એક્સ અને ગૅમા-કિરણ સ્ફોટકો (X and γ-ray bursters) : અવકાશીય સંશોધનની ફલશ્રુતિરૂપ 1971ની આસપાસ શોધાયેલા વિસ્ફોટ કરતા અવકાશી પદાર્થો. અવારનવાર થોડીક ક્ષણો માટે તેમનો વિસ્ફોટ થતાં એક્સ તથા ગૅમા-કિરણો રૂપે પ્રચંડ ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. તે ઉત્સર્જન સૂર્યમાંથી મળતા આ પ્રકારના ઉત્સર્જન કરતાં લાખોગણું પ્રબળ હોય છે.
જોડિયા તારાની ઉત્ક્રાંતિના અંતિમ તબક્કારૂપ એક્સ-કિરણ સ્ફોટકો બે પ્રકારના હોય છે : પ્રકાર-Iમાં જોડમાંનો એક તારો સંકોચાઈ જઈને ન્યૂટ્રૉન તારાનું સ્વરૂપ ધારણ કરે છે. જોડિયા તારાના દ્રવ્યનો આ ન્યૂટ્રૉન તારા ઉપર પ્રપાત થતાં, તત્કાલ થરમૉન્યૂક્લિયર ફ્લૅશિઝ જેવી પરમાણુસંયોજનની ઘટના સર્જાય છે અને વિસ્ફોટ દ્વારા એક્સ-કિરણો રૂપે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. પ્રકાર-IIમાં જોડિયા તારાનું દ્રવ્ય ન્યૂટ્રૉન તારાની ફરતે વલય રૂપે વીંટળાયેલું હોય છે. આ દ્રવ્ય ન્યૂટ્રૉન તારાના ચુંબકીય ક્ષેત્રની અસર નીચે આવતાં, વિસ્ફોટ પામી, એક્સ-કિરણો રૂપે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. ખગોળશાસ્ત્રીઓનું મંતવ્ય છે કે ગૅમા-કિરણ સ્ફોટકોમાં પણ મહદ્અંશે આવી જ કોઈ ઘટના બનતી હોવી જોઈએ. જોકે આ અંગે હજી પૂરી સ્પષ્ટતા થયેલી નથી.
1981 અને 1983માં પ્રકાશીય કિરણોના વિસ્તારમાં પણ આવા અવકાશી પદાર્થોના વિસ્ફોટ દ્વારા ઊર્જા-ઉત્સર્જન જોવા મળ્યું છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(P.R.L.)ના વૈજ્ઞાનિકો ડૉ. કુલકર્ણી તથા ડૉ. અશોક દ્વારા 1979માં અવરક્ત (infra-red) કિરણોના વિસ્તારમાં પણ સ્ફોટકોની નોંધ લેવામાં આવેલી છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