એન્ફન્ત્સ દુ પેરાદી (ચિલ્ડ્રન ઑવ્ પેરેડાઇઝ) (1945) : દિગ્દર્શન- કલાના નમૂનારૂપ ફ્રેન્ચ ચલચિત્ર. દિગ્દર્શક : માર્સેલ કાર્ને. નિર્માતા : પાથે સિનેમા કંપની. પટકથા : ઝાક પ્રેવર્ટ, મોરિસ થિરેટ, જૉસેફ કૉસ્મા અને જી. મૉક્વે. અભિનયવૃન્દ : આર્લેટ્ટી (ગ્રેનેસ), ઝ્યાં લુઇ બારો (દેબ્ય્રુ), પિયરે બ્રાસ્સીયેર (ફ્રેડરિક લેમાત્રે), મારિયા કાસારિઝ (નાથાલી), માર્સેલ હેરાન્ડ (લાસેનેર), લુઈ સાલોં (કાતે એદુવાર્દ દી મોન્રે) પિયરે રેન્વા (જેરિકો).
ઓગણીસમી સદીના નાટ્યરસિક સમાજ અને રંગભૂમિનું રસસમૃદ્ધ વાતાવરણ આ કૃતિમાં વ્યક્ત થાય છે. પૅરિસની તત્કાલીન રંગભૂમિ પર જીવી ગયેલી ઐતિહાસિક કલાકાર ત્રિપુટી(ગ્રેનેસ, દેબ્યુ અને લેમાત્રે)ની પડદા પાછળની જિંદગીના લાગણીમય આંતરિક સંઘર્ષની પ્રબળ અભિવ્યક્તિ તે આ સિનેકૃતિનું હાર્દ છે. રંગભૂમિને વરેલા આ મુખ્ય અભિનેતા-પાત્રો પોતાના વ્યક્તિગત જીવનના સંઘર્ષથી ઉપર ઊઠીને પ્રેક્ષકો – જે તેમને મન સર્વેસર્વા છે – તેમને તેમની અપેક્ષા પ્રસ્તુત કરીને પોતાની આંતરિક વ્યથા કદીયે કળાવા દેતાં નથી. બદલામાં વળી ભોળા, નિખાલસ પ્રેક્ષકો (બાળકો) પોતાના લાડીલા અભિનેતાઓની આ સમર્પિત ભાવનાનો પડઘો પાડી તેમની અભિવ્યક્તિને ઉમળકાથી ઝીલતા રહે છે. વિવેચકોના કહેવા પ્રમાણે માર્સેલ કાર્નેની આ એકમાત્ર કૃતિ તેને વિશ્વકક્ષાના સિનેદિગ્દર્શક તરીકે પ્રસ્થાપિત કરવા માટે પૂરતી હતી. તે સમયના થિયેટરને અંજલિરૂપ આ ફિલ્મમાં ત્રણેય ઐતિહાસિક પાત્રો એક યુવતી ગારેન્સની પ્રીતિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હતાં; પરંતુ માનિની ગારેન્સને પુરુષોનું આધિપત્ય માન્ય ન હતું. ત્રણેય પુરુષોના પ્રેમનો અસ્વીકાર કરીને તે એક ઉમરાવની પ્રેયસી બની. આખરે અહમ્ ઘવાતાં લાસેનેર ઉમરાવનું ખૂન કરે છે.
આ ફિલ્મનું સર્જન થયું ત્યારે પૅરિસ નાઝીના કબજામાં હતું. આ ફિલ્મને પૂરી કરતાં બે વર્ષ લાગ્યાં હતાં. ગારેન્સ ફ્રાન્સનું પ્રતીક છે એમ જર્મન લોકોને લાગ્યું હોત તો આ ફિલ્મ ઉતારવાની મંજૂરી તેમણે આપી ન હોત. 19, માર્ચ 1945માં જ્યારે આ ફિલ્મ પ્રદર્શિત થઈ ત્યારે ફ્રાન્સ પર નાઝી લોકોનું આધિપત્ય ન હતું. શરૂઆતમાં આ ફિલ્મ 195 મિનિટની હતી; પરંતુ ત્યારબાદ 45 મિનિટ ઓછી કરીને તેની લઘુ આવૃત્તિ કરવામાં આવી.
ઉષાકાન્ત મહેતા
પીયૂષ વ્યાસ