એન્ટેરો વિષાણુ (Entero-virus) : પિકાર્ના કુળના વિષાણુઓની એક પ્રજાતિ. આ વિષાણુઓ મનુષ્યના પાચનતંત્ર અને અન્ય ભાગને ચેપ લગાડે છે. આ વિષાણુઓનો વ્યાસ 20થી 30 ને.મી. જેટલો હોય છે. તેના પ્રભાવક (infective) કૅપ્સિડની રચના વીસ ફલકીય (icosahedral) હોય છે; જ્યારે તેના એકમો તરીકે આવેલા કૅપ્સોમિયરની સંખ્યા 32 જેટલી હોય છે. તેનો સંજનીન (genome) એક કુંતલાકાર આર. એન. એ.નો બનેલો હોય છે. તાપમાન સામાન્ય હોય અને પર્યાવરણનું pH 3થી 9 વચ્ચે હોય તેવા સંજોગોમાં તે સ્થિર રહે છે. એન્ટેરો વિષાણુઓમાં પોલિયોના વિષાણુ, કોકસસેકી વિષાણુ, ઇકો વિષાણુ વગેરેનો સમાવેશ થાય છે.
લકવાનો રોગ કરતા પોલિયોના વિષાણુઓ ઉનાળામાં મળમૂત્ર, થૂંક કે ગળફા દ્વારા ફેલાય છે. કોકસસેકી વિષાણુ મગજની ત્વચાનો સોજો પેદા કરીને લકવાનાં ચિહ્નો ઉત્પન્ન કરે છે. તે શ્વસનતંત્ર તેમજ નવજાત શિશુના હૃદયને ચેપ લગાડી શકે છે. ઇકોવિષાણુ પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે.
પ્રમોદ રતિલાલ શાહ