એટના (Etna) : સિસીલી ટાપુ(ઇટાલી)ના પૂર્વભાગમાં આવેલો દુનિયાનો ખૂબ જ જાણીતો સક્રિય જ્વાળામુખી. ભૌગોલિક સ્થાન : 37o 46′ ઉ. અ. અને 15o 00′ પૂ. રે.. ભૂમધ્ય સમુદ્રમાં સિસીલી ટાપુના પૂર્વ કિનારા પરના કૅટાનિયા શહેરથી તે વાયવ્યમાં આવેલો છે. સિસીલીના લોકો તેને મોંજિબેલો (Mongibello) નામથી તથા આરબો તેને ‘જેબેલ અલ્લામત’ (Jebel Ullamat) નામથી ઓળખે છે. ગ્રીક ભાષાના ‘એઇટને’ (Aitne) ઉપરથી આ શબ્દ ઊતરી આવેલો છે, તેનો અર્થ ‘હું સળગું છું’ (I burn) એવો થાય છે.
આ સક્રિય જ્વાળામુખીની ઊંચાઈ 3,323 મીટર છે, વારંવાર થતાં રહેતાં પ્રસ્ફુટનો તેમજ ઘસારાને કારણે તેની ઊંચાઈ વધતી-ઓછી થતી રહે છે. 1865માં તે 3,361 મીટરની હતી, પરંતુ 1900માં તે ઘટીને 3,262 મીટર થયેલી. તેના તળભાગનો વ્યાસ 40 કિમી., પરિઘ 160 કિમી. અને ક્ષેત્રફળ લગભગ 1,600 ચોકિમી. છે. તેનો પૂર્વ છેડો ભૂમધ્ય સમુદ્રના કિનારાને સ્પર્શે છે.
ઉપલબ્ધ જાણકારી મુજબ, આ જ્વાળામુખી પ્લાયો-પ્લાયસ્ટોસીન(આશરે 25 લાખ વર્ષ)થી સક્રિય છે. વર્તમાન પરિસ્થિતિમાં આ જ્વાળામુખીને બે મુખ છે, જ્યારે જ્યારે તે સક્રિય બને છે ત્યારે આ બંને જ્વાળામુખો દ્વારા લાવા બહાર નીકળે છે.
ઈ. સ. પૂર્વે 700માં અહીં પ્રસ્ફુટન થયું હોવાની નોંધ મળે છે. ત્યારપછી ઓછામાં ઓછાં 260 જેટલાં પ્રસ્ફુટનો થયાં હોવાના ઉલ્લેખો પણ મળે છે, તે પૈકીનાં કેટલાંક વિસ્ફોટક પ્રસ્ફુટનો પણ થયેલાં. ઈ. પૂર્વે 475માં કવિ હેસિયોડ તેમજ ગ્રીક કવિઓ પિન્ડાર અને ઇસ્કિલસે પણ તેનાં પ્રસ્ફુટનોની નોંધ લીધેલી છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 14 વખત પ્રસ્ફુટન થયાં હોવાની નોંધ પણ મળે છે. વાસ્તવમાં ઈ. પૂ. 1500થી ઈ. સ. 1669ના સમયગાળામાં આ જ્વાળામુખીનાં પ્રસ્ફુટનો અવારનવાર ચાલુ રહેલાં. છેલ્લે 18મી સદીમાં 16, 19મી સદીમાં 19 અને 20મી સદીમાં 15 પ્રસ્ફુટનો થયેલાં છે. કેટલાંક પ્રસ્ફુટનોમાંથી ઢોળાવો પર તો કેટલાંકમાંથી (1381, 1669 અને 1852 વખતે) સમુદ્રજળમાં લાવાપ્રવાહો ઠલવાયા છે. આ પૈકીનું પ્રચંડ પ્રસ્ફુટન 1669ના 11 માર્ચથી 15 માર્ચ દરમિયાન થયેલું. તે સમયે તેની સાથે ભૂકંપ પણ થયેલો, જેને પરિણામે આશરે 20,000 લોકોનાં મોત થયેલાં. આ સંયુક્ત કુદરતી હોનારતથી કૅટાનિયા શહેરની પશ્ચિમે આવેલાં ડઝનબંધ ગામડાં નાશ પામેલાં. આ દરમિયાન આશરે 83 કરોડ ઘનમીટર જેટલો લાવા નીકળ્યો હોવાનો અંદાજ મુકાયેલો છે. નિકોલોસી શહેરમાં ફાટ પડવાથી લાવા સાથે ખડકટુકડા, રેતી અને રાખ ઠલવાયાં હતાં; શંકુ આકારની ટેકરી રચાયેલી, તેને મૉન્ટી રૉસી (Monti Rossi) નામ અપાયેલું. તે વખતે ઊંચાઈમાં 50 મીટરનો વધારો નોંધાયો હતો. 1669થી 1900ના સમયગાળામાં લાવાના પ્રવાહને ગામડાંથી દૂર લઈ જવા માટે ત્યાંના નાગરિકોએ 26 કરતાં પણ વધુ વખત પ્રયાસ કર્યો હતો. વીસમી સદીમાં 1908, 1911, 1918, 1923, 1928, 1942, 1947, 1949, 1950, 1951, 1955, 1960, 1971, 1983 અને 1989(5 સપ્ટેમ્બર)માં પ્રસ્ફુટનો થયેલાં. 1911 અને 1918માં બંને વખત બબ્બે પ્રસ્ફુટનો થયેલાં. 1923ના મે માસમાં નીકળેલા લાવા-પ્રવાહોથી સેરો અને કૅટેના ગામો તારાજ થયેલાં. 2021ના જુલાઈ માસની 2જી તારીખે પ્રસ્ફુટન થવાથી પારાવાર નુકશાન થયું હતું. લાવાથી નવાં શિખરો રચાયેલાં, તે પૈકીના વધુ ઊંચાઈવાળા શિખરને મૉન્ટે વિટોરિયો એમેન્યુલ III નામ અપાયેલું. 1928ના પ્રસ્ફુટનથી માસ્કલી ગામ સળગીને નાશ પામેલું. કૅટાનિયા અને મૅસિના વચ્ચેના રેલ-સડકમાર્ગો તારાજ થઈ ગયેલા. આ પ્રસ્ફુટન દરમિયાન લાવાપ્રવાહથી એટનાને ફરતો ¼ કિલોમિટરનો ભાગ અસર પામેલો. 1950 અને 1951માં અનેક નગરો તારાજ થઈ ગયેલાં. 1960ના ભયંકર પ્રસ્ફુટન દરમિયાન એટનાની પૂર્વ બાજુએ કોટર પડી ગયેલું. 1971માં અનેક ગામડાં, બગીચા અને દ્રાક્ષની વાડીઓ નાશ પામ્યાં હતાં. વસંતઋતુમાં થયેલા આ પ્રસ્ફુટનથી ટોચ નજીકની વેધશાળાનો પણ નાશ થયેલો.
