એડલજી ડાયના ( જ. 26 જાન્યુઆરી 1956, મુંબઈ) : મહિલાક્રિકેટનાં પ્રણેતા અને વહીવટકર્તા.

એડલજી ભારતીય મહિલાક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન અને દેશની સર્વકાલીન શ્રેષ્ઠ ડાબોડી સ્પિન બૉલરોમાંની એક છે. એક ખેલાડી, કૅપ્ટન અને વહીવટકર્તા તરીકેની તેમની સિદ્ધિઓ દ્વારા, તેમણે ભારતમાં મહિલાક્રિકેટના વિકાસ અને પ્રોત્સાહનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જન્મ એક પારસી પરિવારમાં થયો હતો. નાનપણમાં ડાયના તેમના રહેઠાણ રેલવે કૉલોનીમાં ટેનિસ બૉલથી ક્રિકેટ રમતાં હતાં. વળી, શરૂઆતમાં, તેણે જુનિયર રાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબૉલ અને ટેબલ ટેનિસમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાદમાં તેણે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ક્રિકેટર લાલા અમરનાથ દ્વારા આયોજિત તાલીમ શિબિરમાં હાજરી આપ્યા પછી ડાયનાના ક્રિકેટકૌશલ્યમાં નોંધપાત્ર સુધારો થયો, આ કારણે તેની કારકિર્દીને નવો આકાર મળ્યો .

ડાયના એડલજીએ 1976માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મૅચમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને છેક 1993 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યાં હતાં. ડાયના એડલજીએ 20 ટેસ્ટ મૅચ અને 34 વનડે ઇન્ટરનેશનલ (ODI) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 63 વિકેટ અને વનડેમાં 46 વિકેટ લીધી. ડાયના એડલજી ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ મહિલા વનડે કૅપ્ટન પણ હતાં. તે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બૉલ ફેંકવાનો રેકૉર્ડ પણ ધરાવે છે અને 100થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટો સાથે તેની કારકિર્દીનો અંત કર્યો હતો, તે નિવૃત્તિ સમયે એક મહિલાક્રિકેટર માટે સૌથી વધુ હતો. બિનસત્તાવાર રીતે, એડલજી 100 મહિલા ‘ટેસ્ટ વિકેટ’ લેનાર પ્રથમ બૉલર બન્યાં હતાં, પરંતુ આમાંથી કેટલીક ટેસ્ટ મૅચોને પાછળથી બિનસત્તાવાર ગણવામાં આવી હતી. તે પ્રથમ ભારતીય મહિલાક્રિકેટર હતી જેમને બેનિફિટ મૅચ આપવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને બીસીસીઆઈ વહીવટી પૅનલમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.

ડાયના એડલજીને ભારતીય રમતગમતમાં તેમના યોગદાન માટે અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે: જેમ કે ક્રિકેટમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે અર્જુન ઍવૉર્ડ (1983), અને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનો એક – પદ્મશ્રી (2002), તદ્ઉપરાંત 2023 માં આઈસીસી ક્રિકેટ હૉલ ઑફ ફેમ – સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલાખેલાડી બન્યાં.

આમ, ડાયના એડલજીની કારકિર્દી સમર્પણ, હિંમત અને નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે

ત્રિલોક સંઘાણી