એધા : વનસ્પતિના પ્રાથમિક દેહનિર્માણ તરફ દોરી જતા પેશીઓના આનુક્રમિક પરિપક્વન દરમિયાન પ્રાગ્-એધા(procambium)નો રહી જતો અવિભેદિત (undifferentiated) ભાગ. આ અવિભેદિત ભાગ વાહીપુલ(vascular bundle)માં અન્નવાહક (phloem) અને જલવાહક (xylem) પેશીની વચ્ચે આવેલો હોય છે. તેને પુલીય એધા (fascicular cambium) કહે છે. આ કોષો વર્ધનશીલ (meristematic) હોય છે અને વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે.
પુલીય એધા બે પ્રકારના કોષો ધરાવે છે : (1) અણીદાર છેડાવાળા ત્રાકાકાર લાંબા કોષો, જેમને ત્રાકાકાર આરંભિકો (fusiform initials) કહે છે, અને (2) તુલનામાં નાના અને સમવ્યાસી (isodiametric) કોષો, જેમને કિરણ-આરંભિકો (ray initials) કહે છે. ત્રાકાકાર આરંભિકો અંગના લંબ અક્ષને સમાંતરે ગોઠવાતી દ્વિતીયક પેશીઓ ઉત્પન્ન કરે છે અને લંબવર્તી તંત્ર બનાવે છે. આ લંબવર્તી તંત્રમાં જલવાહક તંતુઓ (fibres), મૃદુતકો (parenchyma) અને ચાલની-નલિકાઓ (sievetube), સાથી કોષો (companion cells) જેવાં વાહક તત્ત્વો(tracheary elements)નો સમાવેશ થાય છે. તે બહારની બાજુએ દ્વિતીય અન્નવાહક પેશીનું અને અંદરની બાજુએ દ્વિતીય જલવાહક પેશીનું નિર્માણ કરે છે. કિરણ-આરંભિકો કિરણ-મૃદુતકો ઉત્પન્ન કરે છે, જેમને અન્નવાહક કિરણો (phloem rays) અને જલવાહક કિરણો (xylem rays) કહે છે. તેઓ ક્ષૈતિજ (horizontal) તંત્ર બનાવે છે.
મજ્જા-કિરણો(medullary rays)ના પુલીય એધાના સમતલમાં રહેલા જીવંત મૃદુતકીય કોષોમાં કોષવિભાજનની ક્ષમતા જળવાયેલી હોય છે અને તેઓ તેમની વર્ધનશીલ પ્રકૃતિને પુન: પ્રાપ્ત કરી એધાની પટ્ટીઓ બનાવે છે. તેને આંતરપુલીય (interfascicular) એધા કહે છે. આ આંતરપુલીય એધા પુલીય એધા સાથે જોડાઈ સ્પષ્ટ અને સળંગ એધાવલય (cambium ring) બનાવે છે.
એધા મૂળભૂત રીતે એક જ સ્તરની જાડાઈ ધરાવે છે; પરંતુ એધાના કોષોની સક્રિય વૃદ્ધિ દરમિયાન તેઓ અને નિકટતમ વ્યુત્પન્ન કોષો એધા-પ્રદેશ (cambium zone) બનાવે છે. આ પ્રદેશમાં એધાના કોષો અને તેમના નિકટતમ વ્યુત્પન્ન કોષો ઓળખી શકાતા નથી. સ્પર્શીય (tangential) ર્દશ્યમાં કોષોની ગોઠવણીને આધારે એધાના બે પ્રકાર છે : (1) સ્તરિત એધા (storied cambium) – આ પ્રકારની એધાના કોષો ક્ષૈતિજ સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. આ ત્રાકાકાર આરંભિકો નાના હોય છે અને એક સ્તરના કોષોના છેડાઓ બીજા સ્તરના કોષો સાથે વધતે-ઓછે અંશે એક સમતલમાં ગોઠવાયેલા હોય છે. (2) સ્તરરહિત એધા (non-storied cambium) આ એધાના કોષો લાંબા હોય છે અને તેઓ ક્ષૈતિજ સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. તેમના છેડાઓ એકબીજા સાથે આચ્છાદિત થતા હોય છે. ઉચ્ચ કક્ષાની દ્વિદળી વનસ્પતિઓમાં એધા સ્તરિત હોય છે.
