એન્જિનિયર, હિંમતલાલ ધીરજરામ

January, 2004

એન્જિનિયર, હિંમતલાલ ધીરજરામ (જ. 1844, અમદાવાદ; અ. 30 સપ્ટેમ્બર 1922, અમદાવાદ) : અમદાવાદના ગૌરવસમા એલિસબ્રિજને બાંધનાર કુશળ એન્જિનિયર તથા રેલવે બૉર્ડના પૂર્વ સભ્ય. નાગર ગૃહસ્થ. તેમનું વતન રાજસ્થાન ડુંગરપુર જિલ્લાનું વાંસવાડા ગામ. પત્નીનું નામ જસબા. છ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. ત્યારબાદ માતાએ તેમનો ઉછેર કર્યો. મુંબઈ ઇલાકાના પુણે ખાતેની એન્જિનિયરિંગ કૉલેજમાંથી તે વિદ્યાશાખાની સ્નાતક પદવી મેળવ્યા બાદ ઓવરસિયર તરીકે સરકારી નોકરીમાં દાખલ થયા. સમય જતાં તેમણે એક્ઝિક્યુટિવ એન્જિનિયરના પદ સાથે પંચમહાલ અને અમદાવાદમાં કાર્ય કર્યું. એન્જિનિયર તરીકેની કારકિર્દી દરમિયાન પંચમહાલ, ખેડા અને ભરૂચ જિલ્લાઓના રસ્તાઓનું તથા ભરૂચનો ગોલ્ડન બ્રિજ, અમદાવાદની સરકારી કચેરીઓના કેટલાંક મકાનો ઉપરાંત ગુજરાત કલબનું મકાન, ગુજરાત કૉલેજનું મકાન, સાબરમતી જેલ, અમદાવાદ રેલવે સ્ટેશન પાસેની ભાઈશંકર ધર્મશાળાનું મકાન તથા શાહીબાગની કેટલીક ઇમારતોનું બાંધકામ તેમની દેખરેખ હેઠળ સંપન્ન થયેલું. અમદાવાદ-ધોળકા વચ્ચેનો પહેલોવહેલો રેલમાર્ગ પણ તેમની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલો. ગુજરાત ઉપરાંત બંગાળ જેવા પ્રાંતમાં પણ રેલમાર્ગો તથા સ્ટેશનો બાંધવાનાં કામકાજ પર તેમણે દેખરેખ રાખેલી; દા. ત., જાણીતા ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈની ભાગીદારીમાં તેમણે ખુલના રેલવે ઊભી કરી, જે માર્ગ પર આજે પણ ત્યાં રેલગાડીઓ દોડતી હોય છે. બાંધકામની ગુણવત્તા કે મજબૂતાઈ ઉપરાંત કરકસર દ્વારા સોંપેલ બાંધકામ પૂરું કરવા પર તેઓ ખાસ ભાર મૂકતા હતા; દા. ત., અમદાવાદના એલિસબ્રિજના બાંધકામના રૂપિયા પાંચ લાખના મૂળ અંદાજની સામે રૂપિયા દોઢ લાખની બચત કરી તે રકમ અમદાવાદની નગરપાલિકામાં જમા કરવવાનું પ્રશંસનીય કામ તેમણે કરી બતાવ્યું હતું. તેમની એકંદર કારકિર્દીની કદર રૂપે તેમને જૂન, 1893માં ભારતના તત્કાલીન વાઇસરૉય અને ગવર્નર જનરલ દ્વારા ‘રાવબહાદુર’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો તથા એલિસબ્રિજથી ટાઉન હૉલ સુધીના માર્ગને ‘એન્જિનિયર હિંમતલાલ ધીરજરામ માર્ગ’ નામ આપવામાં આવ્યું.

હિંમતલાલ ધીરજરામ એન્જિનિયર

તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. તેમણે તત્કાલીન મુંબઈ ઇલાકાના બાંધકામ ખાતામાં સતત વીસ વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ભારતના રેલવે બૉર્ડમાં પણ તેમની નિમણૂક થઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે