એઝૉવ સમુદ્ર : રશિયાની દક્ષિણે આવેલો કાળા સમુદ્રનો ઉત્તર તરફનો ફાંટો. આટલાંટિક મહાસાગરના તટપ્રદેશનો અંત:સ્થલીય ખીણનો તે સમુદ્ર છે. કર્ચ સામુદ્રધુની પાસે કાળા સમુદ્રને તે મળે છે. સ્થાનિક પ્રજા તેને ‘mother of waters’ તરીકે ઓળખે છે. વિશ્વના અન્ય સમુદ્રોની સરખામણીમાં આ સમુદ્ર છીછરામાં છીછરો છે, જેને કારણે મોટા કદનાં વહાણોની અવરજવરમાં મુશ્કેલી પડે છે. તેની રચના 16,000,000 વર્ષ પૂર્વે થઈ હોય તથા હાલનો તેનો આકાર 2,500,000 વર્ષ પૂર્વે નિર્ધારિત થયો હોય તેવો અંદાજ છે. તેનો કુલ વિસ્તાર 38,850 ચોકિમી., લંબાઈ 370 કિમી., વધુમાં વધુ પહોળાઈ 177 કિમી. તથા ઊંડાઈ 0.9થી 14 મીટર જેટલી છે. વર્ષમાં આશરે 3-6 મહિના દરમિયાન તે થીજેલો હોય છે. ઉત્તર તરફથી ડૉન તથા પૂર્વ તરફથી રૂબાન નદીઓ તેને મળે છે. તેના પર ટાગાનરોગ, ઝેડાનોવ યેસ્ક તથા બર્ડિન્સ્ક મુખ્ય બંદરો આવેલાં છે. આ બંદરો મારફત સારા પ્રમાણમાં માલસામાન તથા મુસાફરોની હેરફેર થાય છે. તેની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે. તેના પ્રદેશમાં 300 કરતાં વધારે પ્રાણીઓ તથા આશરે 79 પ્રકારની માછલીઓ વસે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે