એન. ઇબોબીસિંગ (જ. 13 એપ્રિલ 1921, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના નાટ્યકાર. તેમના નાટક ‘કરંગી મમ અમસુંગ કરંગી અરોઇબા યાહિપ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો વિધિસર અભ્યાસ 7 ધોરણ પૂરતો જ હતો, પણ તેમણે ખાનગી ધોરણે બંગાળી, હિંદી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 18 નાટકો, 3 નિબંધસંગ્રહો અને બીજાં અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ વિવિધ સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા અને નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા રહ્યા. 1975માં તેમણે ર્દષ્ટિ ગુમાવી. તેઓ શિક્ષક તરીકે નિવૃત્ત થયા અને શિક્ષણકાર્ય બદલ તથા નાટ્ય-દિગ્દર્શન બદલ તેમને મણિપુર રાજ્યનો એવૉર્ડ મળ્યો હતો. 1982માં તેમના સાહિત્યિક પ્રદાન બદલ રાજ્ય અકાદમીએ તેમને એવૉર્ડ આપ્યો હતો.
પ્રાચીન વિષયની સુસંગત કૌશલ્યપૂર્ણ નાટ્યસહજ માવજત; પ્રભાવક પાત્રચિત્રણ અને કાવ્યાત્મક ભાષાને કારણે તેમની પુરસ્કારપાત્ર નાટ્યરચના મણિપુરીની એક મહત્વની કૃતિ લેખાય છે.
મહેશ ચોકસી