એન્ટૅમીબા (Entamoeba) : સાર્કોડિના (sarcodina) વર્ગનો અમીબા જેવો, અનિશ્ચિત આકારનો પ્રજીવ. તે પ્રચલન તેમજ ખોરાક ગ્રહણ કરવા ખોટા પગોનો ઉપયોગ કરે છે. પાચન કોષાંતરીય પ્રકારનું. પ્રજનન બે રીતે : (1) અલિંગી દ્વિભાજન અને કોષ્ઠનિર્માણથી અને (2) લિંગી-સંયુગ્મનથી. જીવનચક્ર દરમિયાન બે અવસ્થાઓ : (1) સક્રિય ટ્રૉપોઝૉઇટ (Tropozoite) અવસ્થા (આ અવસ્થામાં તે ખૂબ સંવેદનશીલ હોય છે.) અને (2) નિષ્ક્રિય કોષ્ઠાવસ્થા (પ્રતિકૂળ પરિસ્થિતિમાં, પ્રતિકાર કરે તેવી અવસ્થા). આમ બે પ્રકારની અવસ્થામાંથી પસાર થાય છે. અગત્યની પ્રજાતિઓમાં Entamoeba histolytica, E. coli, E. hartmanni અને E. gingivalis, એન્ટૅમીબા જિન્જિવાલિસ યજમાનના મુખમાં, જ્યારે અન્ય પ્રજાતિઓ આંતરડામાં જોવા મળે છે. એન્ટૅમીબા હિસ્ટોલિટિકા મનુષ્યમાં એમીબિક મરડાનો રોગ કરે છે. આ રોગ દૂષિત જળ, બગડેલો ખોરાક કે ગંદા હાથ દ્વારા ફેલાય છે અને મુખ વાટે યજમાનના શરીરમાં પ્રવેશે છે.
પ્રમોદ રતિલાલ શાહ