ્પી (Calyciflorae) અને ગોત્ર-એપિયેલિસમાં મૂકવામાં આવે છે. આ કુળનું જૂનું નામ અમ્બેલીફેરી હતું, પરંતુ અગ્રિમતાના નિયમને આધારે Apium પ્રજાતિ ઉપરથી આ કુળનું નામ એપિયેસી રાખવામાં આવ્યું છે.

આ કુળમાં લગભગ 200 પ્રજાતિઓ અને 2,900 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ બહોળું વિતરણ ધરાવતી હોવા છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેનું વિતરણ મુખ્યત્વે પહાડી પ્રદેશોમાં થયેલું જોવા મળે છે. ભારતમાં 63 પ્રજાતિઓ અને 200 જેટલી જાતિઓ થાય છે. તેઓ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉચ્ચપર્વતીય (alpine) હિમાલયના પ્રદેશોમાં થતી હોવા છતાં તેમનું ઉષ્ણપ્રદેશોમાં પણ વાવેતર થાય છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Pimpinella (200 જાતિઓ), Eryngium (200 જાતિઓ), Azorella (100 જાતિઓ), Hydrocotyle (80 જાતિઓ), Bupleurum(75 જાતિઓ)નો સમાવેશ થાય છે. ભારતમાં થતી જાતિઓમાં ધાણા (Coriandrum sativum), વરિયાળી (Foeniculum vulgare), જીરું (Cuminum cyminum), સવા (Anethum graveolens), અજમો (Carum copticum), બ્રાહ્મી (Hydrocotyle asiatica syn. Centella asiatica), ગાજર (Daucus carota) વગેરે છે.

આ કુળની વનસ્પતિઓ મોટેભાગે શાકીય, દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ કે કેટલીક જાતિઓ એકવર્ષાયુ હોય છે. Bupleurum falcatum ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. Angelicaની કેટલીક જાતિઓ 4 મી. સુધી ઊંચી હોય છે. બધાં જ અંગોમાં સુગંધિત બાષ્પશીલ તેલનું નિર્માણ કરતી તૈલી નલિકાઓ (vittae) જોવા મળે છે. Hydrocotyleની જાતિઓ ભૂસ્તારી (runner) હોય છે. Pseudocarumમાં પ્રકાંડ અશક્ત હોય છે અને પર્ણદંડ દ્વારા સૂત્રારોહણ કરે છે. ખાંચાવાળા પ્રકાંડની આંતરગાંઠો પોલી હોય છે. પર્ણો સામાન્યત: પિચ્છાકાર (pinnate) કે પંજાકાર [(palmate) દા. ત. Sanicula], સંયુક્ત કે અતિવિભાજિત, ઘણી વાર પુનર્વિભાજિત (decompound) અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. Hydrocotyle અને Bupleurumમાં પર્ણો અપવાદ રૂપે સાદાં હોય છે. પર્ણદંડ તલસ્થ ભાગેથી આવરક (sheathing) હોય છે. Hydrocotyleમાં પર્ણો ઉપપર્ણીય (stipulate) હોય છે. દક્ષિણ અમેરિકામાં થતી Erydngium અને ઑસ્ટ્રેલિયામાં થતી Aiphylla પ્રજાતિઓનાં પર્ણો એકદળીની જેમ સાંકડાં હોય છે અને સમાંતર શિરાવિન્યાસ અને પહોળું આવરક પર્ણતલ ધરાવે છે.

