એપિયા : દક્ષિણ પૅસિફિક વિસ્તારમાં આવેલા પશ્ચિમ સામોઆ દેશનું પાટનગર, બંદર તથા એકમાત્ર શહેર. માઉન્ટ વાઇઆ(Vaea)ની નજીક ઉપોલુ ટાપુના ઉત્તર કિનારા પર આવેલું આ નગર દેશનું આર્થિક, સામાજિક તથા રાજકીય મથક છે. 1959થી તે દેશનું પાટનગર છે. સામોઆ રાજ્યના મુખ્ય મથક તરીકે ઓગણીસમી સદીની શરૂઆતના ગાળામાં ત્યાં વસવાટ શરૂ થયો હતો અને તે જ સદીના અંતિમ ગાળા દરમિયાન તેને નગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. વસ્તી : આશરે 38,000 (1999).
સામોઆમાં નાળિયેર, કેળાં, કૉફી, કોકો, ચૉકોલેટ તથા વિવિધ પ્રકારનાં કંદમૂળનું ઉત્પાદન મોટા પાયા પર થતું હોવાથી આ વસ્તુઓની તે નિકાસ કરે છે. કાપડ, ખાંડ તથા યાંત્રિક વાહનો જેવી વસ્તુઓની આ દેશ આયાત કરે છે.
એપિયા વિશ્વવિખ્યાત સાહિત્યકાર રૉબર્ટ લુઈ સ્ટિવન્સનનું વતન છે. તેના જ મકાનમાં દેશના વડાનું હાલ શાસકીય નિવાસસ્થાન છે. એપિયા બંદરને વાઇઉસુ ઉપસાગર(Vaiusu Bay)થી જુદું પાડતા મુલિનુ (Mulinuu) દ્વીપકલ્પ પર એપિયા વેધશાળા, વિધાનસભા ભવન તથા રેડિયો-પ્રસારણ કેન્દ્ર આવેલાં છે. તેની પશ્ચિમે આશરે 32 કિમી. અંતરે હવાઈ મથક છે. એક જમાનામાં એપિયા આંતરરાષ્ટ્રીય સ્તરનું બંદર ગણાતું હતું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1914માં ન્યૂઝીલૅન્ડના લશ્કરે તેના પર કબજો કર્યો હતો. યુદ્ધ પછી શાસનાદિષ્ટ વિસ્તાર (mandated territory) તરીકે તે ન્યૂઝીલૅન્ડ પાસે રહ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્યાં અમેરિકાના નૌકાદળનું થાણું હતું. 1962 સુધી રાષ્ટ્રસંઘના વાલીપણા હેઠળ તેનો વહીવટ કરવામાં આવ્યો હતો. 1962માં તે સ્વતંત્ર થયું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે