એકોન્કાગુઆ : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે વિસ્તરેલી ઍન્ડીઝ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર. તે સમુદ્રની સપાટીથી આશરે 6,960 મીટરની ઊંચાઈ ધરાવે છે. ચિલીની પૂર્વે આર્જેન્ટીના દેશની સરહદે આવેલું, પશ્ચિમ ગોળાર્ધનું આ સર્વોચ્ચ શિખર એક મૃત જ્વાળામુખી છે.

ફિટ્ઝજિરાલ્ડ નામના પર્વતારોહકની આગેવાની હેઠળ ઈ. સ. 1897માં આ સર્વોચ્ચ શિખરનું સફળ આરોહણ થયું હતું. લાવા રસના બનેલા આ શિખરની ચોપાસથી નીકળતી નદીઓમાં સાલાડો, કૉલોરાડો મુખ્ય છે. આ શિખરની માફક ઍન્ડીઝ પર્વતમાળાનાં અન્ય જ્વાળામુખી શિખરોમાં ચિમ્બારાઝો (સુષુપ્ત) અને કોટોપાક્સી (સક્રિય) ગણાવી શકાય, જે ઇક્વેડોર દેશમાં આવેલાં છે. વધુ ઊંચાઈને કારણે એકોન્કાગુઆ સહિતનાં મોટા ભાગનાં શિખરો હિમાચ્છાદિત રહે છે.

મહેશ મ. ત્રિવેદી