એક્સકોલ્ઝિયા : અં. Californian poppy; લૅ. Eschscholzia californica Cham. કુળ Papayeraceaeનો, મધ્યમ ઊંચાઈનો, શિયાળુ મોસમ માટેનો એક વર્ષાયુ છોડ. હળદર જેવાં પીળાં, કેસરી પીળાં, બદામી કે ક્રીમ રંગનાં ફૂલ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં પૂરા તડકામાં લોનની કિનારી પર ખીલતાં રમણીય લાગે છે. ફૂલ રકાબી આકારનાં અને આઠ-દસ સેમી. પહોળાં થાય છે. તે પુષ્પો પ્યાલાકાર, બે વજ્રપત્રો, ચાર પાંખડીઓ, અસંખ્ય પુંકેસર અને perigynous સ્ત્રીકેસર ધરાવે છે. આ વનસ્પતિને ફેરબદલી ધરુ તૈયાર કરીને વાવવાનું માફક આવતું નથી, માટે જે તે જગ્યાએ બી રોપી છોડ ઉછેરાય છે. તે કુળનાં સહસભ્યોમાં દારૂડી અને અફીણ મુખ્ય છે.
મ. ઝ. શાહ