પુષ્પવિન્યાસ સરળ છત્રક (દા. ત., Hydrocotyle અને Bupleurum) કે મોટેભાગે સંયુક્ત છત્રક, Hydrocotyle અને Azorellaની કેટલીક જાતિઓમાં આ છત્રક પુષ્પવિન્યાસ માત્ર એક જ પુષ્પમાં ન્યૂનીકરણ (reduction) પામેલું હોય છે, અથવા Eryngiumમાં સઘન મુંડક (capitate) કે પરિમિત છત્રક-સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. સંયુક્ત છત્રકના મુખ્ય અક્ષના તલપ્રદેશમાં નિપત્રોના ચક્ર વડે બનતું નિચક્ર (involucre) અને દ્વિતીય અક્ષના તલપ્રદેશે નિપત્રિકાઓના ચક્ર વડે બનતું નિપત્રિકાચક્ર (involucel) જોવા મળે છે. Anethum અને Foeniculumમાં નિચક્ર હોતું નથી. પુષ્પ નાનાં, સામાન્યત: સંપૂર્ણ અને દ્વિલિંગી અથવા કેટલીક વાર એકલિંગી કે સર્વલિંગી (polygamous), નિયમિત, ઉપરિજાય (epigynous), પંચાવયવી અને નિપત્રી હોય છે. કેટલીક વખત છત્રકની ધાર ઉપર આવેલાં પુષ્પોનાં બહારનાં દલપત્રો મોટાં બનતાં પુષ્પ અનિયમિત બને છે; દા. ત., Coriandrum. વજ્ર પાંચ નાના દાંત જેવા કે શલ્કી વજ્રપત્રોનું બનેલું અને બીજાશય સાથે સંલગ્ન (adnate) હોય છે. Foeniculumમાં વજ્રનો અભાવ હોય છે. વજ્રપત્રોનો કલિકાન્તર-વિન્યાસ ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ પાંચ (દલ)પત્રોનો બનેલો, મુક્ત, ઘણી વાર દ્વિશાખી (bifid), વજ્રપત્રો સાથે એકાંતરિક દલપત્રોની ટોચ અંતર્નત (inflexed), શીઘ્રપાતી (caducous) અને ઘણી વાર અસમાન, ધારાસ્પર્શી કે કોરછાદી (imbricate) અને ઊર્ધ્વસ્થ હોય છે. Coriandrumnમાં પરિઘવર્તી પુષ્પોનાં દલપત્રો અસમાન હોય છે. પુંકેસરચક્ર પાંચ પુંકેસરોનું બનેલું, કલિકા-અવસ્થામાં અંતર્નત (inflexed) અને દલપત્રો સાથે એકાંતરિક હોય છે. તેઓ ઉપરિજાય બિંબ પરથી ઉદભવે છે. પરાગાશયો દ્વિખંડી અને તલબદ્ધ (basifixed) કે પૃષ્ઠલગ્ન (dorsifixed) હોય છે અને તેમનું સ્ફોટન અંતર્મુખી (introse) અને લંબવર્તી રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર અગ્ર-પશ્ચ (antero-posterior) રીતે ગોઠવાયેલાં દ્વિયુક્તસ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તેનું બીજાશય અધ:સ્થ હોય છે અને દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક લટકતું અધોમુખી (anatropous) અંડક હોય છે. બીજાશયના અગ્ર ભાગે આવેલું ઉપરિજાય દ્વિખંડી મધુગ્રંથિમય બિંબ બંને પરાગવાહિનીઓમાં લંબાય છે. તેથી બનતા પરાગવાહિનીના જાડા તલપ્રદેશને પરાગવાહિની-પાદ (stylopodium) કહે છે. પ્રત્યેક દ્વિશાખિત પરાગવાહિનીની ટોચ ઉપર પરાગાસન આવેલું હોય છે. ફળ યુગ્મવેશ્મસ્ફોટી (cremocarp) હોય છે. ફળના દ્વિશાખિત અક્ષને ફલધર (carpophore) કહે છે. તેના છેડે એકબીજમય ફલાંશક (mericarp) આવેલું હોય છે. આ ફલાંશક પાંચ લંબવર્તી વાહીપુલોવાળાં શૃંગ ધરાવે છે. આ શૃંગોની વચ્ચે આવેલા ગર્તની નીચે તૈલી-નલિકાઓ આવેલી હોય છે. ગર્ત, શૃંગ અને તેના ઉપર આવેલા રોમ વર્ગીકરણવિદ્યાકીય (taxonomical) મહત્વ ધરાવે છે. બીજ નાનાં, સખત અને તૈલી ભ્રૂણપોષ ધરાવે છે. તેનું પુષ્પસૂત્ર (floral formula) છે :

