એગમૉન્ટ પર્વત : ‘દક્ષિણનું ગ્રેટબ્રિટન’ અને ‘ભૂસ્તરશાસ્ત્રીઓનું સ્વર્ગ’ મનાતા ન્યૂઝીલૅન્ડના ઉત્તર ટાપુઓમાં આવેલા અનેક સક્રિય અને શાંત જ્વાળામુખી પર્વતો પૈકીનો એક. હોકની ખાડીના કિનારે 39o દ. અક્ષાંશ ઉપર તે આવેલો છે. તેની ઊંચાઈ 2,542 મીટર છે.
લાવા, રાખ, ગંધક અને બીજાં ખનિજતત્વો ધરાવતા આ જ્વાળામુખી નજીક ગરમ પાણીના, ‘ગીઝર’ તરીકે ઓળખાતા અનેક ફુવારા છે. પર્વતની ઉપત્યકા(તળેટી)માં તારાનાકીનું સાંકડું ફળદ્રૂપ મેદાન છે. તેનો ખેતી માટે ઉપયોગ થાય છે. પર્વતના ઢોળાવ ઉપર સુંદર ચરાણ કે બીડ છે.
મહેશ મ. ત્રિવેદી