એન્ડિઝ પર્વતમાળા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલી પર્વતમાળા. તૃતીય જીવયુગમાં દ. અમેરિકા ભૂમિખંડના અવિચળ પ્રદેશો(shields)ની પશ્ચિમ બાજુએ આવેલા ભૂનિમ્નવળાંક (geosyncline) ધરાવતા પ્રસ્તર ખડકોમાંથી ગેડ પર્વતોની એક વિશાળ શ્રેણી ઊંચકાઈ આવી અને ત્યારબાદ ક્રમશ: ઉત્ક્રાન્તિ પામી તે ‘એન્ડિઝ પર્વતમાળા’ આ પર્વતીય ક્ષેત્રના ઉત્થાન સાથે જ્વાળામુખીક્રિયા સંલગ્ન હોવાથી અહીં ઠેર ઠેર મૃત, સુષુપ્ત અને સક્રિય જ્વાળામુખીઓ જોવા મળે છે; એટલું જ નહિ, પણ અહીંનું ભૂસ્તર અસ્થિર અને નબળી રચના ધરાવતું હોવાથી અહીં વારંવાર ભૂકંપક્રિયાનો અનુભવ થાય છે. આ પહાડી પ્રદેશમાં ક્યાંક ક્યાંક સ્તરભંગ થવાથી ફાટખીણો (drift valleys) અને વિસ્તૃત ગર્તવિસ્તારો (troughs) પણ રચાયેલાં છે. વળી તેમાં અનેક પર્વતીય શાખાઓ કે ફાંટાઓ તેમજ પર્વતીય ગ્રંથિઓ(knots)ની રચનાઓ તથા તેમને સંલગ્ન આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશો પણ જોવા મળે છે. બોલિવિયાનો ઉચ્ચપ્રદેશ તેનું ઉત્તમ ર્દષ્ટાંત છે.
એન્ડિઝની ભવ્ય ગિરિમાળા દ. અમેરિકા ભૂમિખંડની પશ્ચિમ બાજુએ લગભગ 6,500 કિમી. લંબાઈના સળંગ પટ્ટામાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી છે. બોલિવિયાના ઉચ્ચપ્રદેશમાં તેની મહત્તમ પહોળાઈ 400 કિમી. જેટલી છે. આ ઉચ્ચપ્રદેશમાં સમુદ્રસપાટીથી 3,808 મીટરની ઊંચાઈએ મીઠું પાણી ધરાવતું વિશાળ ટીટીકાકા (Titicaca) સરોવર આવેલું છે. એન્ડિઝનાં મોટાભાગનાં શિખરો જ્વાળામુખી શંકુઓનાં બનેલાં છે. લગભગ પાંચ કિમી.ની ઊંચાઈને આંબી જતાં તેનાં અનેક ઉત્તુંગ શિખરો બારેમાસ હિમાચ્છાદિત રહે છે. આ પૈકીનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એકોન્કાગુઆ 7,021 મીટરની ઊંચાઈ ધરાવે છે.
અસમતળ ભૂપૃષ્ઠને લીધે એન્ડિઝમાં રેલવે અને સડકમાર્ગોનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં થયો છે. એન્ડિઝમાં આવેલાં અપ્રતિમ પ્રાકૃતિક ભૂમિર્દશ્યોનું સૌંદર્ય માણવા માટે તથા ભૂતકાળમાં અહીં પાંગરેલી ઇન્કા અને બીજી સંસ્કૃતિઓના અવશેષોના દર્શનાર્થે જગતભરના પ્રવાસીઓ આકર્ષાતા રહે છે. આ પર્વતમાળા નાનીમોટી અનેક નદીઓનું ઉદગમસ્થાન છે. અહીં નદીઓએ ઊંડી ખીણો અને કંદરાઓ કોતરી કાઢી છે. જળધોધ તથા જળપ્રપાત ધરાવતાં કેટલાંક સ્થળોએ જળવિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. પુષ્કળ જળસંપત્તિ અને વનસંપત્તિની સાથે સાથે આ પ્રદેશ ખનિજસંપત્તિની બાબતમાં પણ ઘણો સમૃદ્ધ છે. અહીં સોનું, ચાંદી, વેનેડિયમ, પ્લૅટિનમ, તાંબું, જસત, કલાઈ વગેરે કીમતી ધાતુઓ ઉપરાંત પેટ્રોલિયમ અને થોડાક પ્રમાણમાં કોલસો પણ મળી આવે છે.
બીજલ પરમાર