આ કુળનો મુખ્યત્વે શાકભાજી, બાષ્પશીલ તેલ અને ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ગાજર (Daucus carota), સેલ’રિ (Apium graveolens), પાર્સ’લિ (Petroselinum sativum), પારસ્નિપ (Pastinaca sativa) અને સોવા (Paucedanum graveolens) શાકભાજી તરીકે ઉપયોગી છે. ગાજર, જંગલી પાર્સ’લિ, કાઉ-પારસ્નિપ (Heracleum spp.) અને ઍન્જેલિકા ઢોરો અને ઘોડાઓના ચારા માટે વપરાય છે. મરીમસાલા તરીકે હિંગ (Ferula asafoetida), જીરું (Cuminum cyminum), અજમો (Carum copticum), વરિયાળી (Foeniculum vulgare), ધાણા (Coriandrum sativum) અને સવા(Anethum graveolens)નો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ વાતહર હોય છે. તેમની છાલ, પર્ણો અને ફળોમાં બાષ્પશીલ તેલ અને રાળ ઉત્પન્ન થાય છે અને સુગંધી આપે છે. અજમો, હિંગ, વરિયાળી અને સવા પાચનમાર્ગના રોગોમાં ઉપયોગી છે.

આકૃતિ 1 : ધાણા (Coriandrum sativum) : (અ) નીચેના ભાગનું પર્ણ, (આ)પુષ્પીય શાખા, (ઇ) પુષ્પ, (ઈ) પુષ્પનો ઊભો છેદ, (ઉ) ફળ-સમૂહ, (ઊ) ફળ, (ઋ) સ્ફોટન પામેલું ફળ, (એ) પુષ્પારેખ.

અફઘાનિસ્તાન અને પર્શિયામાં Ferula asafoetidaના મૂળમાં ઉત્પન્ન થતા રાળયુક્ત ગુંદરમાંથી હિંગ મેળવવામાં આવે છે. બ્રાહ્મી (Hydrocotyle asiatica) મગજના કોષો માટે બલ્ય છે. Conium(હેમ્લોક)નાં તાજાં પર્ણો અને લીલાં ફળો કોનિન નામનું ઝેરી બાષ્પશીલ અને તૈલી આલ્કલી ધરાવે છે, જેના થોડાંક ટીપાં નાનાં પ્રાણીઓને માટે વિનાશક હોય છે. તે અલ્પ માત્રામાં કૅન્સર અને ચેતાતંત્રના રોગોમાં મહત્વનું ઔષધ છે. Oenanthe, Cicuta અને Aethusaની ઇંગ્લૅન્ડમાં થતી જાતિઓનાં રસાળ મૂળ મનુષ્ય અને બધા પ્રકારનાં ઢોરો માટે અત્યંત ઝેરી હોય છે.

એપિયેસી એરાલિયેસી અને કૉર્નેસી કુળ સાથે સંબંધ ધરાવે છે, છતાં તેના લાક્ષણિક ફળ દ્વારા તે જુદું પડે છે. દ્વિદળીઓના મુક્તદલા ઉપવર્ગમાં આવેલાં કુળોમાં તે ઘણું પ્રગતિશીલ કુળ ગણાય છે. તેનાં પુષ્પો નાનાં હોવા છતાં ખીચોખીચ રીતે સમૂહોમાં એકત્રિત થઈ સરળ કે સંયુક્ત છત્રક બનાવે છે; જે કેટલેક અંશે મુંડક સાથે સામ્ય દર્શાવે છે. છત્રકનાં પરિઘવર્તી પુષ્પો વંધ્ય કે નરપુષ્પો હોય છે અને અનિયમિતતા તરફનું વલણ ધરાવે છે. પુષ્પવિન્યાસ નિચક્ર વડે ઘેરાયેલો હોય છે. વજ્રનું ન્યૂનીકરણ, દ્વિસ્ત્રીકેસરી અધ:સ્થ બીજાશય, બે પરાગવાહિનીઓ મધુગ્રંથિમય બિંબ અને પૂર્વપુંપક્વતા (protandry) જેવાં લક્ષણો ઍસ્ટરેસી સાથે સામ્ય દર્શાવે છે. આ કુળ રહેમ્નેસી સાથે અવશેષિત વજ્ર, એક ચક્રિલ પુંકેસરો, મધુગ્રંથિઓ અને પ્રત્યેક કોટરમાં એક અંડક બાબતે સામ્ય ધરાવે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