એક્કુણ્ડિ, સુબ્બન્ના રંગનાથ (જ. 20 જાન્યુઆરી 1923, રાણેબેન્નૂર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 20 ઑગસ્ટ 1995, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘બકુલદ હૂવુગળુ’ માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
મહારાષ્ટ્રમાં વિલિંગ્ડન કૉલેજ, સાંગલીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ બેલગામ તથા હૈદરાબાદમાં અધ્યાપન અંગેની તાલીમ લીધી. તે પછી કારવાર જિલ્લાના દરિયાકાંઠા પરના બંકી કોડલા ગામે સ્થિર થયા અને આદિવાસીઓ, માછીમારો તથા ખેડૂતો વચ્ચે અધ્યાપનકાર્ય કરતાં કરતાં 1978માં શાળાના મુખ્ય અધ્યાપકપદેથી નિવૃત્ત થયા.
15 વર્ષની કિશોરાવસ્થામાં કાવ્યો લખવાં શરૂ કર્યાં ત્યારથી અત્યાર સુધીમાં તેમના 8 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમાં ‘મત્સ્યગંધી’, ‘બેલ્લકીગુળુ’ તથા ‘કથન કવનગળુ’ નોંધપાત્ર છે. આ ઉપરાંત પુરસ્કૃત કૃતિ ‘બકુલદ હૂવુગળુ’નો તેમાં સમાવેશ થાય છે. તેમણે આધુનિક કવિતા પર વિવેચનલેખોનો એક સંગ્રહ, એક નવલકથા તથા એક વાર્તાસંગ્રહ પણ પ્રગટ કર્યાં છે.
તેમને સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર તથા કર્ણાટક રાજ્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘બકુલદ હૂવુગળુ’માં પૌરાણિક કલ્પનાશક્તિ, આખ્યાનલક્ષી કાવ્યકૌશલ તથા નાટ્યાત્મકતાનો પરિચય મળે છે. તેમાં કવિ પોતાની જીવનષ્ટિને મૂર્ત સ્વરૂપ આપવા માટે પૌરાણિક પાત્રોનો માધ્યમ તરીકે વિનિયોગ કરે છે. તેમની કાવ્યરીતિ જયદેવની લય-માધુરીનું સ્મરણ કરાવે છે. તેમનાં કાવ્યોમાં તેમની સમાજવાદી પ્રતિબદ્ધતા જણાય છે. કાવ્યો સીધાં સરળ અને અલંકારરહિત હોય છે. તેમાં જોવા મળતાં કલ્પના, બોલચાલનો લય, સૂક્ષ્મ માનવતા-બોધની સાથોસાથ રોમૅન્ટિક અને પ્રગતિશીલ પરંપરાઓના ઉત્કૃષ્ટ પ્રવાહને કારણે આ કાવ્યસંગ્રહ કન્નડ ભાષામાં લખાયેલ આધુનિક ભારતીય સાહિત્યનું એક આગવું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા