એન્ડોર્ફિન અને એન્કિફેલિન : 5થી 31 ઍમિનોઍસિડવાળા શરીરમાં જ બનતા 10થી 15 (અંત:જનીય endogenous) અફીણાભ (opioids) પેપ્ટાઇડ અણુઓ. તે મૉર્ફિન કરતાં અલગ રાસાયણિક બંધારણ ધરાવે છે, પરંતુ અફીણાભ સ્વીકારકો (opioid receptors) સાથે સંયોજાઈને કોષમાં પ્રવેશે છે. તેમનાં ત્રણ મુખ્ય કાર્યો છે : (1) પીડાનાશન, (2) ચેતાવાહક (neurotransmitter) તરીકે અને (3) વર્તનમાં ફેરફાર. અગ્રપીયૂષિકા (anterier pituitary) ગ્રંથિમાં પ્રો. ઓપિયોમિલેનોકોર્ટિન(pomc)ના મોટા અણુના વિભાજનથી અધિવૃક્ક-બાહ્યક ઉત્તેજી અંત:સ્રાવ (adreno cortico trophic hormone, ACTH) તથા કૃષ્ણકોષ ઉત્તેજી અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) ઉત્પન્ન થાય છે, ત્યારે છૂટા પડતા ટુકડા રૂપે આલ્ફા, બિટા અને ગૅમા એન્ડોર્ફિન્સ બને છે. (જુઓ આકૃતિ તથા અંત:સ્રાવી ગ્રંથિતંત્ર.) અધિવૃક્ક (adrenal) ગ્રંથિનો અંત:સ્રાવ ઘટે (અલ્પઅધિવૃક્કસ્રાવતા, hypoadrenalism) તો કુશિંગ(cushing)નો રોગ થાય, નેલ્સનનું સંલક્ષણ થાય અથવા અગ્રપીયૂષિકાગ્રંથિ સિવાય અન્ય કોઈ સ્થળેથી (દા. ત. ફેફસાંનું કૅન્સર) અન્યસ્થાની (ectopic) ACTHનું ઉત્પાદન થાય ત્યારે બિટા એન્ડોર્ફિન્સનું ઉત્પાદન પણ વધે છે. તેથી તેનો કુશિંગના રોગમાં અર્બુદનિદર્શક (tumour masker) તરીકે ઉપયોગ કરાય છે. અગ્રપીયૂષિકાગ્રંથિ ઉપરાંત અધશ્ચેતકમાં બનતા એન્ડોર્ફિન્સ ચેતાપથો (neural tracts) દ્વારા પ્રસરીને મગજના યાદશક્તિ, લાગણીઓ અને શિક્ષણ સંબંધિત વિસ્તારોમાં કાર્યશીલ બને છે. તે પીયૂષિકાગ્રંથિમાં બનતા વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) પ્રોલેક્ટીન અને વાઝોપ્રેસિનનો પણ લોહીમાં પ્રવેશ વધારે છે.
અધિવૃક્ક-મધ્યક (adrenal medurla)ના ધૂલિરંજિત (chromaffin) કોષોમાં, એન્કિલેફિનનું ઉત્પાદન થાય છે. તે પીડાની સંવેદનાનું વહન કરતા કરોડરજ્જુનાં પૃષ્ઠશૃંગ (dorsal horn) વિસ્તારમાં પણ જોવા મળે છે. તે ધૂલરંજિતકોષાર્બુદ-(pheochromocytoma)ના કોષોમાંથી તથા અનુકંપી ચેતાતંત્રીય (sympathetic nervous) પ્રતિભાવ રૂપે અધિવૃક્ક-મધ્યકના કોષોમાંથી એડ્રિનાલિન અને નૉર-એડ્રિનાલિન સાથે લોહીમાં પ્રવેશે છે.
એન્ડોર્ફિન્સ અને એન્કિફેલિન્સ યાદશક્તિ, શિક્ષણ અને તાલીમ, ત્રસ્તતા (stress) સામેનો પ્રતિભાવ, પ્રજનન, પીડાસંવેદનાનું ચેતાઓ દ્વારા વહન, ભૂખ અને તાપમાનનું નિયમન, શ્વસનક્રિયાનું નિયમન છદ્મઔષધીય અસર (placebo effect), સૂચિછિદ્ર (accupuncture) વડે પીડાનું શમન, ત્રસ્તતાને કારણે ઋતુસ્રાવ થતો અટકી જાય તેવી સ્થિતિ (amenorrhoea), આઘાતની સ્થિતિનું સર્જન વગેરે અનેક શારીરિક ક્રિયાઓ અને સ્થિતિઓમાં મહત્વનું કાર્ય કરે છે. તેમની વિષમતાઓમાં વિચાર શાંત થવા (tranquilization), અકળાવું (irritation), ઉશ્કેરાટ, તોફાની વર્તન, મીણ જેવી સ્નાયુઅક્કડતા (catalepsy), અતિનિદ્રાવસ્થા (narcolepsy), અપક્રિયકી મનોવિચ્છેરણ (catatomia), ધૂમ્રપાનની ટેવ, મદ્યપાનની ટેવ તથા ઔષધનું વ્યસન જેવા વર્તનના વિકારો જોવા મળે છે એવું એક મંતવ્ય છે.
હસમુખ ચીમનલાલ મહેતા