વારંવારનાં પ્રસ્ફુટનોને કારણે શંકુઓ અને જ્વાળામુખોના સમૂહો રચાતા રહે છે, ઢોળાવો પર લાવાનાં આવરણો તથા અન્ય જ્વાળામુખી-દ્રવ્યો ઠલવાતાં રહે છે. કૅટાનિયાથી નિકોલોસી થઈને તેના દક્ષિણ ઢોળાવ મારફતે ઉપર રહેલા સક્રિય જ્વાળામુખ પર પગપાળા કે ખચ્ચર ઉપર બેસીને જઈ શકાય છે. 34 કિમી.નો આ માર્ગ 1,880 મીટરની ઊંચાઈ પર જતાં પૂરો થઈ જાય છે. ઉપલા ઢોળાવો ખુલ્લા, ખડકાળ અને ઉજ્જડ છે; પરંતુ નીચાણવાળા ભાગો જ્વાળામુખીજન્ય ફળદ્રૂપ જમીનોવાળા હોવાથી ત્યાં ફળો, શાકભાજી અને અન્ય પાકોની ઊપજ આપે છે.
આયોનિયન સમુદ્ર પરથી દેખાતો તેના પૂર્વ ઢોળાવનો ભાગ સુંદર ર્દશ્ય ઊભું કરે છે. ઉનાળાના ઉત્તરાર્ધગાળા સિવાય વર્ષના બાકીના સમય દરમિયાન હિમાચ્છાદિત રહેતાં શિખરો, તેના ઢોળાવો પર ઊગી નીકળેલાં જંગલો, તળેટી વિસ્તારમાં વિકસાવેલી ફળની અને દ્રાક્ષની વાડીઓ તેમજ નારંગીનાં વૃક્ષોની હારને કારણે તે ભવ્ય અને રળિયામણો લાગે છે. આ ઉપરાંત, તેની આજુબાજુનો ભૂમિવિસ્તાર સિસીલીની ગીચ વસ્તીથી ઘેરાયેલો છે. કૅટાનિયા, ઍસિરિયલ તેમજ અન્ય 63 ગામડાં તેની તદ્દન નજીક આવેલાં છે. આ વિભાગ દુનિયાની ગીચ વસ્તીવાળા પ્રદેશો પૈકીનો એક ગણાય છે. અવરજવરની સુવિધા માટે કૅટાનિયાથી પર્વત ફરતે રેલમાર્ગની વ્યવસ્થા કરેલી છે.
પરિસ્થિતિવિજ્ઞાનની ર્દષ્ટિએ પર્વતારોહકો એટનાને ત્રણ વિભાગમાં વહેંચે છે : (1) વધુ ઊંચાઈ ધરાવતો વિભાગ, (2) ગીચ વનસ્પતિ વિભાગ અને (3) ઢોળાવવાળો વિભાગ.
ઢોળાવવાળો વિસ્તાર પ્રમાણમાં વધુ ફળદ્રૂપ છે. એ દ્રાક્ષની વાડીઓ અને ઑલિવની ખેતી તેમજ બગીચાઓ માટે ઉત્તમ ગણાય છે. કૅટાનિયા શહેર વધુ ગીચતાવાળું શહેર છે. ઢોળાવો પરનાં જંગલોમાં ચેસ્ટનટ, બીચ, પાઇન તથા ઓકનાં વૃક્ષો જોવાં મળે છે. 2,200 મીટરની ઊંચાઈએ રાખ અને રેતીનું પ્રમાણ વિશેષ છે.
ઓગણીસમી સદીના મધ્યમાં એટનાનો પદ્ધતિસરનો અભ્યાસ કરવામાં આવેલો. આ જ્વાળામુખીના ઢોળાવો પર ત્રણ વેધશાળાઓ ઊભી કરવામાં આવેલી છે, જે કૅટાનિયા, કાસા એટેના અને કૅન્ટોનીરામાં આવેલી છે.
નીતિન કોઠારી
ગિરીશભાઈ પંડ્યા