એન્જેલ, નૉર્મન (સર) (જ. 26 ડિસેમ્બર 1873, હોલબીચ, ઇંગ્લૅન્ડ; અ. 7 ઑક્ટોબર 1967, સરે, ઇનગ્લેન્ડ) : 1933માં શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર બ્રિટનના અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય શાંતિનો પુરસ્કર્તા. મૂળ નામ રાલ્ફ નૉર્મન લેન. અમેરિકાના લાંબા સમયના નિવાસ દરમિયાન દેશ દેશ વચ્ચે લોકોમાં પ્રવર્તતા ભ્રમ વિશે તે જાગ્રત થયા અને તેના આધારે તેમણે ‘ધ ગ્રેટ ઇલ્યૂઝન’ (1910) નામનું પુસ્તક લખ્યું, તે ઘણી ભાષાઓમાં અનુવાદિત થયું. વિવિધ દેશો વચ્ચેના વધતા જતા પરસ્પરાવલંબન દ્વારા લોકો એકમેક વચ્ચે પ્રવર્તતાં ખોટા ખ્યાલ, ભીતિ તથા પૂર્વગ્રહને છોડી દેશે એમ તે માનતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી(1914-18)નાં વર્ષોમાં શાંતિના ઘણા ચાહકો એન્જેલના આ અભિગમથી પ્રભાવિત થયા હતા. જાપાન અને ઇટાલીનાં આક્રમણનાં કૃત્યોને દરગુજર કરવાની બ્રિટિશ રૂઢિચુસ્ત પક્ષની નીતિ પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં પશ્ચિમના લોકશાહી દેશો વચ્ચે સંરક્ષણ જેવી બાબતો અંગે સહકારના તેઓ હિમાયતી હતા.
1931માં તેમને ‘નાઇટ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેવવ્રત પાઠક