એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ

January, 2004

એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ : વિનિમય બજારમાં દરમિયાનગીરી કરવાના હેતુથી મધ્યસ્થ અંકુશ હેઠળ ભેગું કરવામાં આવેલું અસ્કામતોનું અલાયદું ભંડોળ. દેશના ચલણના વિનિમયદરમાં ટૂંકા ગાળામાં થતી અનિચ્છનીય ઊથલપાથલને અટકાવવા માટે સોના તથા વિદેશી ચલણ જેવી અસ્કામતોનો તેમાં સમાવેશ થતો હતો. 1930 પછી સુવર્ણધોરણની વ્યવસ્થા રદ થયા પછી દેશનો હૂંડિયામણનો દર બજારનાં પરિબળો દ્વારા નક્કી થતો હોવાથી તેમાં વિનિમયદરમાં અસાધારણ ઊથલપાથલ થવા લાગી હતી, જેની ગંભીર અસરો રોકવામાં સરકારોને પાર વિનાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને વિનિમયદરની સ્થિરતા પુન:સ્થાપિત કરવા માટે વિનિમય બજારમાં દરમિયાનગીરી કરવાની નીતિ ઘણાખરા દેશોએ અપનાવી હતી. આ નીતિનો અમલ કરવાના હેતુથી કેટલાક દેશોએ એક્સચેન્જ ઇક્વલાયઝેશન ફંડ નામના સ્વતંત્ર ભંડોળની રચના કરી હતી. ઇંગ્લૅન્ડે આ દિશામાં પહેલ કરી (1932). તે પછી અમેરિકા તથા ફ્રાન્સે તેનું અનુકરણ કર્યું હતું. અલબત્ત, આવા ભંડોળનો ઉપયોગ જુદા જુદા દેશોમાં જુદા જુદા હેતુઓ માટે તથા એક જ દેશમાં જુદા જુદા સમયે ભિન્ન ભિન્ન હેતુથી કરવામાં આવ્યો હતો, તેમ છતાં મૂળભૂત રીતે તપાસતાં પોતાના ચલણના વિનિમયદરમાં થતી ટૂંકા ગાળાની અસામાન્ય ઊથલપાથલ અટકાવવા, આવી ઊથલપાથલને લીધે આંતરિક નાણાબજાર પર થતી વિપરીત અસરથી તેને મુક્ત રાખવા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપારની પ્રક્રિયામાં સુગમતા જાળવી રાખવાના હેતુથી આવા ભંડોળનું આયોજન કરવામાં આવતું હતું. આવા ભંડોળની મદદથી પ્રવર્તમાન પરિસ્થિતિ તથા જરૂરિયાતના સંદર્ભમાં વિદેશી ચલણનું ખરીદવેચાણ કરવામાં આવતું અને તે દ્વારા વિનિમયદરમાં થતા ફેરફારો મર્યાદિત ગાળા(range)માં અંકુશમાં રાખવામાં આવતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે