એડા ઑગસ્ટા બાયરન (જ. 10 ડિસેમ્બર 1815, લંડન; અ. 27 નવેમ્બર 1852, લંડન) : પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી અને પ્રથમ કમ્પ્યૂટર ઑપરેટર. કવિ લૉર્ડ બાયરનની પુત્રી. ગણિતના ક્ષેત્રમાં ઘણી મહિલાઓએ પ્રદાન કર્યું છે તેમાં એડા બાયરનનો સમાવેશ કરી શકાય. તેમનો જન્મ થયો ત્યારે કવિ બાયરનના હૃદયમાંથી કાવ્યપંક્તિઓ સરી પડી : ‘મારા ગૃહ અને હૃદયની એક માત્ર પુત્રી, મારી સુંદર બાળકી એડા ! તારી અને તારી માતાની મુખાકૃતિમાં કેટલું બધું સામ્ય છે :’ તેમની માતા એના ઇસાબેલા મિલબાનકે હતાં. તેમનો જન્મ થયો તે અગાઉ તેમની માતા, તેમના પિતાથી અલગ થઈ ગયાં હતાં. તેમના પિતાએ પુત્રીને પોતાની સાથે રાખવાનો આગ્રહ સેવ્યો નહિ; આથી પુત્રીનું ઘડતર તેમની માતાએ કર્યું. તેમની માતા ખૂબ કડક સ્વભાવનાં હતાં. નાનપણમાં એડા બહુ બીમાર રહેતાં હતાં, તેમની માતાને ગણિત પ્રત્યે લગાવ હતો તેથી કવિ બાયરન તેમને ગમ્મતમાં સમાંતરબાજુ ચતુષ્કોણી સમ્રાજ્ઞી (princess of parallelogram) કહેતા. માતાની ગણિત પ્રત્યેની અભિરુચિને કારણે તેમને ગણિતમાં અભ્યાસ અને સંશોધન કરવાની ઇચ્છા થઈ.
તેમની ઉંમર સત્તર વર્ષની થઈ ત્યારે વિખ્યાત ગણિતી ચાર્લ્સ બબેજ સાથે તેમની મુલાકાત થઈ; પરિણામે એડાને બબેજ પ્રત્યે આકર્ષણ થયું અને તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તે વખતે બબેજ 41 વર્ષના અને એડા 17 વર્ષનાં હતાં. બંને વચ્ચે વયનો તફાવત લગભગ ચોવીસ વર્ષનો હતો. બબેજે ઍનાલિટિક-એન્જિન એટલે કે પ્રથમ ગણનયંત્ર બનાવ્યું હતું, પરંતુ કારખાનામાં તેનું ઉત્પાદન કરવામાં ગૂંચ ઊભી થઈ અને તે પ્રૉજેક્ટ પૂર્ણ થઈ શક્યો નહિ. આમ છતાં રચનાના સિદ્ધાંત સ્થાપિત કરવામાં તેઓ સફળ થયા.
ચાર્લ્સ બબેજે એડાને ગણનયંત્રની કાર્યશક્તિ અને મર્યાદા અંગે લખવાનું સોંપ્યું. 1843માં ‘ટેપલર્સ સાયન્ટિફિક મેમોઇર્સ’માં એડાએ સાત લેખની શ્રેણીમાં તે રજૂ કર્યું. વળી કમ્પ્યૂટરની કાર્યપ્રણાલી અંગે સમજણ આપતી લેખમાળા પણ તેમણે લખી. થોડાં વર્ષ બાદ સાડત્રીસ વર્ષની વયે કૅન્સરની બીમારીથી તેમનું અકાળ અવસાન થયું.
તેમના અવસાન બાદ ઘણાં વર્ષ પછી 1980માં તેમની 165મી વર્ષગાંઠના સમયે યુ.એસ.ના સંરક્ષણ વિભાગ તરફથી કમ્પ્યૂટરની ઉચ્ચકક્ષાની ભાષા રચવામાં આવી. આ ભાષાનું નામ તેમના માનમાં ‘એડા’ આપવામાં આવ્યું.
શિવપ્રસાદ મ. જાની