એખરો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hygrophila auriculata Heine. syn. Asteracantha longifolia Nees. (સં. કોકિલાક્ષ, ઇક્ષુ; હિં. તાલીમખાના, કૈલયા; મ. કોલસુંદા, વિખરા, તાલીમખાના; બં. દુલિયાખાડા, કુલેકાંટા, કુલક, શૂલમર્દન; ત. નિરમુલ્લિ; મલ. વાયચુલ્લિ; ક. કુલુગોલિકે, નીરગોળ ગોલિકે; અં. લાગ લિવ્ડ બાલૅરિયા) છે. તેમાં શેરડી જેવી ગંધ હોવાથી ઇક્ષુરક પણ કહેવાય છે. તે કોંકણમાં અને બીજાં ભેજવાળાં સ્થળોએ ખેતરની બાજુએ ખાબોચિયામાં અને વહેળાના કિનારા ઉપર થાય છે. તે 60 સેમી.થી 90 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે. પર્ણો સાદાં, રેખીય-ભાલાકાર (linear-lanceolate), 6 સેમી.થી 12 સેમી. લાંબાં હોય છે અને તેની નીચે કાંટા હોય છે. પુષ્પો જાંબલી રંગનાં હોય છે અને કક્ષીય સઘન (dense) ચક્રિલ (whorl) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું હોય છે. બીજ અસંખ્ય, અંડાકાર, ચપટાં, શ્લેષ્મી અને રોમિલ હોય છે. તેનું બીજ પાણીનો સ્પર્શ થવાથી રસદાર બને છે. ગુજરાતમાં તેની બીજી જાતિ H. serphyllum T. Anders. (સરપત) ચોમાસામાં સુલભ છે. બંનેનાં પુષ્પ અને ફળ ઑક્ટોબરથી ફેબ્રુઆરી સુધી રહે છે.
આયુર્વેદ અનુસાર તેનાં મૂળ ઉત્કૃષ્ટ, શીતળ, વેદનાસ્થાપક, શુક્રજનક, યોનિ-સંકોચક, જાતીય ઉત્તેજક અને બલદાયક હોય છે. બીજ સ્નિગ્ધ, થોડાં મૂત્રજનક અને જનનેન્દ્રિયને ઉત્તેજક છે. પંચાંગની રાખ મૂત્રજનક છે. અતિસાર ઉપર તેનાં બીજ દહીંમાં વાટીને આપવામાં આવે છે. ક્ષતકાસ ઉપર બીજનું ચૂર્ણ મધ અને તાજા ઘી સાથે અપાય છે. ધાતુપુષ્ટતા માટે એખરાનાં બીજ, મૂસળી અને ગોખરુનું ચૂર્ણ ગાયના દૂધમાં સાકર નાખીને પિવડાવાય છે. પ્રમેહ ઉપર તેનાં બીજ દૂધમાં બાફી આપવામાં આવે છે. યોનિસંકોચ થવા માટે બીજના કાઢામાં તેનું ચૂર્ણ નાખી અંદર લેપ કરાય છે. તેનાં બીજનો પુષ્ટિદાયક પાક બનાવવામાં ઉપયોગ થાય છે. તે ક્ષય અને વાતરક્તમાં વપરાય છે.
શોભન વસાણી
સરોજા કોલાપ્પન
બળદેવભાઈ પટેલ