એડનનો અખાત (Gulf of Aden) : અરબી સમુદ્ર અને રાતા સમુદ્રને સાંકળતું ઊંડા જળનું થાળું. તે અરબ દ્વીપકલ્પ અને ઈશાન આફ્રિકાના ઈશાન ભાગ સોમાલિયાને જુદાં પાડે છે. ભૌગોલિક સ્થાન : તે 12o 00¢ ઉ. અ. અને 48o 00¢ પૂ. રે.ની આજુબાજુનો આશરે 5,30,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-ઈશાન – પશ્ચિમ-નૈર્ઋત્ય (ENE – WSW) લંબાઈ 1,480 કિમી. જ્યારે આફ્રિકાને કાંઠે આવેલી ગ્વાર્ડાફુઇ ભૂશિર અને અરબ દ્વીપકલ્પને છેડે આવેલા રાસ ફાર્તાક વચ્ચેની પહોળાઈ આશરે 480 કિમી. જેટલી છે. તેનું ઉત્તર-દક્ષિણ સીધું અંતર સ્થાનભેદે 260થી 320 કિમી. જેટલું તથા પૂર્વ-પશ્ચિમ સીધું અંતર 885 કિમી. જેટલું છે. એડનના અખાત અને રાતા સમુદ્ર વચ્ચે સેતુ સમાન બાબ-અલ-માંડબની સામુદ્રધુની આવેલી છે. અખાતની ઉત્તરે કુરિયા-મુરિયા ટાપુસમૂહ તથા દક્ષિણે સોકોત્રાનો ટાપુ આવેલા છે. અખાતમાં તળભાગ પર શેબા ડુંગરધાર નિર્માણ પામેલી છે, જે હિન્દ મહાસાગર સુધી વિસ્તરેલી છે. વળી અહીં ઈશાન-નૈર્ઋત્ય દિશાકીય સ્તરભંગો તથા 5,360 મીટરની ઊંડાઈ ધરાવતી અલઉલા ફર્તાક નામની સમુદ્રખાઈ પણ છે. આ ઉપરાંત, ડુંગરધારોની સાથે સાથે તજુર (Tadjoura) ખીણ પણ તૈયાર થયેલી છે. આ અખાતી પ્રદેશનો ભૂકંપને પાત્ર વિસ્તારમાં સમાવેશ થાય છે.
અરબ દ્વીપકલ્પની નદીઓએ આ અખાતને કાંઠે કથ્થાઈ, લીલા અને રાખોડી રંગના પંકભૂમિના થર તૈયાર કર્યા છે. આ અખાત ઉષ્ણકટિબંધના વિસ્તારમાં આવતો હોવા છતાં તાપમાન મધ્યમસરનું રહે છે. નવેમ્બરથી માર્ચ તથા મેથી સપ્ટેમ્બર દરમિયાન અહીંનું તાપમાન અનુક્રમે 25oથી 28o સે. અને 25oથી 31o સે. જેટલું રહે છે. અખાતમાં બાષ્પીભવનની ક્રિયા વધુ થતી હોવાથી ફૂંકાતા પવનો દ્વારા કિનારાના વિસ્તારમાં ક્ષારીય કણોની નિક્ષેપક્રિયા થાય છે, પરિણામે કિનારાપટ્ટીની ભૂમિમાં ક્ષારતાનું પ્રમાણ અધિક જોવા મળે છે.
રાતા સમુદ્રમાંથી ભૂમધ્ય સમુદ્ર તરફ જતાં તેલવાહક જહાજોની હેરફેર આ અખાત મારફત થાય છે. એશિયા-આફ્રિકા-યુરોપ વચ્ચે થતો મોટાભાગનો વેપાર પણ આ અખાત દ્વારા થાય છે.
આ અખાતમાં વિવિધ પ્રકારના સમુદ્રજીવોનું પ્રમાણ પણ વિશેષ છે. અહીં ખાસ કરીને ડૉલ્ફિન, ટ્યુના, બીલીફિશ, શાર્ક જેવી માછલીઓ અને ક્યારેક વહેલ જોવા મળે છે. કાંઠા પરના ખડકાળ ભાગોમાં ઘણાં કરચલાં જોવા મળે છે. આ કારણે અહીંનાં બંદરો પર માછલાંનો વેપાર મોટા પાયા પર થાય છે.
એડનના અખાતનો ઉત્તર કિનારો યૅમૅન હસ્તક છે. ત્યાં એડન તથા અલ-મુકલ્લા જેવાં બંદરો આવેલાં છે. દક્ષિણ કિનારો સોમાલિયા હસ્તક છે. ત્યાં બેરબેરા બંદર આવેલું છે. પશ્ચિમ તરફ જિબોટી મહત્વનું બંદર છે. 1869માં સુએઝ નહેર ખુલ્લી મુકાયા પછી આ અખાતનું મહત્વ વધ્યું છે.
મહેશ મ. ત્રિવેદી
નીતિન કોઠારી