એધાના કોષો સ્પર્શીય તલમાં વિભાજાય છે અને બહારની અને અંદરની બાજુએ અનુક્રમે દ્વિતીય અન્નવાહક અને દ્વિતીય જલવાહક પેશી ઉમેરાય છે. એધાનો કોષ વિભાજન પામી બે દુહિતૃકોષો ઉત્પન્ન કરે છે. તે પૈકી એક કોષ તેના સ્થાનને અનુલક્ષીને અન્નવાહક માતૃકોષ (phloem mother cell) કે જલવાહક માતૃકોષ (xylem mother cell) તરીકે વર્તે છે અને બીજો કોષ વર્ધનશીલ રહે છે. અન્નવાહક માતૃકોષ દ્વિતીય અન્નવાહક તત્વમાં અને જલવાહક માતૃકોષ દ્વિતીય જલવાહક તત્વમાં વિભેદન પામે છે. સામાન્ય રીતે એધા દ્વિતીય અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહક પેશી ઘણી વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. દ્વિતીયક પેશીઓના નિર્માણને કારણે પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક પેશી ક્રમશ: એકબીજીથી દૂર ધકેલાય છે.
વિકાસની ષ્ટિએ એધા મધ્યરંભ (stele) અને બાહ્યક(cortex)ના પ્રદેશમાં ઉત્પન્ન થાય છે. મધ્યરંભમાં ઉત્પન્ન થતી એધાને રંભીય એધા કહે છે અને તેના દ્વારા થતી દ્વિતીય વૃદ્ધિને રંભીય દ્વિતીય વૃદ્ધિ કહે છે; જ્યારે બાહ્યકમાં ઉત્પન્ન થતી એધાને ત્વક્ષૈધા (corkcambium) કહે છે અને તેના દ્વારા થતી દ્વિતીય વૃદ્ધિને રંભબાહ્ય (extrastelar) દ્વિતીય વૃદ્ધિ કહે છે.
ત્વક્ષૈધા દ્વિતીયક પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે, જે સામાન્યત: બાહ્યકમાં ઉત્પન્ન થાય છે. તેના કોષો આડા છેદમાં લંબચોરસ અને ચપટા દેખાય છે; અને ઊભા છેદમાં લાંબા અને અનિયમિત આકારના હોય છે. કોષોની દીવાલ પાતળી હોય છે. કોષરસધાનીઓ જુદા જુદા કદની હોય છે; જે ઘણી વાર હરિતકણો અને ટૅનિન પણ ધરાવે છે. બાહ્યકના આ મૃદુતકીય કોષો વર્ધનશીલ ગુણધર્મ પુન: પ્રાપ્ત કરે છે અને વિભાજન-ક્ષમતા ધારણ કરે છે.
મોટાભાગની વનસ્પતિઓમાં આ ત્વક્ષૈધાનું નિર્માણ બાહ્યકના કોષોમાં થાય છે; દા. ત., જાંબુ અને પીલુડી. લીમડો, કરેણ, બારમાસી અને સાગમાં ત્વક્ષૈધાનું નિર્માણ અધિસ્તરમાંથી; Paederia foetidaમાં અંત:સ્તરમાંથી; દાડમ અને મોરવેલમાં પરિચક્રમાંથી અને દ્રાક્ષમાં અન્નવાહક પેશીના બહારના કોષોમાંથી થાય છે.
ત્વક્ષૈધાના કોષો સ્પર્શીય તલમાં વિભાજન પામી અંદરની બાજુએ વધારે પ્રમાણમાં દ્વિતીયક બાહ્યકના મૃદુતકીય કોષો ઉત્પન્ન કરે છે. આ પેશીને ઉપત્વક્ષા (phelloderm) પણ કહે છે. આ કોષો આંતરકોષીય અવકાશોવાળા હોય છે અને કેટલીક વાર હરિતકણો ધરાવે છે. ત્વક્ષૈધા બહારની તરફ ઓછા પ્રમાણમાં કોષો ઉત્પન્ન કરે છે. તેમની કોષદીવાલોમાં સ્યુબેરિનનું સ્થાપન થાય છે. તેઓ રક્ષણાત્મક અને અપારગમ્ય ત્વક્ષાનું નિર્માણ કરે છે. ત્વક્ષા, ત્વક્ષૈધા અને ઉપત્વક્ષા સંયુક્તપણે જે રચના બનાવે છે, તેને બાહ્યવલ્ક કહે છે.
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